કર્ણાટક કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અને કોંગ્રેસનાં ‘સંકટમોચક’ તરીકે જાણીતા ડી.કે.શિવકુમારને બુધવારે દિલ્હીની એક અદાલતે 13 સપ્ટેમ્બર સુધી ઇડી રિમાન્ડ પર મોકલી આપ્યો છે. ઇડીએ કોંગ્રેસ નેતાનાં 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. મની લોન્ડરિંગ કેસમાં મંગળવારે રાત્રે ધરપકડ કરાયેલા શિવકુમારને વિશેષ ન્યાયાધીશ અજયકુમાર કુહર સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.
કોર્ટમાં હાજર કરતા પૂર્વે કરાયું તબિબ પરિક્ષણ
કોંગ્રેસના 57 વર્ષીય નેતાને રાષ્ટ્રીય રાજધાનીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં તબીબી તપાસ બાદ કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. શિવાકુમારના વકીલો – અભિષેક મનુ સિંઘવી અને દયણ કૃષ્ણન – કસ્ટોડિયલ પૂછપરછની ઇડીની અરજીનો વિરોધ કરતા દલીલ કરી હતી કે તેઓ તપાસમાં જોડાયેલા જ છે અને ક્યારેય ભાગવાનો પ્રયાસ કર્યો નથી.