પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીને ગેરકાયદે રેતી ખનનના મામલામાં ક્લીન ચીટ મળી છે. પંજાબના રાજ્યપાલને રાઘવ ચડ્ડાની ફરિયાદ પર રૂપનગરના જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં ચન્નીને ક્લીનચીટ આપવામાં આવી હતી., ગેરકાયદે રેતી ખનન કેસમાં ચન્નીના ભત્રીજા ભૂપિન્દર સિંહ હનીને કોર્ટે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો છે.
તમને જણાવી દઈએ કે વર્ષ 2018માં ગેરકાયદેસર રેતી ખનન મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની તપાસ દરમિયાન ભૂપિન્દર સિંહનું નામ સામે આવ્યું હતું. આ પછી, EDએ આ વર્ષે જાન્યુઆરીમાં આ કેસમાં ભૂપિન્દર સિંહ અને તેના સહયોગીઓના ઘર અને ઓફિસ પર દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન, EDએ 10 કરોડ રૂપિયાની રોકડ, 21 લાખ રૂપિયાની જ્વેલરી અને એક રોલેક્સ ઘડિયાળ જપ્ત કરી હતી.
ED અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભૂપિન્દર સિંહ હનીએ કબૂલાત કરી હતી કે 10 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી છે તે તેની છે. ઈડીએ આરોપ લગાવ્યો છે કે ભૂપિન્દર સિંહને ગેરકાયદે માઈનિંગમાંથી પણ પૈસા મળતા હતા. 18 જાન્યુઆરીએ EDએ હોમલેન્ડ હાઇટ્સ સહિત દસ અલગ-અલગ સ્થળોએ દરોડા પાડ્યા હતા. ED અધિકારીઓએ હનીના બિઝનેસ પાર્ટનર કુદરત દીપ સિંહનું નિવેદન પણ નોંધ્યું હતું.