ટોરન્ટો,
નવા વર્ષ ૨૦૧૯ની શરૂઆતની સાથે જ બોલીવુડ માટે ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. રૂપેરી પડદાના પ્રખ્યાત અભિનેતા તેમજ કોમેડિયન કાદર ખાનનું નિધન થયું છે. તેઓએ ૮૧ વર્ષની ઉંમરે કેનેડાની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે.
બોલીવુડના ટોચના એક્ટર તેમજ લેખક એવા કાદર ખાનના નિધન અંગે તેઓના પુત્ર સરફરાજે પૃષ્ટિ કરી છે. આ ઉપરાંત તેઓએ કહ્યું હતું કે, “અમારી સંપૂર્ણ ફેમિલી કેનેડામાં રહે છે જેથી તેમના પિતાના અંતિમ સંસ્કાર કેનેડામાં જ કરવામાં આવશે”.
કાદર ખાન છેલ્લા કેટલાક સમયથી બીમાર ચાલી રહ્યા હતા અને ત્યારબાદ તેઓને કેનેડાની એક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા.
કાદર ખાન લાંબા સમયથી પ્રોગ્રેસિવ સુપ્રાન્યુક્લીયર પાલ્સી ડિસઓર્ડર નામની બીમારીથી પીડાઈ રહ્યા હતા, તેમજ તેઓના મગજે પણ કામ કરવાનું બંધ કરી દીધું હતું. ત્યારબાદ તેઓને રેગ્યુલર વેન્ટીલેટર પરથી હટાવીને બાઈપેપ વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા.
કાદર ખાનની વાત કરવામાં આવે તો, તેઓ બોલીવુડના દિગ્ગજ એક્ટરોમાંના એક છે. કાદર ખાને બોલીવુડની ૩૦૦થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે તેમજ ૨૫૦ જેટલી ફિલ્મોમાં ડાયલોગ પણ લખ્યા છે.
તેઓની બીગ બી અમિતાભ બચ્ચન અને ગોવિંદા સાથેની જોડીને ખુબ પસંદ કરવામાં આવી છે. અમિતાભ બચ્ચન સાથે તેઓએ દો ઓર દો પાંચ, મુકદ્દર ક સિકન્દર, મિ. નટવરલાલ, સુહાગ, ફૂલી, શહંશાહ તેમજ સૂર્યવંશમમાં કામ કર્યું છે.
જયારે ગોવિંદા સાથેની જોડીમાં કાદર ખાને દરિયા દિલ, રાજા બાબૂ, કુલી નંબર ૧, છોટે સરકાર, આંખે, તેરી પાયલ મેરે ગીત, આંટી નંબર ૧, હીરો નંબર ૧, રાજાજી, દુલ્હે રાજા જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું છે.