મુંબઈ
બોલિવૂડમાં ‘કાસ્ટિંગ કાઉચ‘નો મુદ્દો ઘણા સમયથી ચર્ચામાં છે. ઘણી અભિનેત્રીઓએ જાહેરમાં પોતાના કડવા અનુભવો કહ્યા છે, તો ઘણીએ સહન કરીને મૌન સેવ્યું છે. પરંતુ કાસ્ટિંગ કાઉચ નામની ઊધઇ બોલીવૂડને ઘણા સમયથી લાગી છે.
તનુશ્રી પહેલા ઘણી ટોચની અભિનેત્રીઓએ પોતાની આપવિતી કહી છે. રાધિકા આપ્ટેએ થોડા સમય પહેલા આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તે એક ફિલ્મના શૂટિંગ માટે સેટ પર ગઇ હતી જ્યાં દક્ષિણના એક અભિનેતાએ તેની સાથે ગેરવર્તણૂક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરિણામે રાધિકાએ તેને સણસણતો તમાચો માર્યો હતો.જોકે આ વાતને ત્યાં જ દબાવી દેવામાં આવી હતી. રાધિકાએ કહ્યું હતું કે, ‘ એ સેટ પર મારો પહેલો જ દિવસ હતો. અને મેં તેને થપ્પડ મારી હતી. અને એ વ્યક્તિ સાથે કદી કામ ન કરવાનો નિર્ણય કર્યો.
પોર્ન ફિલ્મોમાં કામ કરી ચુકેલી સની લિયોનીએ પણ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, મહિલાઓ માટે આ ઇન્ડસ્ટ્રી જ સારી નથી. મારે એક મ્યુઝિક વીડિયો દરમિયાન કડવા અનુભવનો સામનો કરવો પડયો હતો. જ્યારે એક જાણીતા ‘રેપરે‘ તેની સાથે ગેરવર્તણૂક કરી હતી.
કંગના રનૌતે આદિત્ય પંચોલી પર યૌન શોષણનો આક્ષેપ મુક્યો છે. તેણે કેટલીય વાર ઇન્ટરવ્યુમાં આ મુદ્દો ઉખેડયો છે. સ્વરા ભાસ્કર પણ આવા મુદ્દાઓ સામે અવાજ ઊઠાવી ચુકી છે. સ્વરાએ બોલીવૂડના એક દિગ્દર્શક પર આક્ષેપ મુક્યો હતો ત્યારે કોરિયોગ્રાફર સરોજ ખાને મંતવ્ય કર્યું તું કે ‘ બોલીવૂડમાં આ બધું કાંઇ નવું નથી, આમ તો થતું રહેતું હોય છે.
સ્વરાએ એમ પણ કહ્યું હતું કે, તે વખતે તેનામાં પોતાને થયેલા આ કડવા અનુભવને કહેવાની હિંમત નહોતી. અનુરાગ કશ્યપની ભૂતપૂર્વ પત્ની કલ્કી કોચલિને પણ આડકતરી રીતે કબૂલ કર્યું છે કે, બોલીવૂડમાં કાસ્ટિંગ કાઉચનો ભોગ બનવું પડતું હોય છે. તેણે જણાવ્યું હતું કે, ફિલ્મનાએક નિર્માતાએ તેને સેક્સ્યુઅલી હરેસ્ડ કરી હતી. તે તેને ફિલ્મની ચર્ચા કરવાનું કહીને વારંવાર ડિનર પર ઇન્વાઇટ કરતો હતો. તે તેને મળતી ત્યારે તેને જાણ થતી કે ફિલ્મનો કોઇ પ્રોજેક્ટ જ નહોતો. તે નિર્માતા કલ્કી માટે કાંઇક અલગ જ વિચારી રહ્યો હતો.