મોરબી: ગુજરાતમાં એક જ દિવસે બે જુદાં-જુદાં અકસ્માતમાં (Accident) પાંચના મોત થયા છે. ગાંધીનગર હાઇવે પર બેફામ ચાલતી મર્સીડીઝે બેને કચડી નાખ્યા હતા. તેના પછી મોરબી વાંકાનેર હાઇવે પર બેકાબૂ ડમ્પરે ત્રણને કચડી કાઢ્યા હતા અને બીજા ત્રણ હજી જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે.
ગુજરાતમાં રોડ અકસ્માત અને હિટ એન્ડ રનની (Hit and Run) ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે આજે (8 સપ્ટેમ્બર) મોરબી-વાંકાનેર હાઈવે પર ડમ્પર અને કાર વચ્ચે ભયાનક ટક્કર થઈ હતી. જેમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે ત્રણને ગંભીર ઇજા પહોંચી હતી. તેમને મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. પોલીસને જાણ કરતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત
મળતી માહિતી મુજબ મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે પર બંધુનગર નજીક રવિવારે (8 સપ્ટેમ્બર) સવારે ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ડમ્પર રોડ પર પલટી ગયું હતું. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે ત્રણની હાલત ગંભીર છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
ગાંધીનગરમાં આજે રવિવારના શાંતિના દિવસે ધોળા દહાડે મર્સિડીઝ કારે પીકઅપ ડાલા, બાઈક અને મારુતિ કારને પણ ટક્કર મારતા ઘટનાસ્થળે બે વ્યક્તિના મૃત્યુ થયા છે. ફુલ સ્પીડમાં આવતી કારે ત્રણ વાહનોને અડફેટે લેતા ચકચાર મચી ગઈ છે. એટલું જ નહીં, રોડ ઉપરના પાનના ગલ્લાને પણ કારચાલકે અડફેટે લીધો હતો.
બસ સ્ટેન્ડ પર ઉભેલી મહિલાને પણ ટક્કર મારતા અકસ્માતમાં મહિલા સહિત બે વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા છે. ઘટનાનાં પરિણામે લોકોનું ટોળું જમા થઈ ગયું હતું. એમ્બ્યુલન્સ અને પોલીસને ઘટનાની જાણ કરી દેવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર અકસ્માતમાં ત્રણ વાહનો સાથે પાનનો ગલ્લો અને મહિલાને ટક્કર મારવાના બનાવ સામે આવ્યા છે. બસ સ્ટેન્ડ ઉપર વાહનની રાહ જોઈ રહેલી મહિલાને પણ ચાલકે ટક્કર મારતા લોકોમાં હાલ ભયનો માહોલ છવાયો છે.
આ પણ વાંચો:રાયબરેલીમાં સાયકલ પર જતી છોકરીને નડ્યો ગંભીર અકસ્માત, ટ્રકે મારી ટક્કર
આ પણ વાંચો:માબાપને કહ્યા વિના કાર લઈને નીકળેલા સગીરે કર્યો અકસ્માત, એકનું મોત
આ પણ વાંચો:બાવળા નજીક દ્વારકા પોલીસની ખાનગી કારનો સર્જાયો અકસ્માત