મૃતકની પત્ની સાથે પ્રેમ સંબંધના પગલે હુમલો થયો હોવાનું અનુમાન
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લામાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ મથામણ કરી રહી છે ત્યારે બીજી તરફ જીવલેણ હુમલા અને હત્યાના ગુન્હા વધી રહ્યા હોવાનું ફલિત થાય છે. ભરૂચના લાલ બજાર વિસ્તારમાં ચુનારવાડમાં ગતરોજ સાંજના સમયે બે મિત્રો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બાદમાં બોલાચાલી ઝઘડાના સ્વરૂપમાં બદલાઈ ગઈ હતી. ઝઘડામાં એકબીજા ઉપર હુમલો કરતા એક શખ્સને તીક્ષ્ણ હથિયારના ઘા વાગતા તે ઈસમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
સુત્રોદ્વારા મળતી માહિતી મુજબ મૃતક મહંમદ ઐયુબ અબ્દુલ હમીદ શેખ જે લાલ બજાર ખાતે ચાની લારી ચલાવી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન કરી રહ્યો હતો, તેની પત્ની સાથે આરોપી આસિફ મન્સૂરીના અનૈતિક સંબંધો હતા જેની માહિતી ઐયુબ શેખને મળી હતી અને તપાસ કરતાં ગઈ રવિવારના રોજ રાત્રે બંને એક સાથે મળી આવ્યા હતા. જેના પગલે ગતરોજ મૃતક અને પ્રેમી બંને વચ્ચે ભયાનક મારામારી સર્જાઈ હતી. બંનેએ એકબીજા સહિત મૃતકના ભાઈ આમને સામને તલવાર અને ચપ્પુના તિક્ષ્ણ ધા માર્યા હતા. જેથી મારનાર તેમજ છોડાવવા પડેલ વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
જોકે સિવિલ હોસ્પિટલ ખાતે બંને પક્ષના લોકો સામ સામે આવતા વાતાવરણ ગરમાયુ હતું. સિવિલ ઉપર પોલીસે દોડી આવી મામલો શાંત કર્યો હતો. જ્યારે ઘટનાનું ચોક્કસ કારણ આ લખાય છે ત્યાં સુધી જાણી શકાયું નથી. પણ લોકચર્ચા મુજબ પ્રેમ પ્રકરણ કહેવાય રહ્યું છે.