નવી દિલ્હી,
છેલ્લા એક મહિનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થઇ રહેલા ભડકા બાદ ગુરુવારે કેન્દ્ર સરકાર દ્વારા લોકોને રાહત અપાતા ૨.૫૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો, ત્યારે માનવામાં આવી રહ્યું હતું કે, મોંઘવારીથી ત્રાહિમામ પોકારી ઉઠેલી જનતાને થોડી ઘણી રાહત મળશે, પરંતુ આ ઘટાડાની અસર માત્ર ગણતરીના કલાકો માટે જ જોવા મળી રહી છે.
નાણામંત્રી અરુણ જેટલી દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કરાયેલા ઘટાડાના ત્રીજા જ દિવસે એટલે કે શનિવારે વધુ એકવાર ઓઈલ કંપનીનો દ્વારા વધુ એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.
આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રુડ ઓઈલની કિંમતમાં થયેલા વધારા બાદ શનિવારે રાજધાની દિલ્હીમાં પેટ્રોલમાં ભાવમાં ૧૮ પૈસાનો વધારો ઝીકવામાં આવ્યો છે. આ સાથે જ એક લીટર પેટ્રોલ ૮૧.૬૮ રૂપિયાના ભાવે મળી રહ્યું છે.
જયારે ડીઝલના ભાવમાં પણ ૨૯ પૈસાની વૃદ્ધિ જોવા મળી છે, આ સાથે જ એક લીટર ડીઝલ ૭૩.૨૪ રૂપિયાના ભાવે મળી રહ્યું છે.
આર્થિક રાજધાની મુંબઈમાં પણ પેટ્રોલમાં થયેલા ૧૮ પૈસાના વધારા સાથે ૮૭.૧૫ રૂપિયાના ભાવે મળી રહ્યું છે. જો કે મુંબઈમાં ડીઝલના ભાવમાં ૭૦ પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે, આ સાથે એક લીટર ડીઝલ ૭૬.૭૫ રૂપિયાના ભાવે મળી રહ્યું છે.