@મેહુલ દુધરેજીયા
Ahmedabad News: અમદાવાદમાં પેટ્રોલ પંપના ટોયલેટનો ઉપયોગ કરતી મહિલાઓ માટે ચેતવણી સમાન કિસ્સો બન્યો છે. અમદાવાદમાં પેટ્રોલ પમ્પનું ટોઇલેટ વાપરવા ગયેલી મહિલાને વરવો અનુભવ થયો છે. આ અનુભવે મહિલાની આંખ ખોલી નાખી છે.
અમદાવાદમાં અંજલિ ચાર રસ્તા પાસેના પેટ્રોલ પમ્પ પર શૌચક્રિયા કરવા ગયેલી મહિલાનો કોઈએ વિડીયો ઉતાર્યો હતો. મહિલા શૌચક્રિયા કરવા ગઈ હતી ત્યારે તેના ધ્યાન પર કોઈ વિડીયો ઉતારી રહ્યુ હોવાનું આવતા તેણે તરત જ બૂમરાણ મચાવી હતી. તેણે બૂમાબૂમ કરતાં વિડીયો ઉતારનાર ફરાર થઈ ગયો હતો.
મહિલાએ આ અંગે તરત જ સુપરવાઇઝરને ફરિયાદ કરતાં તેણે હાથ અદ્ધર કર્યા હતા. સુપરવાઇઝરે મહિલાની ફરિયાદ સાંભળવાના બદલે તેને ઉદ્ધત જવાબ આપતા જણાવ્યું હતું કે તમારાથી થાય તેમ કરી લો. સુપરવાઇઝરના આ પ્રકારના ઉદ્ધત જવાબના પગલે મહિલાએ ન્યાય માટે શહેર પોલીસનો દરવાજો ખખડાવ્યો છે. પાલડી પોલીસે સમગ્ર મામલે હવે તપાસ હાથ ધરી છે.
આ કિસ્સાને ધ્યાનમાં રાખીને પોલીસ આગામી સમયમાં બધા પેટ્રોલ પમ્પો પર તવાઈ બોલે તેવી સંભાવના છે. મહિલાએ આ બાબતમાં ફરિયાદ કરવાની પણ હિંમત દાખવી છે. જ્યારે ઘણા કિસ્સામાં તો મહિલાઓ શરમની મારી ફરિયાદ પણ કરી શકતી નથી. તેથી જો પોલીસ આ કિસ્સામાં યોગ્ય તપાસ નહીં કરે તો મહિલાઓ માટે પેટ્રોલ પમ્પ જ નહીં બહારના કોઈપણ ટોઇલેટ વાપરવા અઘરા પડી શકે છે. કોને ખબર છે કે આ કિસ્સો ફક્ત પેટ્રોલ પમ્પ પૂરતો મર્યાદિત જ છે. હજી તો બીજા બધાની ફરિયાદ થઈ નથી. મહિલા સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ સત્વરે પગલાં લે અને આ પ્રકારે વિડીયો લેતા લોકોની સામે યોગ્ય કાયદાકીય પગલાં લે તે જરૂરી છે.
આ પણ વાંચો: સુરતમાં સ્કૂલ વાન ચાલકો અને ઓટોરિક્ષા ચાલકોની હડતાળ સમેટાઈ
આ પણ વાંચો: IOCL કંપનીની પાઈપ લાઈનમાં કાણું પાડી કરોડોના ઓઈલની કરી ચોરી, બે ભેજાબાજ ભાઈબંધુઓનું કારસ્તાન
આ પણ વાંચો: નવસારી: જાણીતા યુવા બિલ્ડરે બનાવી જોખમી રીલ, વીડિયો થયો વાયરલ
આ પણ વાંચો: ગાંધીનગરને મળ્યા નવા મહિલા મેયર, કોર્પોરેટર રહેલ મીરા બેન પટેલ બન્યા મેયર