@રીના બ્રહ્મભટ્ટ, કટાર લેખક
કોરોના…કોરોના અને બસ કોરોના જ છે…આપણી આસપાસ , ચોપાસ તેના સિવાયની કોઈ સમસ્યા, કોઈ બીમારી, કોઈ વિષય જાણે બચ્યો જ નથી.. અને વળી માહોલ પણ કંઈક છે જ તેવો ડરાવનો, ચિંતાજનક કે જ્યાં આ વિષય સિવાયની કોઈ વાત નથી.. કેમ કે, આ વાઈરસ સામાજિક, આર્થિક અને રાજકીય રીતે પણ અસર કરી રહ્યો છે. ચૂંટણી બાદ ફટાફટ જાહેર થતા હાર-જીત ના આંકડા જેમ ફટાફટ જાહેર થાય છે કંઈક તે જ પ્રકારે આજે આને આવ્યો, પેલાને આવ્યો, તેને આવ્યો તેવું સાંભળવા મળે છે. જેને પગલે ઘભરાહટ માં મોટો પાયે વધારો નોંધાઈ રહ્યો છે. અને તેના જ પરિણામે માનસિક રોગોમાં પણ સાથોસાથ વધારો નોંધાય છે.
વધુમાં આ સ્થિતિમાં લોકો પોતાની જાતને શ્રાપિત ગણી ક્યાંક અપરાધ ભાવ પણ અનુભવે છે. પૃથ્વી પર વધી ગયેલા પાપોને ક્યાંક જવાબદાર ગણવામાં આવે છે તો કયાક કુદરતના પ્રકોપને તેના માટે જવાબદાર ગણી લોકો એક-બીજાને પણ કોષે છે. પરંતુ આ અર્ધસત્ય છે. અસલમાં દર 100 વર્ષે આવા વાઇરસ કે રોગચાળા આવે જ છે. અને તેઓ થોડા સમય સુધી એકહથ્થુ સામ્રાજ્ય ભોગવી માનવ જગતને ક્યાંક નાની તો ક્યાંક મોટી હાનિ પહોંચાડી અદ્રશ્ય થઇ જતા હોય છે. આના અગાઉના લગભગ 100 વર્ષ અગાઉ આવેલા સ્પેનિશ ફ્લૂએ વિશ્વની ત્રીજા ભાગની વસ્તીને ખતમ કરી નાખી હતી..
પરંતુ તે સમય અલગ હતો, આ સમય અલગ છે . આજે આપણે મેડિકલ ક્ષેત્રે અદ્વિતીય પ્રગતિ હાંસલ કરી છે. આપણી પાસે ઉત્તમ પ્રકારની સ્વાસ્થ્ય સેવાઓ છે. અવ્વ્લ દરજ્જાની ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટીઝ છે. જેથી દર્દીને ગણતરીની ઘડીઓમાં સારવાર ઉપલબ્ધ કરાવી શકાય છે. જે વ્યવસ્થા અગાઉ ન હતી. જેને કારણે લોકો સારવાર અને દવાને લીધે જ મોતને ભેટતા.. તેથી ડરવાની તો કોઈ જરૂર જ નથી. આ વાઇરસ પણ મિત્રો જરૂર નશ્યત થશે.
બની શકે કે , તેના માટે પણ અચાનક કોઈ તેવી ઉપલબ્ધી મેડિકલ ક્ષેત્રને મળી આવે કે, આ ડરાવનો રાક્ષશ એકદમ જ લુપ્ત થઇ જાય.. અનુભવનું ભાથું આ એક વર્ષ દરમ્યાન આપણે સારા તેવા પ્રમાણમાં કેળવી લીધું છે. તેથી આવી આશા પણ અસ્થાને નથી. આપણે ખાલી પોઝિટિવ અને જાગૃત બનીને જ રહેવાનું છે. પોંઝોટીવીટી કોઈપણ રોગમાં ખુબ જ મહત્વનો ફાળો પ્રદાન કરે છે.
અને સાથે સાથે આપણી જાગૃતતા પણ મહત્વની છે. બાકી વાઇરસ જે પ્રકારે ફેલાયો છે તેમાં આપનો ખુદનો પણ ફાળો કોઈ નાનો સુનો નથી. આપણે સરકારને તો તેના માટે બેજવાબદાર ઠેરવી એ છે, જે ક્યાંક સાચું પણ હશે, પરંતુ આપણે કેમ ઘેટાના ટોળાની જેમ અભણ પ્રજા બનીને તદ્દન લાપરવાહ વર્તન કરીયે છીએ? બાકી જે દેશની પ્રજા જાગૃત હોય ત્યાં સમસ્યા ની ટકાવારી પણ ઓછી હોય છે. આપણે લોકશાહી મોડેલ માં છીએ, જ્યાં લોક ભાગીદારીનો આગવો મહિમા છે…ત્યારે આપણે આ મુદ્દે પણ આપણી જવાબદારી કેમ નક્કી નથી કરી શકતા?
સવાલ એક ચેઈન તોડવાનો છે.. અને તે લોકો ની જાગૃતિ, પરવાહ , સજાગતા અને સહકાર વિના શક્ય નથી.. સરકાર કોઈનો હાથ પકડી ટોળામાં નથી મોકલતી…તેમ જ આપણને બધી જ અસલામત જગ્યા એ જતા રોકી પણ ન શકે… આટલા અનુભવ પછી તેના ફેલાવવાની ફોર્મ્યુલા અંગે આપણને મહદ અંશે ખબર તો છે જ … તો પણ આપણે ભૂલો કરીયે છીએ… ક્યાંક સંતાડીએ પણ છીએ…અને પોંઝોટિવ હોવા છતાં પણ કેટલાક લોકો બીજાના જીવને પણ જોખમમાં મૂકી પોતાની નફકીરી નોંધાવે છે. જે એક પાપ જ છે.. બાકી પાપ ની કોઈ અલગ વ્યાખ્યા નથી.. જ્યાં બીજા માણસનો વિચાર પડતો મૂકી પોતાના જ હિત ને પ્રાધાન્ય અપાય તે પણ એક પાપ જ છે. એક માણસ કેટલા લોકોને સંક્રમિત કરી શકે છે ? તે વિચારી તમે કે અગર તમારા પરિવારનો કોઈ સભ્ય પોઝિટિવ હોય તો ઘર બહાર પગ મુકજો..
બાકી માણસાઈ અને જાગૃતતા તે ઉમદા ગુણો છે કે, જે દેશ ને કેટલાય પ્રશ્નો અને પાપો માંથી બચાવે છે… તે ન ભુલાય..