Surat News: સુરતમાં સિવિલ હોસ્પિટલ પોતે જ ‘બીમાર’ થઈ ગઈ છે. સિવિલ હોસ્પિટલમાં હાલમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો હોવાથી જૂની બિલ્ડિંગમાં ચોથા માળે વોર્ડમાં અને પેસેજમાં વરસાદી પાણી ટપકી રહ્યું છે. આ પરિસ્થિતિના કારણે દર્દીઓ અને કર્મચારીઓ હાલાકી વેઠી રહ્યા છે. જ્યારે આરએમઓ ઓફિસની બહાર લોબીમાં સ્લેબ પડવાના ડરે ટેકા મૂકવામાં આવ્યા છે. હાલમાં ચોમાસુ ચાલી રહ્યું છે અને બિલ્ડિંગમાંથી પાણી પણ ટપકે છે, જેથી ગુજરાતમાં વધુ એક દુર્ઘટના સર્જાય તો નવાઈ નહીં!
પાણી ટપકવાના લીધે વોર્ડમાં અને પેસેજમાં પ્લાસ્ટીકના બેગ સહિત વસ્તુઓ મુકવાની નોબત આવી છે. આવા સંજોગોમાં ત્યાંથી પસાર થતા દર્દી, તેમના સંબંધી અને કર્મચારીઓ હાલાકી વેઠી રહ્યા છે. બીજી તરફ નવી સિવિલમાં જૂની બિલ્ડિંગમાં જર્જરીત થઇ ગઇ હોવાથી અમુક વોર્ડ, પેસેજ સહિતના ભાગના છતના કેટલાક ભાગમાં પોપડા પડે કે અમુક ભાગ બેસી જવાની શક્યતા છે.
નવી સિવિલના તંત્રના જણાવ્યા પ્રમાણે, જ્યાં પાણી ટપકતુ હતું ત્યાં તાકીદે કામગીરી કરીને બંધ કરવા માટે પી.આઈ.યુ વિભાગને સૂચના આપી છે. જ્યારે હિમોફિલીયા, ગાયનેક, સર્જરી વિભાગની ઓ.પી.ડી જલ્દી જૂના ટ્રેમા સેન્ટ્રરમાં ખસેડવામાં આવશે. આવી જોખમ જેવી પરિસ્થિતિમાં તંત્ર દ્વારા RMO ઓફિસ નજીક સહિતના કેટલીક જગ્યાએ લોખંડના ટેકા મૂકીને સપોર્ટ આપવામાં આવ્યો છે. આમ અહીં RMOનું જીવન જ ભયમાં છે ત્યાં દર્દીઓની સારસંભાળ કોણ લે.
આ પણ વાંચો: ભારતમાં તમામ જીવ જંતુઓની યાદી બનાવતા 1 લાખથી વધુ પ્રજાતિઓ હોવાનું સામે આવ્યું
આ પણ વાંચો: એડિટર્સ ગિલ્ડ ઑફ ઈન્ડિયાએ સંસદીય કાર્યવાહી કવરેજ કરવા મીડિયા પરનો પ્રતિબંધ હટાવવા કરી વિનંતી