Ahmedabad News : અમદાવાદમાં અકસ્માતોનું પ્રમાણ દિન પ્રતિદીન વધતું જાય છે. તેમછતા વાહનચાલકો હેલ્મેટના નિયમને અનુસરતા નથી. મોટાભાગના લોકો હેલ્મેટ વગર જ વાહન હંકારતા જોવા મળે છે. ટ્રાફિક પોલીસ પણ આવા લોકો સામે આંખ આડા કાન કરતી હોય તેવું જણાય છે. હેલ્મેટના કડક કાયદા છતા લોકોને કાયદાનો જાણે ડર જ ન હોય તેમ વર્તી રહ્યા છે. અમદાવાદના 20 અરજદારે ગુજરાત હાઇકોર્ટમાં પોલિટેક્નિકથી IIM વચ્ચે બનનારા ઓવરબ્રિજને લઈને એડવોકેટ સલીલ ઠાકોર મારફત જાહેરહિતની અરજી દાખલ કરી હતી, જે ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેન્ચ સમક્ષ ચાલી રહી છે. અરજદારોએ આ બ્રિજ નિર્માણને જ પડકાર ફેંક્યો હતો. હાઇકોર્ટે આ PILનો વિષય વિસ્તૃત કરી શહેરમાં ટ્રાફિક સમસ્યા, બ્રિજની ડિઝાઇન, ગ્રીન કવર સુધી વિસ્તાર્યો હતો. આજે આ મુદ્દે વધુ સુનાવણી હાથ ધરાઇ હતી, જેમાં ચીફ જજે જણાવ્યું હતું કે હેલ્મેટ ફરજિયાત કરાયું હોવા છતાં અમદાવાદ શહેરમાં કોઈ હેલ્મેટ નિયમનું પાલન કરીને પહેરતું નથી.
હાઇકોર્ટે આવતા ચીફ જજે ખુદ પોતાના મોબાઈલમાં ગાડીમાંથી ફોટો લીધા હતા, જેમાં ત્રણ કે ચાર જણાને છોડીને કોઈએ હેલ્મેટ પહેર્યાં નહોતાં. પોલીસ પણ VIP ડ્યૂટીમાં હતી, કોઈને ચિંતા નહોતી. એડવોકેટ જનરલે જણાવ્યું હતું કે હેલ્મેટ પહેર્યા વગરના લોકોના 106 કેસ RTOને અપાયા છે, જેમના લાઇસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરાશે. કોર્ટે કહ્યું હતું કે ઓથોરિટી દરેક ટૂ-વ્હીલર ચાલકને હેલ્મેટ પહેર્યા વગર પકડશે તો અમદાવાદના રોડ ઉપર ટૂ-વ્હીલર જોવા નહિ મળે. હેલ્મેટને લઈને ઝીરો ટોલરન્સ પોલિસી અપનાવવામાં આવે. દેહરાદૂનમાં લોકો ડરે છે એટલે હેલ્મેટ પહેરે છે.
હાઇકોર્ટે સૂચન કર્યું હતું કે આજના જમાનામાં બધા ઉતાવળમાં હોય છે, એટલે હેલ્મેટ નહિ પહેરનાર લોકોને પકડીને 15થી 20 મિનિટ માટે ઊભા રાખવામાં આવે, જેથી તેમનો સમય બગડશે તો ઓફિસમાં મોડા પહોંચતાં ઠપકો મળશે. આમ, મગજમારીથી બચવા તેઓ હેલ્મેટ પહેરશે. અમદાવાદમાં આ સૂચનને પાયલોટ પ્રોજેક્ટ તરીકે લેવામાં આવે, પછી બીજાં શહેરોમાં વિસ્તરણ કરવામાં આવે. અકસ્માતમાં માથામાં ઈજાથી મૃત્યુ દર ઊંચો હોય છે. ચીફ જજે હાઈકોર્ટ આવતા જાતે અકસ્માત જોયો હતો, જેમાં એક યુવકનું બાઈક ઉપર અકસ્માત થતાં માથામાં ગંભીર ઇજા થઈ હતી. કોર્ટે કહ્યું હતું કે દિલ્હીમાં હેલ્મેટ વગર કોઈ ટૂ-વ્હીલરચાલક જોવા ના મળે. જો દિલ્હીમાં ટ્રાફિક નિયમોનો ભંગ સર્જાય તો અફરાતફરી સર્જાય. અરજદારે જણાવ્યું કે રાજ્યમાં 7થી 8 વર્ષ પહેલાં હેલ્મેટ ફરજિયાત કરાયું હતું, પરંતુ પછી એ વખતના CMએ જાહેરાત કરી હતી કે આનો અમલ ના કરાય એવી લોકોની માગ છે.
કોર્ટે કહ્યું હતું કે હેલ્મેટનો નિયમ મોટર વ્હીકલ એકટનો છે, એ કેન્દ્ર સરકારનો કાયદો છે. સવારે 10:30થી 11 કલાકના ઓફિસ અવર્સમાં રોડ ઉપર ચેક પોસ્ટ રાખવામાં આવે અને હેલ્મેટ ના પહેર્યું હોય તેવા ટૂ-વ્હીલરચાલકોને રોકી રાખવામાં આવે, જેથી ઓફિસમાં પણ તેમને મોડા પહોંચતાં ઠપકો મળે. ચીફ જજ હાઇકોર્ટના તમામ સ્ટાફને હેલ્મેટ પહેરવા નિયમ લાવશે. જો કોઈ વગર હેલ્મેટે પકડાશે તો તે સભ્ય સામે પગલાં લેવામાં આવશે. ઓથોરિટીએ જણાવ્યું હતું કે તે દરેક સંસ્થાને પણ જાણ કરશે કે તેમના ત્યાં આવતા કર્મચારી ફરજિયાતપણે હેલ્મેટ પહેરે. દંડ અને કેસ કરવાથી કોઈ ફેર પડતો નથી.કોર્ટે ઓથોરિટીને રોડ ઉપર પેચવર્કનું કામ ચાલુ રાખવા સૂચન આપ્યું હતું. અરજદારે જણાવ્યું હતું કે ઓથોરિટીએ યોગ્ય કારણોસર 2થી 3 બ્રિજ બનાવવાનું આયોજન કેન્સલ રાખ્યુ છે. ખાસ કરીને હાઇવેના એન્ટ્રી અને એઝિટ પોઇન્ટ ઉપર કામ કરવાની જરૂર છે. આ પોઇન્ટ અકસ્માતનાં સ્થળો છે. કોર્ટે ઓથોરિટીની સૂચન કર્યું હતું કે એક્સપર્ટની નિમણૂક કરીને આવા અકસ્માતના પોઇન્ટ શોધવામાં આવે અને એમાં સુધારો કરવામાં આવે. ઉપરાંત હેલ્મેટના નિયમ અને રોડના પેચવર્કને લઈને આવતા અઠવાડિયે સુનાવણી થશે, જેમાં કોર્ટના સૂચન પર કરાયેલા અમલીકરણ અને તારણ પર ચર્ચા થશે.
ગત સુનાવણીમાં કોર્ટે જણાવ્યું હતું કે કોર્ટે ટૂ-વ્હીલરચાલકો માટે ફરજિયાત હેલ્મેટ પહેરવાના નિયમનો કડક અમલ કરાવવા ઓથોરિટીને નિર્દેશ આપ્યો હતો, પરંતુ કોર્ટને રસ્તા ઉપર ટૂ-વ્હીલરચાલકો હેલ્મેટ પહેરતા હોય એવું દેખાતું નથી. કાલ ઊઠીને તેઓ નવરાત્રિમાં હેલ્મેટ નહીં પહેરવાની છૂટ પણ માગશે! જેથી સરકારે જણાવ્યું હતું કે ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા લોકોના લાઇસન્સ સસ્પેન્ડ કરવા માટે વિચારવામાં આવી રહ્યું છે. ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર ચાલકને બે વખત દંડ કરવામાં આવશે, જ્યારે ત્રીજી વખત ટ્રાફિક નિયમોનો ભંગ કરનારનું લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવી શકે છે. અરજદારે જણાવ્યું હતું કે વર્ષ 2021થી 2024 સુધીના સમાચાર અહેવાલો જણાવે છે કે ટ્રાફિકની સમસ્યામાં સુધારો થયો નથી. આ પ્રશ્નના નિરાકરણ માટે કોર્ટના નિર્દેશો જરૂરી છે.
એડવોકેટ જનરલે જણાવ્યું હતું કે હવે ટ્રાફિક જંકશન ઉપર પોલીસ ઊભી હોય છે. કોર્ટે એ વાત સાથે સહમતી બતાવી નહોતી. સરકારે વધુમાં જણાવ્યું હતું કે ટ્રાફિક જંકશનના 50 મીટર વિસ્તારમાં પાર્કિંગ બદલ દંડ પણ વસૂલવામાં આવી રહ્યો છે, જેથી કોર્ટે એડવોકેટ જનરલને પૂછ્યું હતું કે શું તેમણે જાતે ફિલ્ડ પર જઈને જોયું છે? આ હકીકત નથી, કોઈ ફરક પડ્યો નથી. જોકે એડવોકેટ જનરલે જણાવ્યું હતું કે લોકો હવે સમજદાર થઈ રહ્યા છે અને જ્યાં-ત્યાં પાર્કિંગ કરતાં પહેલાં વિચારે છે. આ અનધિકૃત પાર્કિંગ થયેલાં વાહનને ટો કરવામાં આવે છે. દર બે કલાકે ઉચ્ચ અધિકારીઓ તાબાના કર્મચારીઓ રોડ ઉપર ટ્રાફિકને લઈને કામ કરે છે કે કેમ એ જોવા માટે જાય છે.
ચીફ જજે હળવી ટકોરમાં કહ્યું હતું કે જ્યારે તેઓ હાઇકોર્ટ આવવા રોડ ઉપર નીકળે અને જંકશન ઉપર પાંચ પોલીસ કર્મચારી દેખાય એટલે તેઓ સમજી જાય છે કે આજે ટ્રાફિક સમસ્યા મુદ્દે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી પર સુનાવણી છે. કોઈ નિરીક્ષણ કરવાવાળું હોય નહીં તો કામ પણ થતું નથી. આ સમસ્યાના નિવારણ માટે ટેક્નોલોજીનો ઉપયોગ જરૂરી છે. ટેક્નોલોજી દ્વારા સુનિશ્ચિત કરવામાં આવે કે જે કર્મચારીઓને જે સ્પોર્ટ પર ડ્યૂટી સોંપવામાં આવી છે તેઓ ત્યાં છે કે નહીં. નીચલા લેવલે અનુશાસન જરૂરી છે. કોર્ટ મિત્રએ જણાવ્યું હતું કે આખો દિવસ ખુલ્લામાં રોડ ઉપર રહીને નોકરી કરવી તે અઘરી બાબત છે, પરંતુ જ્યારે નોકરી સ્વીકારી છે તો એ કરવી જ પડે. ફક્ત લોકોને દંડ કરવામાં રસ દાખવી શકાય નહીં. એક રોડનું બીજા રોડ સાથે જોડાણ યોગ્ય રીતે કરવામાં આવે. જેથી કરીને ત્યાં માનવ સંસાધનનો વેડફાટ થાય નહીં. એક રોડ બીજા રોડને મળતો હોય ત્યાં પહેલેથી જ ડિવાઇડર અને સાઈન બોર્ડ મુકાવવાં જોઈએ.
કોર્ટે કહ્યું હતું કે ટ્રાફિક મેનેજમેન્ટ માટે એક્સપર્ટ બોડીની જરૂર છે. અરજદારે જણાવ્યું હતું કે રસ્તા ઉપર આગળ વળાંક હોય તો એને લઈને પૂરતાં બોર્ડ લગાવવામાં આવતાં નથી. કેવી રીતે ટોલ પ્લાઝા પર આગળનો રસ્તો ક્યાં જાય છે? કેટલા અંતર પછી વળાંક આવશે વગેરે બાબતોનાં બોર્ડ લગાવેલાં હોય છે. એવાં જ બોર્ડ શહેરમાં લગાવવાં જરૂરી છે. ઓથોરિટીએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં ટ્રાફિક JCP દ્વારા તાબાના કર્મચારીઓને સૂચના અપાય છે કે ફિલ્ડ પર મોબાઈલ મચેડે નહીં અને જંકશનના 50 મીટર વિસ્તારમાં પાર્કિંગ થવા દે નહીં. આ સાથે એક પોલીસ-ઇન્સ્પેક્ટર, એક PSI અને ત્રણ-ચાર પોલીસકર્મચારી સાથેની એક કોર ટીમ પણ બનાવવામાં આવી છે, જોકે હાઇકોર્ટે ઓથોરિટીને ટ્રાફિક મોનિટરિંગ રૂમ બનાવવાની સૂચના આપી હતી.
સરકારી વકીલે જણાવ્યું હતું કે શહેરમાં લાગેલા CCTVથી મોનિટરિંગ કરવામાં આવે છે. એનું પોલીસ દ્વારા મોનિટરિંગ કરીને ટ્રાફિક કંટ્રોલ કરાશે. ઉપરાંત ફિલ્ડ પર ટ્રાફિક કંટ્રોલ કરતા પોલીસકર્મચારીઓ પર પણ નજર રાખવામાં આવશે. સરકારી વકીલે મહત્ત્વની બાબત જણાવી હતી કે વર્ષ 2036ના સંભવિત ઓલિમ્પિકને લઈને શહેરના માસ્ટર પ્લાન માટે ગ્લોબલ ટેન્ડર મગાવવામાં આવ્યું હતું, જેમાં ચાર બિડ મળી છે. એનું ઇવેલ્યુએશન કરવાનું બાકી છે, પરંતુ એમાં રોડ, પાર્કિંગ, પબ્લિક ટ્રાન્સપોર્ટ વગેરે બાબતોને લઈને પ્લાનિંગ કરવામાં આવશે. આ ઉપરાંત અકસ્માત સંભવિત ક્ષેત્રોની પણ ઓળખાણ કરીને ત્યાં સૂચના આપતાં બોર્ડ મૂકવામાં આવ્યાં છે.
હાઈકોર્ટે ઓથોરિટીને સૂચન કર્યું હતું કે કોઈપણ વાહનચાલક ટ્રાફિકના નિયમોનું ત્રણ વખત ઉલ્લંઘન કરે એટલે તેનું લાઇસન્સ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવે, ત્યાર બાદ ઉલ્લંઘન બદલ 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવે તેમ છતાં જો વાહનચાલક ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરે તો કાયમ માટે તેનું લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવે. દિલ્હીમાં પણ આ રીતે કામકાજ થઈ રહ્યું છે. અમદાવાદ સાથે સુરતની ટ્રાફિક સમસ્યા પર પણ કામ કરવામાં આવે. અરજદારે સૂચન કર્યું હતું કે ઓથોરિટી દ્વારા રસ્તાઓ અને વળાંક દર્શાવતાં નાનાં બોર્ડને મોટાં બનાવવા જોઈએ અને સમયાંતરે એ ચાલકને ગાઈડ કરતા હોવાં જોઈએ, જેથી કરીને અચાનક વળાંક લેવામાં અકસ્માત સર્જાય નહીં.
કોર્ટે કહ્યું હતું કે ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને જ નહીં, પરંતુ વર્તમાન બાબતોને લઈને પણ તજજ્ઞોનો અહેવાલ લેવામાં આવે. તજજ્ઞોની નિમણૂક કરવામાં આવે. એક મોનિટરિંગ કમિટીની રચના પણ કરવામાં આવે. ઓથોરિટી કેવા પ્રકારના તજજ્ઞોની કમિટી બનાવવામાં આવે એ એક વખત કોર્ટ સમક્ષ મૂકે, જરૂર પડ્યે કોર્ટ સૂચનાઓ આપશે. કોર્ટ મિત્રે સૂચન કર્યું હતું કે શહેરમાં ફેઝ વાઇસ કામગીરી કરવામાં આવે, જેમ કે પહેલાં એસજી હાઇવે પર કામગીરી કરવામાં આવે, ત્યાર બાદ સી.જી.રોડ લેવામાં આવે. આમ કામગીરી સતત ચાલુ રાખવામાં આવે.
આ પણ વાંચો: ખેલૈયાઓ માટે અંબાલાલ પટેલે કરી વરસાદની નવી આગાહી
આ પણ વાંચો: નવરાત્રિમાં પણ ઇન્દ્રદેવની સવારી રહેશે જારીઃ અંબાલાલ પટેલ
આ પણ વાંચો: ભારે વરસાદ બાદ હવે ગાત્રો ઘ્રુજાવતી ઠંડીનો સામનો કરવા તૈયાર રહો: અંબાલાલ પટેલ