મુંબઈ,
બોલીવુડ અભિનેતા સલમાન ખાનના ભાઈ અને ફિલ્મ નિર્દેશક અરબાજ ખાન હાલમાં સટ્ટાબાજીના પ્રકરણને લઇ ખૂબ ચર્ચામાં છે. ક્રાઈમ બ્રાંચ દ્વારા શનિવારે હાથ ધરાયેલી પૂછપરછ દરમિયાન અરબાજ ખાને સટ્ટાબાજીમાં શામેલ હોવાનું કબુલ્યું હતું.
ત્યારે હવે અરબાજ ખાન અને મલાઈકા અરોરા ખાનના ૧૮ વર્ષ જુના લગ્ન સંબંધો તુટવા અંગે ચોકાવનારો ખુલાસો સામે આવ્યો છે. ફિલ્મ નિર્દેશક અરબાજના સટ્ટાબાજી પ્રકરણમાં ફસાયા બાદ સામે આવેલા અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે, બોલીવુડના આ પરફેક્ટ કપલના લગ્ન સંબંધો તૂટવાનું કારણ સટ્ટાબાજી જ હતું.
અત્રે ઉલ્લેખનિય છે કે, ક્રાઈમ બ્રાંચની પૂછપરછ દરમિયાન શનિવારે અરબાઝે કહ્યું હતું કે, “તે ૫-૬ વર્ષથી IPLમાં સટ્ટો લાગવું છું અને સટ્ટો રમવો તેમની આદત થઇ ગઈ હતી. આ કારણે મલાઈકા સાથે ઘણા ઝઘડાઓ પણ થતા હતા”.
જો કે ત્યારબાદ અરબાજ ખાનના પિતા સલીમ ખાને પણ એ વાતોનું ખંડન કર્યું હતું કે, “અરબાજ અને મલાઈકાના તલાકનું કારણ તેઓના પુત્રનું સટ્ટા રમવાનું રહ્યું છે”.
મહત્વનું છે કે, આંતરરાષ્ટ્રીય સટ્ટાબાજીના મામલે ક્રાઈમ બ્રાંચ દ્વારા શનિવારે હાથ ધરાયેલી પૂછપરછ દરમિયાન અરબાજ ખાને કબુલ્યું છે કે, “તેઓના સટ્ટાબાજી રિંગના લીડર સોનૂ જાલાન સાથે સંબંધ છે અને બંને એકબીજાને છેલ્લા પાંચ વર્ષથી જાણે છે. સાથે સાથે સલમાન ખાનના ભાઈએ સોનૂ સાથે સટ્ટાબાજીની વાતનો પણ સ્વીકાર કર્યો છે.