સુપ્રીમ કોર્ટે તેલંગાણા સરકારના અટકાયતના આદેશને રદ કરતા કહ્યું કે, જાહેર વ્યવસ્થા જાળવવા માટે નજરકેદના નામે આરોપીની વ્યક્તિગત સ્વતંત્રતાનું બલિદાન ન આપી શકાય. 19 મે, 2021 ના રોજ, તેલંગાણા સરકારે હજારો નોકરી શોધનારાઓ સાથે છેતરપિંડી કરવાના કેસમાં આરોપીઓની અટકાયત માટેનો આદેશ જારી કર્યો હતો.
જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને સૂર્યકાંતની બેન્ચે જણાવ્યું હતું કે કાયદો અને વ્યવસ્થાના ભંગની માત્ર આશંકા ‘જાહેર વ્યવસ્થાની જાળવણી’ પર પૂર્વગ્રહયુક્ત અસરના માપદંડોને પૂર્ણ કરવા માટે પૂરતું નથી. અમે માનીએ છીએ કે આરોપીઓ સામે ગંભીર આરોપો છે, પરંતુ 1986ના તેલંગાણા અધિનિયમના આધારે સમજદારી રાખ્યા વિના અટકાયતનો આદેશ જારી કરવામાં આવ્યો છે.
આ અવલોકન સાથે, બેન્ચે હાઈકોર્ટના 25 જાન્યુઆરીના ચુકાદાને પણ બાજુ પર રાખ્યો હતો જેણે આરોપીઓને અટકાયતમાંથી રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. 19 મે, 2021ના રોજ આવેલ રાજ્ય સરકારનો અટકાયતનો આદેશ પણ ફગાવી દેવામાં આવ્યો છે. ખંડપીઠે કહ્યું કે વ્યક્તિ વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી ચાલી રહી છે, તેને નજરકેદ કરવા માટે તે પૂરતું કારણ નથી.