મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ ઘણો વધી ગયો છે ત્યારે આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે રાજયના લોકોને સંબોધન કરી રહ્યા છે. તેમણે રાજયના લોકોને સંબોધનમાં કહ્યું કે હું આપને ડરાવવા નથી આવ્યો. પરંતુ ખતરો હજુ ટળ્યો નથી. અત્યાર સુધી તમે મારી વાત માની છે. માર્ચની શરુઆતથી કોરોના રાક્ષસ બનીને આવ્યો. આજકાલ લોકો ઘણાં બેપરવાહ બની ગયા છે. મહારાષ્ટ્રમાં લગ્નમાં ભીડ ઘણી વધી રહી છે. મહારાષ્ટ્રમાં ટેસ્ટની સંખ્યા 2.50 લાખ કરવામાં આવશે. આજે 500 લેબમાં કોરોનાની તપાસ થાય છે. તેમણે કહ્યું કે મને કોઇ વિલન પણ બતાવશે તો કંઇ વાંધો નથી. લોકડાઉન લાગશે તો આર્થિક સ્થિતિ વધુ ખરાબ થશે. હોસ્પિટલમાં બેડની સંખ્યા વધારવામાં આવી રહી છે. સ્થિતિ ભયજનક છે પરંતુ અમે સત્ય જણાવીશું.
ઠાકરેએ વધુમાં કહ્યું કે- લોકડાઉનની સંભાવનાથી ઇન્કાર કરી શકતો નથી. કારણ કે કોરોના વાયરસ વરસાદ નથી તોફાન છે. આઇસીયુ વધારીશું, બેડ વધારીશું પણ ડોક્ટર કેવીરીતે વધારીશું. કોરોના ગત માર્ચની તુલનાએ ઝડપી વધ્યો છે. દરરોજ 6 લાખ લોકોને રસી લગાવવાની વ્યવસ્થા કરીશું. તેમણે કહ્યું કે જો મહારાષ્ટ્રમાં આવી જ સ્થિતિ રહેશે તો 15-20 દિવસમાં મહારાષ્ટ્રને સંભાળી નહીં શકીએ. હોસ્પિટલોમાં જગ્યા નહીં મળે. બેડ ભરાઇ જશે. લોકડાઉન લગાવવાથી શું થશે. બેરોજગારી વધી અને મોત પણ વધ્યા.
ઉદ્ધવ ઠાકરેએ પોતાના સંબોધનમાં કહ્યું કે ઘરની બહાર નીકળો ત્યારે માસ્ક અવશ્ય પહેરો. માસ્ક ન લગાવવામાં કોઇ બહાદુરી નથી. ખોટી ભીડ ન કરો. અનેક પાર્ટીઓ લોકડાઉનના નામે રાજકારણ કરી રહી છે. લોકોની મદદ કરવા બધી પાર્ટીઓ રસ્તા પર ઉતરે. જ્યાં ભીડ હશે ત્યાં કાર્યવાહી કરવી જ પડશે. આવતા કેટલાક દિવસોમાં સખત કાર્યવાહી કરવાની ફરજ પડશે. રોજગારી તો મળી જશે પરંતુ ગયેલો જીવ પાછો નહીં આવે. હું સંપૂર્ણ લોકડાઉનની ચેતવણી આપું છું. અત્યારે તેની જાહેરાત કરતો નથી. એક-બે દિવસમાં એક્સપર્ટ સાથે મળીને આગળનો નિર્ણય કરીશ. મહત્વનું છે કે મુંબઇમાં છેલ્લા 24 કલાકમાં 20 લોકોના કોરોનાથી મોત થયા છે.