દિલ્હી: દેશની બેન્કિંગ સિસ્ટમમાં લિક્વિડિટી અથવા રોકડની અછત છેલ્લા અઢી વર્ષમાં સૌથી ખરાબ સ્થિતિમાં પહોંચી ગઈ છે. દિવાળીના તહેવારની સીઝનમાં ફંડની ભારે ડિમાન્ડ હતી, ત્યારે એનબીએફસી પાસેથી ધિરાણ ઘટી ગયું હતું. બેન્કો પાસે પણ નાણાં ન હોવાના કારણે તેણે ઉછીનું ફંડ મેળવવાનું ચાલુ રાખ્યું હતું.
ચાલુ વર્ષમાં તા. 8 ઓકટોબરથી એક મહિના દરમિયાન દૈનિક નેટ બોરોઇંગનું પ્રમાણ રૂા. 71 હજાર કરોડથી રૂા.1.4 લાખ કરોડ વચ્ચે હતું, તેવું બ્લૂમબર્ગના આંકડા દશાર્વે છે.
ઓકટોબર 2015 અને જૂન 2016 વચ્ચે સૌથી લાંબાગાળા માટે આ ખાધ સૌથી વધારે હતી. જયારે બેન્કો દ્વારા લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી મારફત ઋણ લેવાના પ્રમાણમાં વધારો થયો હતો પરંતુ ઇન્ટરબેન્ક માર્કેટમાં હજુ સુધી આટલો તણાવ દશાર્વ્યો નથી. કારણ કે ઓવરનાઇટ કોલ મની રેટ આરબીઆઇના રેપો રેટની ઘણો નજીક છે.
નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં સિસ્ટમ લિક્વિડિટી શોર્ટેજ સામાન્ય કરતાં વધુ ચુસ્ત હતી. એક શકયતા એવી પણ છે કે સરકારે વધારે ટેકસ રેવન્યુ મેળવી છે અને આરબીઆઇ પાસે તે જંગી બેલેન્સ ધરાવે છે તેણે પગાર સિવાયનાં વધારાના નાણાં ડિસ્બર્જ કરવામાં આવ્યા નથી.