Ahmedabad News: ગ્રાન્ટ મૂલ્યાંકન અંગે અગાઉ સ્પષ્ટતા નહીં કરવા બદલ શહેરની અનુદાનિત શાળાઓ સામે ડીઈઓએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. જેમાં શૈક્ષણિક વર્ષ 2023-24ની શાળા ગ્રાન્ટ મૂલ્યાંકનમાં ભાગ ન લેનાર અને ઓડિટ ફાઈલ રજૂ ન કરનાર 68 શાળાઓને ડીઈઓએ નોટિસ પાઠવી છે.
કાર્યવાહીમાં ભાગ નહીં લે તો DEOએ આ શાળાઓના આચાર્યનો પગાર કાપી લેવાની ચીમકી પણ આપી છે. આ માટે શાળાઓને 21-22 નવેમ્બરે રૂબરૂ હાજર રહેવા જણાવાયું છે.
અમદાવાદ ડીઇઓએ અગાઉ 27 સપ્ટેમ્બરે કેટલીક શાળાઓના આચાર્યો અને સંચાલકોને શાળા ગ્રાન્ટ મૂલ્યાંકન માટે ઓડિટ કરાવવા જણાવ્યું હતું, જેમાં ઘણી શાળાઓએ ભાગ લીધો ન હતો. તેમજ ડીઈઓએ તેમને 7 દિવસમાં હાજર થવા, ઓડિટ ફાઈલ સબમિટ કરવા અને તેમની સ્પષ્ટતાનો જવાબ આપવા જણાવ્યું હતું. જે અંતર્ગત શહેરની 68 શાળાઓના સંચાલકો કે શિક્ષકો હાજર રહ્યા ન હતા. જે બાદ અમદાવાદ ડીઈઓએ કડક કાર્યવાહી હાથ ધરી છે.
ગ્રાન્ટ ઓડિટ મૂલ્યાંકનમાં હાજર ન રહેનારી સ્કૂલોમાં 21મીએ નવેમ્બરે 18 અને 22મી નવેમ્બરે 50 સ્કૂલોની સુનાવણી ડીઇઓ કરશે. આ સુનાવણીમાં શાળાઓ દ્વારા કરવામાં આવનારી રજૂઆતોને સાંભળવામાં આવશે. તેઓ શા માટે મૂલ્યાંકનમાં હાજર રહી ન શક્યા તેના જવાબો માંગવામાં આવશે. તેના પછી તેમની રજૂઆતો અને જવાબો લેખિતમાં લેવાશે. તેમની આ રજૂઆતો અને જવાબોની સમીક્ષા કરવામાં આવશે, તેના પછી તેમની સામે કયા પ્રકારની કાર્યવાહી કરવી તેના અંગેનો નિર્ણય લેવામાં આવશે. આ અગાઉ પણ ડીઇઓ દ્વારા આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ચૂકી છે.
આ પણ વાંચો: ખાનગી શાળાઓ સામે ડીઇઓની લાલ આંખ, FRCનો ચાર્ટ બોર્ડ પર મૂકે
આ પણ વાંચો: બીફ ખાવા અંગે ગુજરાતમાં સ્કૂલોમાં ભણાવ્યું , પછી થયેલા હંગામા બાદ સ્કૂલ દ્વારા અપાયો…