મુંબઈ,
અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયામાં થઇ રહેલો સતત ઘટાડો અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટ્રેડવોરના કારણે શેરબજારમાં સોમવારે મોટો કડાકો થયો છે.
સોમવારે માર્કેટ ખુલવાની સાથે જ સેન્સેક્સમાં BSE ઇન્ડેક્સમાં ૫૨૯.૧૩ પોઈન્ટના કડાકા સાથે ૩૬૩૧૨.૪૭ અને નિફ્ટીમાં ૧૬૬.૬૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૦૯૭૭.૫૫ ના સ્તર પર પહોચ્યો છે.
દેશના બેન્કિંગ સેક્ટરની વાત કરવા આવે તો, એક્સીસ બેંક, યસ બેંક, HDFC બેંક, SBI, ICICI, કોટક બેંક સહિતની ઘટાડો જોવા મળ્યો છે.
સાથે સાથે કોલ ઇન્ડિયા, NTPC, તાતા સ્ટીલ, સન ફાર્મા, રિલાયન્સ, ભરતી એરટેલ, TCSના શેરોમાં પણ ઘટાડો થયો છે.
શુક્રવારે સેન્સેક્સમાં થયો હતો ૧૧૨૮ પોઈન્ટનો કડાકો
આ પહેલા શુક્રવારે સેન્સેક્સમાં ૧૧૨૮ પોઈન્ટનો કડાકો થયો હતો, જો કે ત્યારબાદ થોડીક જ મિનિટોમાં ૨૭૯.૬૨ પોઈન્ટની રીકવરી થઇ હતી અને ૩૬,૮૪૧.૬૦ના સ્તર પર બંધ થયું હતું. જયારે નિફ્ટી પણ ૩૬૮ પોઈન્ટ ઘટ્યો હતો અને અંતમાં ૯૧.૨૫ની ઘટાડા સાથે ૧૧,૧૪૩.૧૦ પર બંધ થયો હતો.
આ કારણે રોકાણકારો માટે શુક્રવારનો દિવસ “બ્લેક ફ્રાઈડે” તરીકે જોવા મળ્યો હતો. છેલ્લા ચાર દિવસોમાં દલાલ સ્ટ્રીટ પર રોકાણકારોના ૫ લાખ ૬૬ હજાર ૧૮૭ કરોડ રૂપિયા સ્વાહા થયા હતા.
તુર્કીમાં ચાલી રહેલું સંકટ અને ટ્રેડવોર છે મુખ્ય કારણ
તુર્કીમાં ચાલી રહેલા આર્થિક સંકટના કારણે ઈમરજિંગ ઈકોનોમીને લઈ રોકાણકારો રૂપિયામાં હવે રોકાણ કરવાથી બચી રહ્યા છે, તેની સીધી જ અસર ડોલરની ડિમાંડ વધવાના કારણે રૂપિયો સતત કમજોર થઈ રહ્યો છે.
આ ઉપરાંત અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડવોરની પણ નોધપાત્ર અસર રૂપિયા પર જોવા મળી રહી છે.
બીજી બાજુ અમેરિકી ડોલરની સામે ભારતીય રૂપિયામાં પણ ઘટાડો યથાવત જોવા મળી રહ્યો છે. સોમવારે રૂપિયો ૭૨.૫૮ના નીચલા સ્તર પર પહોચી ગયો છે.