MI vs DC/ દિલ્હી કેપિટલ્સે મુંબઈ ઈન્ડિયન્સને 4 વિકેટે હરાવ્યું, અક્ષર પટેલે બાજી પલટાવી

દિલ્હી કેપિટલ્સે મુંબઈ ઈન્ડિયન્સને સતત ત્રીજી મેચમાં હરાવ્યું હતું. અગાઉ, મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલ 2021ની બંને લીગ મેચોમાં દિલ્હીની ટીમ દ્વારા હરાવ્યું હતું. ફરી એકવાર દિલ્હીએ મુંબઈને હરાવીને હેટ્રિક પૂરી કરી છે.

Sports
દિલ્હી કેપિટલ્સે

ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPLની 15મી સિઝનની બીજી મેચ રવિવારે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી. એક સમયે એવું લાગતું હતું કે મુંબઈ ઈન્ડિયન્સ આ મેચ આસાનીથી જીતી જશે, પરંતુ અક્ષર પટેલ અને લલિત યાદવે મેચનો પાસા ફેરવી નાખ્યો. આ મેચમાં દિલ્હી કેપિટલ્સે મુંબઈ ઈન્ડિયન્સને 4 વિકેટે હરાવ્યું હતું.

આ મેચમાં દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 177 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી ઈશાન કિશને 81 રન બનાવ્યા હતા. કેપ્ટન રોહિત શર્માએ 41 રન બનાવ્યા હતા. આ રીતે દિલ્હીને જીતવા માટે 178 રનનો ટાર્ગેટ હતો જે દિલ્હીની ટીમે 18.2 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. અક્ષર પટેલ 17 બોલમાં 38 અને લલિત યાદવે 38 બોલમાં 48 રન બનાવીને અણનમ રહ્યા હતા.

દિલ્હી કેપિટલ્સે મુંબઈ ઈન્ડિયન્સને સતત ત્રીજી મેચમાં હરાવ્યું હતું. અગાઉ, મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલ 2021ની બંને લીગ મેચોમાં દિલ્હીની ટીમ દ્વારા હરાવ્યું હતું. ફરી એકવાર દિલ્હીએ મુંબઈને હરાવીને હેટ્રિક પૂરી કરી છે.

મેચ એક ઓવરમાં ફેરવાઈ
મુંબઈ ઈન્ડિયન્સના ફાસ્ટ બોલર ડેનિયલ સેમસે 18મી ઓવરમાં 24 રન આપ્યા અને મેચ હાથમાંથી નીકળી ગઈ. હવે દિલ્હીને જીતવા માટે 12 બોલમાં માત્ર 4 રનની જરૂર હતી.

દિલ્હીએ પુનરાગમન કર્યું
લલિત યાદવ અને અક્ષર પટેલે દિલ્હી કેપિટલ્સમાં વાપસી કરી હતી. બંને બેટ્સમેનોએ મુંબઈના ફાસ્ટ બોલરો પર હુમલો કર્યો. દિલ્હીએ 17 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 150 રન બનાવ્યા હતા. દિલ્હીને જીતવા માટે 18 બોલમાં 28 રન બનાવવા જરૂરી હતા.

દિલ્હીએ મુંબઈને ચાર વિકેટે હરાવ્યું. મુંબઈની ટીમ ફરી એકવાર સિઝનની પ્રથમ મેચ હારી ગઈ છે. દિલ્હી માટે અક્ષર પટેલ અને લલિત યાદવે શાનદાર પ્રદર્શન કર્યું હતું. એક સમયે દિલ્હીએ છ વિકેટ ગુમાવી દીધી હતી અને એવું લાગતું હતું કે મુંબઈ સરળતાથી મેચ જીતી શકશે. જો કે, અક્ષર પટેલ અને લલિત યાદવે શાનદાર અડધી સદીની ભાગીદારી કરીને તેમની ટીમને મેચ જીતવામાં મદદ કરી હતી.

ઈશાન-રોહિતે ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી

મુંબઈએ પહેલી જ મેચમાં પોતાની બેટિંગની કૌશલ્ય દેખાડી હતી. કેપ્ટન રોહિત શર્મા અને ઈશાન કિશને ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 67 રન જોડ્યા હતા. રોહિત શર્મા 32 બોલમાં 41 રન બનાવીને આઉટ થયો હતો. 128.29ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરતા તેણે ઈનિંગમાં 4 ફોર અને 2 સિક્સર ફટકારી હતી.

ઈશાનની 10મી આઈપીએલ ફિફ્ટી, દિલ્હી સામેની ત્રીજી

વિકેટ કીપર બેટ્સમેન ઈશાન કિશને તોફાની બેટિંગ કરતા 48 બોલમાં અણનમ 81 રન બનાવ્યા હતા. આ વખતે તે આઈપીએલની હરાજીમાં વેચાયેલો સૌથી મોંઘો ખેલાડી હતો. પોતાની યોગ્યતા સાથે ન્યાય કરતા, તેણે તેની IPL કારકિર્દીની 10મી ફિફ્ટી ફટકારી. તે જ સમયે, દિલ્હી કેપિટલ્સ સામે આ તેની ત્રીજી અડધી સદી હતી. આ ઇનિંગમાં તેણે 11 ફોર અને 2 સિક્સર ફટકારી હતી.

રોહિત-ઈશાન સિવાય કોઈપણ બેટ્સમેન મુંબઈ માટે કોઈ ખાસ અસર છોડી શક્યા નથી. અનમોલપ્રીત સિંહ (8 રન), તિલક વર્મા (22 રન), કિરોન પોલાર્ડ (3 રન) અને ટિમ ડેવિડ (12 રન) વચ્ચેની ઓવરોમાં હળવા સાબિત થયા, જેના કારણે મુંબઈ ઈન્ડિયન્સ સારા સ્કોર સુધી પહોંચી શક્યું ન હતું.

કુલદીપ યાદવનું જોરદાર પુનરાગમન

ખરાબ ફોર્મ અને ફિટનેસના મુદ્દાઓથી ઝઝૂમી રહેલા કેટલાક સમયથી ટીમની બહાર રહેલા કુલદીપ યાદવે જોરદાર વાપસી કરી છે. મુંબઈ સામે 4 ઓવર બોલિંગ કરીને તેણે માત્ર 18 રન આપીને 3 મહત્વની વિકેટ લીધી હતી. જેમાં કેપ્ટન રોહિત શર્મા ઉપરાંત અનમોલપ્રીત સિંહ અને પોલાર્ડની વિકેટ સામેલ હતી. આ સિવાય ખલીલ અહેમદના ખાતામાં 2 વિકેટ આવી.