@ભરત સુંદેશા, મંતવ્ય ન્યૂઝ – બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લાનાં વેપારી મથક ડીસામાં 27 વર્ષથી રાજપુર પાંજરાપોળ કાર્યરત છે. અબોલ જીવો બચાવતી આ સંસ્થાએ 1 લાખથી વધુ પશુઓને બચાવી નવજીવન આપ્યું છે. તેમ છતાં શહેરમાં ખુલ્લેઆમ માંસ, મટનનાં વેચાણ સાથે ગેરકાયદેસર કતલખાના ધમધમી રહ્યા છે.
જે બાબતે એક જાગૃત અરજદાર દ્વારા માહિતી અધિકારની જોગવાઈ અનુસાર વિગતો માંગવામાં આવેલ. જે માહિતી અનુસંધાને નગર પાલિકા હદ વિસ્તારમાં કતલખાના, જીવતા પશુઓનાં ખરીદ વેચાણ, નોનવેજ, મટન ચિકન, ઈંડા તેમજ માંસાહારી ખોરાક કાચો વેચવાની નગર પાલિકા દ્વારા કોઈ જ પ્રકારની પરવાનગી આપવામાં આવી નથી. જેથી શહેરમાં ચાલતી તમામ પ્રવૃતિઓ ગેરકાયદેસર અને નિયમ વિરુદ્ધની હોવાનું ફલિત થાય છે. આ કુપ્રવૃતિને લઈ સનાતન હિંદુ ધર્મીઓ, ઉપરાંત જૈન સમાજ અને શાકાહારી જનતાનાં માનસ ઉપર દુષ્પ્રભાવથી તમામની લાગણી દુભાય છે. આ સંજોગોમાં શહેર ઉપર લાગેલા આ કલંકને ભૂસવા માટે રાજપુર પાંજરાપોળનાં પ્રમુખ સ્વ. ભરતભાઇ કોઠારી એ વારંવાર નગર પાલિકા અને નાયબ કલેકટર સહિત ઉચ્ચસ્તરે પણ અનેક વાર રજુઆત કરેલી છે.
તેમની રજુઆત અનુસંધાને નિવાસી અધિક કલેકટર (બનાસકાંઠા) દ્વારા તા 14/12/20 નાં રોજ બી/ન પા/ વસી-3105 થી 09 પત્ર લખી ડીસા નગર પાલિકા હદ વિસ્તારમાં જાહેર માર્ગો ઉપર ચાલતા કતલખાના, માંસ -મટનની લારીઓ, દુકાનો, હોટલો, તેમજ પશુ મંડી બંધ કરાવવા બાબતની રજુઆત સાથે રાજપુર પાંજરાપોળના સંચાલકો સાથે અન્ય જીવદયા પ્રેમીઓએ શુક્રવારે નગર પાલિકા અને નાયબ કલેકટર કચેરીએ જઇ આવેદનપત્ર આપી રજુઆત કરી આ તમામ કુપ્રવૃતિ તાત્કાલિક અસરથી બન્ધ કરવાની માંગ કરી હતી.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…