Gujarat Weather News: ગુજરાતમાં હવામાન ખાતાએ ચૂંટણીના દિવસે ગરમીનો પારો ઊંચો જવાની આગાહી કરી છે. 7 મેના રોજ મોટાભાગના જીલ્લાઓમાં હીટવેવની અસર વર્તાશે અને તાપમાન 43 ડિગ્રીને પાર જશે તેવું અનુમાન કરવામાં આવ્યું છે. કાળઝાળ ગરમીમાં નાગરિકોને મતદાન કરવું પડે તેવી સ્થિતિ ઊભી થવાની સંભાવના છે.
લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાને હવે જૂજ દિવસો જ બાકી છે ત્યારે રાજ્યમાં હવામાન ખાતાએ મતદાન દિવસે અમદાવાદમાં ગરમીનો પારો 43 ડિગ્રીથી ઉપર જવાની આગાહી કરી છે. હવામાન ખાતાની આગાહી મુજબ 7-8 મેના રોજ તાપમાન 43 ડિગ્રી નોંધાવાની શક્યતા છે. આ ઉપરાંત અમદાવાદ અને આસાપાસના જીલ્લાઓ સહિત સૌરાષ્ટ્ર અને કચ્છમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાવાની સંભાવના છે. અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન આગામી ત્રણ દિવસ દરમિયાન 42 ડિગ્રીથી વધુ નોંધાશે.
છેલ્લા 10 વર્ષથી મે મહિનામાં અમદાવાદમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર થઈ જતો જોવા મળ્યો છે. ત્યારે સૂર્યદેવ પોતાનું તેજ પ્રકાશમાન કરે તે પહેલા વહેલી સવારે લોકો મતદાન કરે તેવી સંભાવના છે. મતદાન દિવસે રાજકોટમાં 45, વડોદરામાં 42, ભુજ અને ભાવનગરમાં 43 ડિગ્રીએ તાપમાન રહેવાનું અનુમાન છે.
આગામી 3 થી 5 દિવસોમાં અમદાવાદ તેમજ આસપાસના શહેરોમાં, તેમજ કચ્છ, પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગરમાં પણ યલો એલર્ટ જાહેર કર્યું છે. વાતાવરણ શુષ્ક રહેશે. કચ્છના અખાતથી લઈને ખંભાતના અખાત સુધી દક્ષિણ ગુજરાતના ભાગો સહિત તમામ દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ ભેજયુક્ત પવન ફૂંકાશે.
સરકારની ગાઈડલાઈન્સ
લૂ થી બચવા આટલું કરો:
રેડિયો સાંભળો, ટી.વી. જૂઓ, હવામાન અંગેના સ્થાનિક સમાચાર માટે વર્તમાન પત્ર વાંચો અથવા હવામાન વિશેની માહિતી આપતી મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરી તેમાંથી માહિતી મેળવો. તરસ ના લાગી હોય તો પણ પૂરતા પ્રમાણમાં પાણી પીવું.
વાઈ, હૃદય, કીડની કે યકૃત સંબંધી બીમારીથી પીડાતા વ્યક્તિઓ કે જેમને પ્રવાહીની માત્રા ઓછી લેવાની હોય તેમણે તેમજ જેમના શરીરમાંથી પ્રવાહીનો નિકાલ ઓછો થતો હોય તેમણે પ્રવાહી લેતા પહેલા ડોકટરની સલાહ અવશ્ય લેવી જોઈએ.
શરીરમાં પ્રવાહીની માત્રા ઓછી ન થાય તે માટે ORS દ્રાવણ અથવા ઘરે બનાવેલા પીણા જેવા કે છાશ, લસ્સી, લીંબુ પાણી, ભાતનું ઓસામણ, નારિયેળ પાણી વગેરેનો ઊપયોગ કરવો. વજન તેમજ રંગમાં હળવા પ્રકારના સુતરાઉ વસ્ત્રો પહેરવા. જો તમે ઘર ની બહાર હોવ તો માથાનો ભાગ કપડાં, છત્રી કે ટોપીથી ઢાંકી રાખો. આંખોના રક્ષણ માટે સન-ગ્લાસીસ અને ત્વચાના રક્ષણ માટે સનસ્ક્રીન લગાવી પ્રાથમિક સારવાર માટેની તાલીમ લો.
લૂ લાગવાની સૌથી વધુ સંભાવના છે તેવા બાળક, સગર્ભા, વૃદ્ધ, બિમાર વ્યક્તિ અને વધુ વજન ધરાવતા વ્યક્તિની વિશેષ કાળજી લેવી.
કામદાર અને નોકરીદાતાઓએ આટલું ધ્યાન રાખવું:
કાર્યના સ્થળે પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા કરવી. તમામ કામદાર માટે આરામની વ્યવસ્થા, શુધ્ધ પાણી, છાશ, ORS, પ્રાથમિક સારવાર પેટીની વ્યવસ્થા કરવી. કાર્ય કરતી વખતે સીધો સૂર્યપ્રકાશ આવે તેવી સ્થિતિને ટાળવી તેમજ વધુ મહેનત લાગે તેવું કામ દિવસના ઠંડા સમયે ગોઠવવું.
બહારની પ્રવૃત્તિઓ માટે વિશ્રાંતી સમય અને તેની સંખ્યા વધારવી. જે કામદાર વધુ ગરમી વાળા વિસ્તારમાં કાર્ય કરવા ટેવાયેલ નથી તેમને હળવું તેમજ ઓછી અવધી માટે કામ આપવું. સગર્ભા સ્ત્રીઓ તેમજ શારીરિક નબળઈ ધરાવતા કામદાર ઉપર વિશેષ ધ્યાન આપવું. કામદારો ને હીટ વેવ એલેર્ટ વિશે માહિતગાર કરી, શક્ય હોય ત્યાં સુધી ઘરમાં જ રહી, ઘરગથ્થુ ઉપાય કરવા. જેવા કે કાચી કેરી સાથે ડુંગળીનું ધાણાજીરુ નાખેલું કચુંબર લૂ લાગવાની શક્યતા ઘટાડી શકે છે. પંખાનો ઉપયોગ કરવો અને ઢીલા અને સુતરાઉ કપડાં પહેરવા.
કાર્યાલય કે રહેઠાણના સ્થળે આવતાં ફેરિયા કે ડીલીવરી માણસને પાણી પીવડાવવું. કાર પુલીંગ અથવા તો જાહેર વાહન વ્યવહારના સાધનોનો ઉપયોગ કરો, જેથી ગ્લોબલ વોર્મીંગ અને ગરમીનું પ્રમાણ ઘદડી શકાય. સૂકા પાંદડા, ખેતીનો કે અન્ય કચરો બાળવો નહીં. પાણીનાં સ્ત્રોતનું રક્ષણ કરવું અને વરસાદી પાણીના સંચયની વ્યવસ્થા કરવી. ઊર્જા કાર્યદક્ષ સાધનો, શુદ્ધ બળતણ અને ઊર્જાના વૈકલ્પીક સ્ત્રોતનો ઉપયોગ કરવો. જો ચક્કર આવતા હોય કે બીમાર હોવ તો તરત જ તબીબી સલાહ લો અથવા ઘરના કોઇપણ સદસ્યને જાણ કરો.
આ પણ વાંચો:ગુજરાતમાં મોટી કાર્યવાહી, અરબ સાગરથી 173 કિલો ડ્રગ્સ ઝડપાયું
આ પણ વાંચો: ગુજરાતના 64માં સ્થાપના દિને પીએમ મોદી અને સીએમની શુભેચ્છા
આ પણ વાંચો: પીએમ મોદી સામે કોઈ વિરોધ નહીઃ ક્ષત્રિય સમાજ