ભાવનગરમાં ભાજપનાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની હાજરીમાં પેજ સમિતિનાં લોકોનું સંમેલન યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં સી.આર.પાટીલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમજ વિધાનસભા ચૂંટણીમાં ટિકિટને લઈને કરેલા નિવેદનના કારણે કાર્યકર્તાને વિચારતા કરી દિધા છે. તેમણે કહ્યુ કે, ટિકિટની ફાળવણી મોદી અને અમિત શાહ કરશે.
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ શનિ રવિ બે દિવસ ભાવનગર આવી પહોંચ્યા હતા. વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ અંતર્ગત આજે અહીં બાઇક રેલી તથા રોડ શો યોજવામાં આવ્યો હતો અને ત્યારબાદ શહેરનાં જવાહર મેદાન ખાતે પેજ સમિતિ સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં ચૂંટણી પૂર્વે કાર્યકરોમાં જોમ અને જુસ્સો ભરવામાં આવ્યો હતો. સાથે-સાથે આપ અને કોંગ્રેસ પર પાટીલે આકરા પ્રહાર કર્યા હતા.
સી.આર.પાટીલે કેજરીવાલ દ્વારા રેવડી કલ્ચર એટલે કે મફત આપવાની કરેલી વાતને મામલે કેજરીવાલની સરખામણી જાદુગર સાથે કરી હતી. આ ઉપરાંત કાર્યકરો અને ટિકિટ વાંચ્છુકોને કહ્યું હતું કે, પ્રદેશ પ્રમુખને નાતે વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ આપવનો મારો કોઈ રોલ નથી. આ કામ તો નરેન્દ્ર મોદી અને અમિત શાહ જ કરશે. માટે કોઈને ટિકિટ ના મળે તો ખોટું લગાડશો નહીં. તેમ કહી અનેકને વિચારતા કરી દીધા હતા.