ભાજપ દ્વારા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. પાર્ટીએ દ્રૌપદી મુર્મુને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. દ્રૌપદી મુર્મુના નામની જાહેરાત કરતી વખતે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ એ વાત પર ભાર મૂક્યો હતો કે આ વખતે મહિલા રાષ્ટ્રપતિને તક મળવી જોઈએ.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જેપી નડ્ડાએ કહ્યું કે દેશ પહેલીવાર આદિવાસી સમુદાયમાંથી રાષ્ટ્રપતિ આપવાની તૈયારી કરી રહ્યો છે. નોંધનીય છે કે દેશના નવા રાષ્ટ્રપતિની ચૂંટણી 18 જુલાઈના રોજ થવાની છે અને મતગણતરી 21 જુલાઈના રોજ થશે.
ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચે આ માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. નોટિફિકેશન બહાર પડતાની સાથે જ એનરોલમેન્ટની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે નોમિનેશનની છેલ્લી તારીખ 29 જૂન છે.
આ બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરી અને મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ અને સંસદીય બોર્ડના અન્ય સભ્યો હાજર રહ્યા હતા.
બેઠક બાદ બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે આજની સંસદીય બોર્ડની બેઠકમાં અમે બધા એ અભિપ્રાય પર આવ્યા કે ભાજપ અને NDAએ તેમના તમામ ઘટક પક્ષો સાથે વાત કર્યા બાદ રાષ્ટ્રપતિ માટેના અમારા ઉમેદવારની જાહેરાત કરવી જોઈએ. NDA દ્વારા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે દ્રૌપદી મુર્મુની જાહેરાત કરવામાં આવી છે.
વિપક્ષી પાર્ટીઓએ પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિન્હાને રાષ્ટ્રપતિની ચૂંટણી માટે સંયુક્ત ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે.