IPL 2020/ CSK એકવાર ફરી મુશ્કેલીમાં, ઈજા થવાના કારણે IPL 2020 થી બહાર થયો બ્રાવો

ઈન્ડિયન પ્રીમિયર લીગની 13 મી સીઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ મુશ્કેલીઓ ઓછુ થવાનું નામ નથી લઈ રહી. CSK પ્લે ઓફ રેસમાંથી નિકળવાનુ હવે લગભગ નક્કી જ લાગી રહ્યુ છે

Top Stories Sports
ipl2020 59 CSK એકવાર ફરી મુશ્કેલીમાં, ઈજા થવાના કારણે IPL 2020 થી બહાર થયો બ્રાવો

ઈન્ડિયન પ્રીમિયર લીગની 13 મી સીઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ મુશ્કેલીઓ ઓછુ થવાનું નામ નથી લઈ રહી. CSK પ્લે ઓફ રેસમાંથી નિકળવાનુ હવે લગભગ નક્કી જ લાગી રહ્યુ છે, ત્યારે ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોને ગ્રોઇન ઈજાને કારણે બાકીની મેચમાંથી બહાર કરી દેવાયો છે. 37 વર્ષનો બ્રાવો ઘણા વર્ષોથી સીએસકેની ટીમનો મહત્વપૂર્ણ ભાગ રહ્યો છે. તે 17 ઓક્ટોબરનાં રોજ શારજાહમાં દિલ્હી કેપિટલ્સ સામેની અંતિમ ઓવર માટે બોલિંગ કરી શક્યો ન હતો.

ત્યારબાદ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ બોલ રવિન્દ્ર જાડેજાને આપી હતી, જેના ઓવરમાં અક્સર પટેલે દિલ્હી કેપિટલ્સને સતત ત્રણ સિક્સર ફટકારી વિજય અપાવ્યો હતો. સુપરકિંગ્સનાં સીઈઓ કાશી વિશ્વનાથને પીટીઆઈને કહ્યું હતું કે, “ગ્રોઇન ઈજાને કારણે ડ્વેન બ્રાવો આઇપીએલમાંથી બહાર છે.” બ્રાવોએ સીએસકે માટે છ મેચ રમી હતી અને બે ઇનિંગ્સમાં માત્ર સાત રન જ બનાવ્યા હતા. જોકે, તેણે છ વિકેટ ઝડપી હતી અને આ સમયગાળા દરમિયાન ઓવર દીઠ 8.57 રનનાં દરે રન આપ્યા હતા.

સુપરકિંગ્સની ટીમ 10 મેચોમાં સાત પરાજય સાથે પ્લેઓફની રેસમાંથી લગભગ નીકળી ગઈ છે અને હાલમાં તે પોઇન્ટ ટેબલમાં અંતિમ સ્થાને છે. આ અગાઉ સુપર કિંગ્સનાં વરિષ્ઠ ખેલાડીઓ સુરેશ રૈના અને હરભજનસિંહે અંગત કારણોસર વર્તમાન ટૂર્નામેન્ટમાં નહીં રમવાનું નક્કી કર્યું હતું, જેનાથી ટીમ નબળી પડી હતી. સુકાની ધોની અને કેદાર જાધવ જેવા વરિષ્ઠ ખેલાડીઓનાં નબળા ફોર્મનો ભોગ પણ ટીમે સહન કરવો પડ્યો હતો.