Gandhinagar News: રાજ્ય સરકારની પ્રજાલક્ષી વિવિધ સેવાઓ અને યોજનાઓનો લાભ લોકોને સરળતાથી પહોંચાડવાની સુશાસન નેમ સાથે રાજ્યવ્યાપી સેવા સેતુ કાર્યક્રમના 10મા તબક્કાનો મંગળવાર, તા. 17 સપ્ટેમ્બરથી પ્રારંભ થયો છે.31મી ઓક્ટોબર સુધી ચાલનારા આ સેવા સેતુના 10મા તબક્કામાં તાલુકા દીઠ 3 સેવા સેતુ અને નગરપાલિકા-મહાનગરપાલિકા દીઠ બે કાર્યક્રમો યોજાશે. રાજ્ય સરકારના 13 વિભાગોની ૫૫ જેટલી પ્રજાલક્ષી સેવા-સુવિધા સેવા સેતુમાં નાગરિકોને સ્થળ પર જ પૂરી પાડવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સેવા સેતુના આ 10મા તબક્કાના ગાંધીનગર જિલ્લાના અડાલજ ખાતે થયેલા આયોજનમાં સહભાગી થયા હતા. તેમણે ગંગા સ્વરૂપા સહાય યોજના તથા નિરાધાર વૃદ્ધ પેન્શન યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ કર્યું હતું.એટલું જ નહીં, રાજ્ય સરકારના વિભાગોના સ્ટોલ્સ પર જઈને નાગરિકોને મળવાપાત્ર લાભ-સહાયની વિગતો મેળવવા સાથે નિરીક્ષણ પણ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર જિલ્લાના 4 તાલુકા પૈકી માણસા, કલોલ, દહેગામ અને ગાંધીનગર તાલુકા અને ગાંધીનગર મહાનગરપાલિકા, દહેગામ નગરપાલિકા, કલોલ નગરપાલિકા તથા માણસા નગરપાલિકા વોર્ડના નગરજનો સેવા સેતુ થકી યોજનાકીય લાભ મેળવી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે.
અડાલજ ખાતે આ સેવા સેતુ કાર્યક્રમ અન્વયે વિવિધ વિભાગોના 13 સ્ટોલ ઉભા કરીને ગંગા સ્વરૂપા સહાય, નિરાધાર વૃદ્ધ અને દિવ્યાંગોને આર્થિક સહાય જેવા યોજનાકીય લાભો સહિત આધારકાર્ડ, રાશનકાર્ડ, જન્મ-મરણના દાખલા તથા આવકના પ્રમાણપત્ર વગેરે તાત્કાલિક ધોરણે કરી આપવાની સેવા આ કાર્યક્રમના સ્થળ પર જ કરવામાં આવી છે.
આ સેવા સેતુ કાર્યક્રમમાં ગાંધીનગરમાં જિલ્લા કલેક્ટર મેહુલ દવે, મામલતદાર હરેશ પટેલ તથા તાલુકા વિકાસ અધિકારી મલય ભુવા સહિત વહીવટી તંત્રના અધિકારીઓ, પદાધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.
આ પણ વાંચો:CMના હસ્તે જન્મદિનના શુભ અવસરે ત્રણ સેવાઓનો થશે શુભારંભ,બે સ્થળોએ સેવા સેતુ કાર્યક્રમ
આ પણ વાંચો:લીંબડી નગરપાલિકાના સેવાસેતુ કાર્યક્રમમાં 3790 અરજીનો હકારાત્મક નિકાલ કરાયો