અમદાવાદમાં એક તરફ કોરોના પોતાનો કહેર દેખાડી રહ્યો છે. ટપોટપ લોકોના મોત થઇ રહ્યા છે , રોજના 2500 જેટલા કેસો સામે આવી રહ્યા છે ત્યારે શહેરમાં ગુનાખોરી એટલી જ વધી રહી છે. વાત દિવસની હોય કે રાત્રીના અંધકારની હોય, શહેરમાં મારામારી, ચોરી અને લૂંટની ઘટના હવે કોઈ પણ સમયે બેફામ બની રહી છે. ગુનેગારોને જાણે કોરોનાનો કોઈ ખોફ જ ન હોય તેમ તેઓ ગુનાખોરીને અંજામ આપી રહ્યા છે.
તાજેતરની જો વાત કરીએ તો અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં ગઈ કાલે વહેલી સવારે લૂંટની ઘટના બની હતી. બર્ગ મેન ઉપર સવાર બે ઈસમોએ છરી દેખાડીને એક વ્યક્તિની પાસેથી 50 લીટર ડીઝલની લૂંટ કરીને ઘટના સ્થળેથી ભાગી ગયા હતા. આ મામલે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઇ છે.
ફરિયાદના અનુસાર, મોહમ્મ્દ અલી અન્સારી કે જે કાપડના વેપારી છે. તેમના ત્યાં ગઈ કાલે એક આઇશર ગાડી આવી હતી. તે ગાડી માંથી ઈરફાન ઉર્ફે કાળીયો , મોહસીન ઉર્ફે ભક્કમ એ બંને જણા ડીઝલની ચોરી કરી રહ્યા હતા ત્યારે ફરિયાદીની નજર તેમની ઉપર પડી હતી. જેથી ફરિયાદીએ તેમને રોકવાની કોશિશ કરતા બંને ઈસમોએ પોતાના પાસે રહેલી છરી કાઢીને તેમને ડરાવી ધમકાવીને ડીઝલ ની લૂંટ ચલાવીને ફરાર થઇ ગયા હતા.આ મામલે તેમણે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં 50 લીટર ડીઝલ જેની બજારકિંમત 4350/- ની લૂંટ કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરવાની કવાયત હાથ ધરી છે.