તપાસ એજન્સી સીબીઆઇએ કુલ 3700 કરોડ રુપિયાથી વધુના બેન્ક સાથેના છેતરપિંડીના 30થી વધુ કેસોના સંદર્ભમાં આખા દેશમાં તપાસ હાથ ધરી છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ દેશના કુલ 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ સર્ચ હાથ ધર્યું હતું.
દેશની જુદી જુદી સરકારી બેન્કો તરફથી સીબીઆઇને મળેલી ફરિયાદના આધારે આ તપાસ હાથ ધરવામાં આવી હતી. બેન્કોએ તેમની સાથે થયેલી છેતરપિંડી અંગે સીબીઆઇને ફરિયાદ કરી હતી. ફરિયાદી બેન્કોમાં ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક, યુનિયન બેન્ક, બેન્ક ઓફ બરોડા, પંજાબ નેશનલ બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, આઇડીબીઆઇ, કેનેરા બેન્ક, ઇન્ડિયન બેન્ક અને સેન્ટ્રલ બેન્કનો સમાવેશ થાય છે.
સીબીઆઇએ જે શહેરોમાં તપાસ હાથ ધરી છે તેમાં કાનપુર, દિલ્હી, ગાઝિયાબાદ, મથુરા, નોઇડા, ગુરુગ્રામ, ચેન્નઇ, થિરુવરુર, વેલ્લોર, બેંગ્લોર, ગુંટર, હૈદરાબાદ, બેલ્લારી, વડોદરા, કોલકાતા, વેસ્ટ ગોદાવરી, સુરત, મુંબઇ, ભોપાલ, અમદાવાદ, રાજકોટ, કરનાલ, જયપુર અને શ્રી ગંગાનગરનો સમાવેશ થાય છે.
સીબીઆઇની તપાસ દરમિયાન જુદાજુદા વાંધાજનક દસ્તાવેજો અને અન્ય મટિરિયલ, ડિજીટલ પુરાવા પ્રાપ્ત કરવામાં આવ્યા હતા. સીબીઆઇને જુદી જુદી બેન્કો તરફથી લોન કે ક્રેડિટ સુવિધા મેળવતી વખતે જુદીજુદી ડિફોલ્ટીંગ પેઢિઓ તરફથી છેતરપિંડી, ફન્ડસના ડાયવર્ઝન, ખોટા કે નકલી દસ્તાવેજોની સોંપણી બાબતમાં ફરિયાદો મળી હતી.