ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક રવિવારે મળવાની છે. આ દરમિયાન એક જ રાજકીય ઠરાવ પસાર કરવામાં આવશે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહે આ અંગે માહિતી આપી હતી. રાષ્ટ્રીય કાર્યકારી સમિતિ એ ભાજપની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા છે. કોરોના પ્રતિબંધને કારણે બે વર્ષ બાદ રવિવારે તેની બેઠક યોજાવા જઈ રહી છે.
રાષ્ટ્રીય અને આર્થિક મુદ્દાઓ પર ઠરાવ પસાર કરવાની ભાજપની પરંપરા છે. આખા દિવસની આ બેઠક દરમિયાન આ વર્ષે સરકાર કોરોના સામે લડવાની તૈયારીઓ, રસીકરણ અભિયાનની ઝડપ અને અર્થવ્યવસ્થાને સુધારવાની નીતિઓ પર ચર્ચા કરે તેવી શક્યતા છે. કેટલાક લોકો આ મીટિંગમાં વર્ચ્યુઅલ રીતે હાજરી આપી શકે છે. અરુણ સિંહે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ સભાને સંબોધશે.
અરુણ સિંહના જણાવ્યા અનુસાર, બેઠક દરમિયાન મુખ્ય એજન્ડા પંજાબ, મણિપુર, ગોવા, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી હશે. આ સાથે સરકારની મહત્વકાંક્ષી યોજનાઓનું પ્રદર્શન પણ મુકવામાં આવશે. જેમાં આત્મનિર્ભર ભારત અને ગરીબ કલ્યાણ યોજનાઓનો સમાવેશ થશે. અરુણ સિંહે કહ્યું કે કોરોના દરમિયાન પાર્ટી કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવેલા કામને પણ આ પ્રદર્શનમાં સામેલ કરવામાં આવશે. સાથે જ, થોડા દિવસો પહેલા 100 કરોડ લોકોને રસી આપવા માટે જે માઈલસ્ટોન હાંસલ કરવામાં આવ્યો હતો તેને પણ તેનો એક ભાગ બનાવવામાં આવશે.