પશ્ચિમ બંગાળના બીરભૂમમાં TMC નેતાની હત્યા બાદ હિંસા ફેલાઈ હતી. આરોપ છે કે અહીં ગુસ્સે ભરાયેલા ટોળાએ લગભગ એક ડઝન ઘરોને આગ ચાંપી દીધી હતી. 8 લોકો બળીને મૃત્યુ પામ્યા. મૃતકોમાં 3 મહિલાઓ અને 2 બાળકોનો સમાવેશ થાય છે. જોકે, પોલીસનું કહેવું છે કે તેઓ આગનું કારણ જાણવા માટે તપાસ કરી રહી છે.મૃતકોમાં મીના બીબી, નૂરનિહાર બીબી, રૂપાલી બીબી, બાની શેખ, મિહિર શેખ, નેકલાલ શેખનો સમાવેશ થાય છે. મંગળવારે રાત્રે વહીવટી અધિકારીઓની હાજરીમાં તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે. મમતા સરકારે SITની રચના કરી છે અને 72 કલાકમાં તપાસનો રિપોર્ટ માંગ્યો છે.
ભાજપે રાજ્યમાં થઈ રહેલી રાજકીય હિંસા માટે મમતા સરકારને જવાબદાર ઠેરવી છે અને રાષ્ટ્રપતિ શાસનની માંગણી કરી છે. બીજી તરફ હિંસાને લઈને મુખ્યમંત્રી મમતા બેનર્જી અને રાજ્યપાલ જગદીપ ધનખર આમને-સામને આવી ગયા છે.
રામપુરહાટના બોગતુઈ ગામના લોકો સોમવારે રાત્રે બોમ્બના અવાજથી જાગી ગયા અને જોયું કે ઘણા ઘરો આગની લપેટમાં આવી ગયા હતા. આ પછી લોકોએ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ અને ફાયર બ્રિગેડને પણ બોલાવ્યા. પરંતુ ત્યાં સુધીમાં આગ અનેક ઘરોને લપેટમાં લઈ ગઈ હતી. પોલીસે બળેલા ઘરમાંથી 7 મૃતદેહો બહાર કાઢ્યા હતા. જેમાં બે બાળકો પણ સામેલ હતા. તે જ સમયે, આ પછી હોસ્પિટલમાં 1 મૃત્યુ થયું.
આ અકસ્માતમાં બચી ગયેલી નઝીરા બીબીએ જણાવ્યું કે અમે સૂતા હતા. પછી અમે વિસ્ફોટોનો અવાજ સાંભળ્યો. કેટલાક લોકોએ અમારા ઘરોને આગ લગાડી. હું ભાગવામાં સફળ રહી. પણ મને ખબર નથી કે મારા બાકીના પરિવારનું શું થયું?