ભારતમાં દર વર્ષે 5 સપ્ટેમ્બરનાં રોજ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. આ પ્રસંગે શાળાઓમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ દિવસે વિદ્યાર્થીઓ તેમની રીતે શિક્ષકો પ્રત્યેનો પ્રેમ અને આદર દર્શાવે છે, કારણ કે શિક્ષકો વિદ્યાર્થીઓનાં જીવનમાં વિશેષ મહત્વ ધરાવે છે અને શિક્ષક વિના વિદ્યાર્થીનું જીવન અધૂરું માનવામાં આવે છે.
મહાન યૂનાની દાર્શનિક અરસ્તૂ એ પણ કહ્યું હતું કે, જે લોકો બાળકોને સારું શિક્ષણ આપે છે તેઓ તે લોકોની સરખામણીએ વધુ સમ્માનનાં હકદાર હોય છે જે તેમને જન્મ આપે છે, કારણ કે માતાપિતા ફક્ત બાળકોને જન્મ આપે છે જ્યારે શિક્ષકો તેમને સારુ જીવન કેવી રીતે જીવવું તે શીખવે છે. તો ચાલો જાણીએ શા માટે 5 સપ્ટેમ્બરનાં રોજ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે અને તેનું મહત્વ શું છે. ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનનાં જન્મદિવસ નિમિત્તે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. તે એક મહાન શિક્ષક હતા. 5 સપ્ટેમ્બર 1888 માં તમિળનાડુનાં તિરુમણી ગામમાં એક બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા, રાધાકૃષ્ણનને 1954 માં ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા. તેમને પુસ્તકોનો ખૂબ શોખ હતો. રાધાકૃષ્ણનનું 17 એપ્રિલ 1975 નાં રોજ ચેન્નઇમાં અવસાન થયું હતું. આપને જણાવી દઈએ કે, રાધાકૃષ્ણન સ્વતંત્ર ભારતનાં પહેલા ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ પણ હતા.
5 સપ્ટેમ્બરનાં શિક્ષક દિવસની ઉજવણી પાછળ એક વાર્તા છે. એવું કહેવામાં આવે છે કે સર્વપલ્લી રાધાકૃષ્ણનને એક વખત તેમના વિદ્યાર્થીઓએ તેમના જન્મદિવસનું આયોજન કરવા પૂછ્યું હતુ. ત્યારે રાધાકૃષ્ણને તેમને કહ્યું કે, તમે મારો જન્મદિવસ ઉજવવા માંગો છો, તે સારી બાબત છે, પરંતુ જો તમે શિક્ષણનાં ક્ષેત્રમાં શિક્ષકો દ્વારા આપેલા યોગદાન અને સમર્પણનો સમ્માન કરીને આ વિશેષ દિવસની ઉજવણી કરો છો, તો મને સૌથી વધુ આનંદ થશે. તેમની ઇચ્છાનાં સમ્માનમાં, શિક્ષક દિન દર વર્ષે 5 સપ્ટેમ્બરનાં રોજ દેશભરમાં ઉજવવામાં આવે છે. આ વાત 1962 ની છે અને ત્યારથી ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ શિક્ષક દિવસ તરીકે ઉજવવાનું શરૂ થયું હતુ. રાષ્ટ્રીય કક્ષાએ શિક્ષક દિનનાં દિવસે શિક્ષકોને તેમના કાર્ય બદલ રાષ્ટ્રીય શિક્ષક એવોર્ડથી નવાજવામાં આવે છે. આ એવોર્ડ દર વર્ષે દેશનાં રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવે છે. શાળા કક્ષાએ, વિદ્યાર્થીઓ આ દિવસે જુદા જુદા કાર્યક્રમો કરે છે અને પોતાની રીતે શિક્ષકો પ્રત્યે આદર અને કૃતજ્ઞ વ્યક્ત કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.