મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં મીંઢોળા નદી પરના હાઈ લેવલ બ્રીજનો વચ્ચેનો સ્લેબ તૂટી જવાની ઘટના અંગે જવાબદારો સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ હાઈ લેવલ બ્રીજનો વચ્ચેનો સ્લેબ તા. ૧૪ જૂન-૨૦૨૩ બુધવારે સવારે તૂટી પડવાની ઘટનાને પગલે તાત્કાલિક તપાસ સોંપી હતી.
આ તપાસના પ્રાથમિક અહેવાલમાં હાઇ લેવલ બ્રીજના બાંધકામ મટિરિયલની ગુણવત્તામાં ગંભીર ક્ષતિ હોવાનું જણાતા મુખ્યમંત્રીશ્રીએ જવાબદાર અધિકારીઓ સામે સખ્તાઈથી પેશ આવવાનો નિર્ણય કર્યો છે.તદ્દઅનુસાર, પૂલની બાંધકામ કામગીરી સાથે સંકળાયેલા કાર્યપાલક ઇજનેર, નાયબ કાર્યપાલક ઇજનેર અને મદદનીશ ઇજનેરને તાત્કાલિક અસરથી ફરજમોકૂફી પર ઉતારવાના આદેશો કર્યા છે.આ ઉપરાંત બાંધકામમાં કોન્ક્રીટની યોગ્ય ગુણવત્તા ન જાળવવા માટે આ પૂલના ઇજારદાર અક્ષય કન્સ્ટ્રકશન, સુરતને બ્લેક લિસ્ટમાં મૂકવાનો અને નાણાંકીય વસૂલાતની કાર્યવાહી હાથ ધરવાનો નિર્ણય પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો છે.