બહુજન સમાજ પાર્ટી (BSP) એ આઝમગઢમાં લોકસભા પેટાચૂંટણી માટે પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. બસપાએ શાહઆલમ ઉર્ફે ગુડ્ડુ જમાલીને ટિકિટ આપી છે. અખિલેશ યાદવના રાજીનામા બાદ આઝમગઢમાં પેટાચૂંટણી યોજાઈ રહી છે.
નોંધનીય છે કે સમાજવાદી પાર્ટી (SP)ના વડા અખિલેશ યાદવે મૈનપુરીના કરહાલ વિધાનસભા ક્ષેત્રમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ આઝમગઢના સાંસદ પદ પરથી રાજીનામું આપી દીધું છે. સપાના વરિષ્ઠ નેતા આઝમ ખાને રામપુરથી વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ રામપુર લોકસભા ક્ષેત્રના સાંસદ પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ નેતાઓના રાજીનામા બાદ ખાલી પડેલી બંને બેઠકો પર 23 જૂને પેટાચૂંટણી માટે મતદાન થવાનું છે.
બસપા રામપુરમાં પેટાચૂંટણી નહીં લડે
જણાવી દઈએ કે બહુજન સમાજ પાર્ટી (BSP)ના પ્રમુખ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ 23 જૂને યોજાનારી લોકસભાની પેટાચૂંટણીમાં આઝમગઢમાં ઉમેદવારો ઊભા કરવાનો નિર્ણય લીધો છે. જોકે, પાર્ટી રામપુરમાં પેટાચૂંટણી લડશે નહીં. BSPએ કહ્યું કે રામપુર વિસ્તારમાં પાર્ટીને હજુ પણ મજબૂત કરવાની જરૂર છે અને 2024ની લોકસભા ચૂંટણીમાં BSP ચોક્કસપણે ત્યાં ઉમેદવારો ઉભા કરશે.
26મી જૂને મતગણતરી થશે
દેશના છ રાજ્યોમાં ત્રણ લોકસભા અને સાત વિધાનસભા બેઠકો માટે 23 જૂને પેટાચૂંટણી યોજાશે. આઝમગઢ અને રામપુર ઉપરાંત, એક લોકસભા સીટ પંજાબના સંગરુરની છે, જે ભગવંત માન રાજ્યના મુખ્યમંત્રી બન્યા પછી છોડી દીધી હતી. 26મી જૂને મતગણતરી થશે.
આ પણ વાંચો:સોનિયા-રાહુલને EDના સમન્સ પર કોંગ્રેસે કેન્દ્રને ઘેર્યું, હવે ભાજપે આપ્યો આકરો જવાબ