એક અંધેરા લાખ સિતારે…એક નિરાશા લાખ સહારે..ની જેમ કેટલાક લોકો ન કેવળ પોતાના પરંતુ અન્યોના જીવનમાં પણ અંધારાઓને ઉલેચવાના પ્રયાસમાં લાગેલા હોય છે. દુનિયાભરના અબજો લોકોમાંથી મુઠ્ઠીભર લોકો આ અબજો લોકોનું નેતૃત્વ તેમની શક્તિઓ અને સ્કિલ થકી કરતા હોય છે. ત્યારે તેઓ પોતે પણ તેમના ઉભા કરેલા સામ્રાજ્યમાં એક સમ્રાટ જેટલી જ વિરાસતના મલિક હોય છે. રાજા જેટલો જ માન -મરતબો અને પદ-પ્રતિષ્ઠા મેળવી ચૂકેલા આ લોકોનું જીવન એક દિપક જેવું હોય છે કે, જેની રોશનીથી કેટલાય જીવનો ઉજાસની ઓથ અનુભવતા હોય છે. જો, કે આ બધું જ મેળવવામાં તેમની અથાગ મહેનત, ફળદ્રુપ ભેજું અને દિવસના 18 -18 કલાક નો સમય તેઓ આપતા હોય છે.
ત્યારે જ તેઓ દુનિયાના સફળ લોકોની રેસમાં સામેલ થતા હોય છે. આ વાત અત્યારે એટલે યાદ આવી છે કે, દુનિયા કોરોના અને રાજકીય ઉથલ-પાથલોની નેગેટિવ સ્ટોરીઓ વચ્ચે પણ ક્યાંક એક ખૂણામાં પોઝિટિવિટી પાંગરી રહી હોય છે. અને આવા લોકોનું જીવન સમગ્ર દુનિયા માટે એક મિશાલ સમું બની લોકોને રાહ બતાવતું હોય છે. જી, હા હાલ માં ભારતમાં રતન ટાટાને લઈને સોશ્યલ મીડિયામાં તેમને ભારત રત્ન આપવા કે તેના જેવો કોઈ અન્ય સન્માનીય પુરસ્કાર આપવા કેમ્પેઈન ચાલ્યું છે. કેમ કે, ટાટા સમૂહ કે જે , સોયથી લઇ જેવેલરી અને નાની-મોટી ગાડીઓના ઉત્પાદનમાં અવ્વ્લ છે. અને તેનાથી પણ વધુ તો, આ જૂથનો ઉદેશ્ય ફક્ત લાભ કમાવવાનો જ કદાપિ નથી રહ્યો. આ સમૂહ જાહેર થયા વિના પણ દેશમાં અનેકાનેક તેવા કામો કરે છે કે, જે એક મિશનરી થી જરાપણ ઓછું નથી. પ્રોડક્શન થી ચેરિટી સુધીની કામગીરીમાં જોડાયેલ આ સમૂહમાં રતન ટાટા એક સન્માનીય કોર્પોરેટ લીડર છે.
અને દેશવાસીઓની આ લાગણીઓ સામે તેમણે જાતે જ કહ્યું કે, તેઓ તેમના પ્રશશંકોની લાગણીની કદર કરે છે. પરંતુ આવા કેમપેઇનને બંધ કરવામાં આવે. તેઓ ભારતીય હોવા પર અને ભારતની ગ્રોથ અને સમૃદ્ધિમાં યોગદાન કરી શકવા માટે ખુદને ભાગ્યશાળી માને છે. ત્યારે આવા કોર્પોરેટ લીડરો કે જેમનું યોગદાન આજે ઉત્પાદન ક્ષેત્રથી લઇ સેવા ક્ષેત્ર સુધી જોડાયેલું છે, તેઓ સાચે ન સેલ્યુટને લાયક છે. આ સમાજના સાચા રત્ન છે કે, જેઓ કોઈપણ અપેક્ષા વિના તેમના જીવનનો ઘણો ખરો ભાગ સમર્પિત કરી દેતા હોય છે, અને તેની સામે તેટલી પબ્લિસિટી પણ નથી કરતા.
જો, કે વાત અહીં રતન ટાટા સુધીની જ નથી બલ્કે હાલ માં જ જેફ બેસોઝ (એમેઝોન) અલીબાબાના જેક માં, ટવીટરના જેક ડોર્સી, ટેસ્લાના એલન માસ્ક , એપલના ટિમ કુક પણ આવા કોઈને કોઈક સારા કામોમાં લાગેલા છે. તેમનું જીવન લોકોને પોઝેટીવ અને સમાજ ઉપયોગી બનવા સંદેશ આપી જાય છે. જેક માં ની પાછળ ચીની સત્તાધીશો હાથ ધોઈ પાછળ પડી ગયા હોવાં છતાં તેઓ થોડો સમય ગાયબ રહ્યા હતા અને ફરી હવે જાહેર થઇ ગામડાઓના શિક્ષકોને ટ્રેનિંગ આપી રહ્યા છે. ત્યારે ચીન જેવા અત્યંત સ્વાર્થી અને વિસ્તારવાદી દેશમાં આવા બિઝનેસમેનો હોવા તે આજે પણ દુનિયામાં માણસાઈ જીવંત હોવાની ગવાહી આપે છે.
ત્યારે ટેસ્લાના સીઈઓ એલન મસ્કે ડેટા શેરિંગ વિવાદ બાદ તેના 41.9 મિલિયન ફોલોઅવર્સને ટ્વીટ કરીને લખ્યું હતું કે, ફેસબુકનો વિકલ્પ સિગ્નલ મેસેજિંગ એપ્લિકેશન બની શકે છે. તેમની આ ટ્વિટથી 10 લાખ લોકોએ સિગ્નલ મેસેજીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. તેમની આ ટ્વીટથી તેમને કોઈ લાભ ન હતો થવાનો પરંતુ લોકોનો લાભ વિચારીને તેમણે આ રાહ ચીંધી હતી.
આ જ પ્રકારે એપલના સીઈઓ ટિમ કૂકે પણ બેંગ્લોર નજીકના તેમના એપલના યુનિટમાં કોઈક વિવાદોને લીધે કર્મચારીઓએ તોડફોડ કરીને 400 કરોડનું નુકસાન કર્યું હોવા છતાં કોઈપણ હરકતમાં આવ્યા વિના શાંત ચિતે પ્રેસ કોન્ફ્રન્સ બોલાવી તેમણે કહ્યું હતું કે, આવું બધું તો ચાલ્યા કરે.. આપણે બીજું યુનિટ ખોલવા વિચારવું જોઈએ.. અન્યથા તેમને સ્થાને કોઈ સામાન્ય વેપારી પણ હોય તો પોતાનું યુનિટ કે એકમ બંધ કરી લોકોને અને સરકારને તમાચો મારવાનું વિચારે. પરંતુ આ કંપનીઓ કે સીઈઓ આવી સ્થિતિમાં પણ આટ-આટલું નુકસાન વેઠીને શાંત રહી તેમનું કામ સાંભળી શકે છે.
ત્યારે સામાન્ય લોકોએ પણ આ કોર્પોરેટ ઘરાનાના દિગ્ગ્જ્જો પાસેથી તે જ શીખવાનું છે કે, કોઈપણ કપરી સ્થિતમાં પણ કેમ સ્થિતપ્રજ્ઞ રહી શકાય છે. તેમજ એવોર્ડ કે સરકારી સાથ વિના પણ કેમ ઉદેશ્યને પાર પાડી શકાય છે? શું મહાનતા મેળવવા એવોર્ડ જ જરૂરી ચીજ છે? સરાહના મળે કે ન મળે પરંતુ તેમના કામોમાં કોઈ પણ અપેક્ષા વિના આગળ વધતા રહો. આ જ તેમના જીવનની સાર્થકતા છે. અને લોકો માટે પણ આ જ એક મેસેજ છે કે, જીવનમાં કઠીન સ્થિતિ તો સામનો તો ટોચ પર બેઠેલા લોકોએ પણ કરવો પડે છે. પરંતુ તમારા જીવનને તમારા સુધી સીમિત ના રાખો. જીવનનો કોઈ અર્થ સરે તેમ બીજું કઈ ન કરો તો આંગળી પણ ચીંધો આ પણ એક પરમાર્થ જ હશે. તમે તમારા જીવનને તમારા સુધી સીમિત ન રાખતા કરોડો લોકો સુધી પહોંચો છો ત્યારે તમે એક વૈશ્વિક ઇતિહાસ બનાવો છો. જે તમને પણ અમીટ બનાવશે તેમાં બેમત નથી.
@રીના બ્રહ્મભટ્ટ, કટાર લેખક