રાજ્યના શિક્ષણ મંત્રી અને રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી એવા જીતુભાઈ વાઘાણી તથા વાહન વ્યવહાર રાજ્યમંત્રી અરવિંદભાઈ રૈયાણીએ રાજકોટ શહેર તથા જિલ્લામાં ચાલી રહેલા વિવિધ વિકાસ કામોની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી અને જિલ્લાના નાગરિકોને પડતી મુશ્કેલીઓનું સત્વરે નિવારણ કરવા સંબંધિત વિભાગોના સરકારી અધિકારીઓને સૂચના આપી હતી.
મંત્રી જીતુભાઇ વાઘાણીએ રાજકોટ શહેર તથા આજુબાજુના વિસ્તારોમાં બની રહેલા અંડરપાસ અને ઓવરબ્રિજથી ઉપસ્થિત થનારી ટ્રાફિકની સમસ્યાઓ, તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના અને સરકારી શાળાઓના મકાનો, ગ્રામ્ય માર્ગો, પાણી વગેરે બાબતોના પ્રશ્નો અંગે સંબંધિત વિભાગના અધિકારીઓ પાસેથી જાણકારી મેળવી હતી.
આ પણ વાંચો ;પંજાબ / લુધિયાણા કોર્ટ પરિસરમાં જોરદાર વિસ્ફોટ, બેનાં મોત
તેમજ શહેરમાં નગરપાલિકા વિસ્તારોમાં ચાલી રહેલા વિકાસકામો બનતી ત્વરાએ આટોપવા મંત્રી વાઘાણીએ તાકીદ કરી હતી. અને વહીવટી પ્રક્રિયાઓમાં બિનજરૂરી સમય ન વેડફવા જણાવ્યું હતું. જિલ્લાભરના નવા તથા મંજૂર થયેલા વિકાસ કામોની યાદી પ્રોપર ચેનલ મારફત મોકલવા મંત્રીશ્રીએ ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યું હતું અને આ બાબતે રાજ્ય સરકારમાં ઉચ્ચ સ્તરે રજૂઆત કરવાની મંત્રીશ્રી વાઘાણીએ ખાતરી આપી હતી.
કોરોના વિરોધી રસીના રસીકરણ તથા સેવા સેતુ કાર્યક્રમ અંગેની ચર્ચા પણ આ બેઠકમાં કરવામાં આવી હતી. કલેકટરએ જણાવ્યું હતું કે રાજકોટ અમદાવાદ હાઇવે ના ૨૮ કિલોમીટરનો વિસ્તાર રાજકોટ જિલ્લાની હદમાં સમાવિષ્ટ થાય છે, તેમાં પાંચ નવા ફ્લાયઓવર અને બે અંડરપાસ બનાવવાની મંજૂરી રાજ્ય સરકારે આપી દીધી છે. સુરેન્દ્રનગર-રાજકોટ વચ્ચેના રેલવે લાઈનને ડબલ ટ્રેક બનાવવાની કાર્યવાહીની વિગતો પણ આ બેઠકમાં સમાવી લેવાઈ હતી.
વધુ માં તેમણે જાણવાયુ કે છેલ્લા કેટલાક સમયથી શાળાનાં બાળકો કોરોના સંક્રમિત થવાની ઘટનાઓ સામે આવી રહી છે. જેને લઈ શાળાઓમાં કોવિડ ગાઇડલાઈનનું ચુસ્ત પાલન કરવાના આદેશો અપાયા છે. તેમજ જિલ્લા શિક્ષણાધિકારીઓ દ્વારા આ મામલે ખાનગી શાળાઓમાં ચેકીંગ ડ્રાઈવ યોજવા જણાવાયું છે. શાળાઓ અગાઉ વાલીઓની સંમતિથી શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો ;ગુજરાત / કોરોનાથી સ્કુલો બંધ કરવા અંગે જીતુ વાઘાણીએ આપ્યું આ નિવેદન