અમદાવાદ: શેર બજારમાં શુક્રવારે જબરદસ્ત ઊથલપાથલ જોવા મળી હતી. આજે સેન્સેક્સ (Sensex) માં અચાનક 1500 પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો. ‘બ્લેક ફ્રાઇડે’ની આશંકા સાથે રોકાણકારોનો શ્વાસ થોડા સમય માટે તો જાણે રૂંધાઈ ગયો હતો. પરંતુ બજારમાં જેટલો ઝડપથી કડાકો આવ્યો તેટલી જ ઝડપથી પાછો ઉછાળો પણ આવી ગયો હતો. જેના કારણે આજે બજાર બંધ થયું ત્યારે સેન્સેક્સ 36,841.60 અંકે બંધ રહ્યો હતો.
જો કે, હાલમાં હજુ સુધી સેન્સેક્સમાં ઘટાડો થવાનું કોઇ કારણ સમજાઈ રહ્યું નથી. પરંતુ આ ઘટાડામાં સૌથી વધુ બેન્કિંગ કંપનીઓ અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓના શેર્સમાં કડાકો બોલ્યો હતો. જો કે હાલમાં નિષ્ણાતોનું માનવું છે કે, શેરહોલ્ડરોએ આ ઘટાડાના કારણે ગભરાવવાની જરૂરિયાત નથી. આ કડાકાને કારણે DHFLનો શેર 50 ટકા અને યસ બેન્કનો શેર 30 ટકા નીચે સુધી ગબડી ગયો હતો.
યસ બેન્કના સીઇઓ રાણા કપૂરનો કાર્યકાળ સમય કરતાં પહેલાં પૂર્ણ કરવાના આરબીઆઈના નિર્ણયની બેન્કના અનેક શેરો પર ઘણી અસર પડી છે. રાણા કપૂર 31મી જાન્યુઆરી 2019ના રોજ રિટાયર થવાના હતા, પરંતુ આરબીઆઈ તેમના 3 વર્ષના કાર્યકાળને અત્યારથી જ ટુંકાવી દીધો છે.
કેન્દ્રીય બેન્કે આ કાર્યવાહીથી બેન્કિંગ સેકટરના મેનેજમેન્ટથી લઇને કેન્દ્ર સરકાર સુધ્ધાંને કડક સંદેશો આપ્યો છે. શુક્રવારના રોજ યસ બેન્કના શેરોમાં અંદાજે એક તૃતિયાંશ સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. આથી બેન્કની માર્કેટકેપમાં એક ઝાટકે 3 અબજ ડોલર એટલે કે અંદાજે 21700 કરોડ રૂપિયાનો ઘટાડો આવી ગયો છે.
અત્રે મહત્વનું છે કે, આજે પ્રારંભના ટ્રેડિંગ સેશનમાં બજાર ગ્રીનમાં ખુલ્યું હતું. તેમાં બીએસઇની 30 કંપનીઓના શેર પર આધારિત સેન્સેક્સ 305.88 અંક એટલે કે 0.82 ટકાના સુધારા સાથે 37427 પર અને નિફ્ટી 84 અંકની તેજી સાથે 11318 પર ખુલ્યાં હતાં.
શેરબજારમાં શુક્રવારે ટ્રેડિંગ સેશન દરમિયાન જબરદસ્ત ઉથલ-પાથલ જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટી સારી એવી તેજી સાથે ખૂલ્યા અને શરૂઆતના ટ્રેડિંગ સેશનમાં તેજી પણ દેખાઈ હતી. પરંતુ અચાનક શું થયું કે, સેન્સેક્સ અને નિફ્ટી બંને એકદમ ધડામ કરતાં નીચે પટકાયા હતા.
એક સમયે સેન્સેકસમાં અંદાજે 1500 અંકનું ગાબડું પડી ગયું હતું, જે નોટબંધી પછીનો આ સૌથી મોટો કડાકો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જ ખાતે નિફ્ટી પણ 11,000ના આંકડાથી નીચે ઉતરી ગયું હતું. જો કે ટૂંક સમયમાં જ બજારમાં ફરી પછી તેજી આવી હતી, જેના કારણે સેન્સેક્સ અને નિફ્ટીએ રિકવરી કરી લીધી હતી.