રાજસ્થાનનાં જેસલમેરનાં કેટલાક ગામોમાં તીડનાં આક્રમણ બાદ હવે બનાસકાંઠાનાં રણકાંઠામાં તીડનું આક્રમણ થતાં ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે. બીજી તરફ તીડ નિયંત્રણનાં તંત્રનાં દાવાઓ પોકળ સાબિત થયા છે. જેથી ખેડૂતો દ્વારા તીડ નિયંત્રણ ટીમ દ્વારા દવા છંટકાવ કરવા માંગણી કરવામાં આવી છે. ખેડૂતોમાં તીડનો ડર એટલો દેખાઇ રહ્યો છે કે તેમણે આ વખતે પાકને નુકસાન થઇ શકે તેવી સંભાવનાઓ પણ વ્યક્ત કરી દીધી છે.
બનાસકાંઠાનાં સરહદી સુઇગામ તાલુકામાં તીડનું આક્રમણ જોવા મળી રહ્યુ છે. સેંકડો તીડનાં ટોળે ટોળા ખેતરોમાં દેખાતાં ખેડૂતો ચિંતિત બન્યાં છે. બીજી તરફ સુઇગામ અને જલોયાની સીમમાં તીડનાં ટોળા દેખાતાં ખેડૂતોએ તંત્રને જાણ કરીને દવાના છંટકાવની માંગણી કરી છે. તાત્કાલિક તીડ નિયંત્રણ નહિ કરવામાં આવે તો પાકનો સફાયો થવાનો ભય ખેડૂતોમાં સતાવી રહ્યો છે. 26 વર્ષ બાદ બનાસકાંઠામાં તીડનું આક્રમણ જોવા મળતા તંત્ર દ્વારા નિયંત્રણ માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
છેલ્લા કેટલાક દિવસથી ભારત પાકિસ્તાન સરહદ પરનાં ખારા રણનાં જેસલમેરથી બનાસકાંઠા સુધીનાં અફાટ રણ વચ્ચે પાકિસ્તાનથી આવેલા તીડનાં આક્રમણની દહેશત ફેલાઈ છે. થોડા દિવસ અગાઉ જેસલમેર નજીકનાં 90થી વધુ ગામોમાં તીડની અસર જોવા મળતા ત્યાં તંત્ર દ્વારા યુદ્ધનાં ધોરણે કામગીરી કરાઈ હતી. સુઈગામમાં તીડ આવતા ખેતીવાડી વિભાગ દ્વારા લોકેશન મેળવી લેવાયાં બાદ તીડ નિયંત્રણ વિભાગને જાણ કરવામાં આવી હતી. 1993માં તીડ આવ્યા ત્યારે ખૂબ નુકસાન થયું હતું. હવે વર્ષો પછી ફરી બનાસકાંઠાનાં સરહદી વિસ્તારમાં 1 કિલોમીટરનાં વિસ્તારમાં તીડની અસર જોવા મળી છે.
બનાસકાંઠાનાં સુઈગામ તાલુકામાં તીડનાં આક્રમણથી ભયભીત થઈ ગયેલા ખેડૂતો દ્વારા તાત્કાલિક તંત્રને જાણ કરવામાં આવી છે. છેલ્લા 15 દિવસથી વાવ,સુઇગામ તાલુકાનાં સરહદી ગામોમાં તીડનું આક્રમણ જોવા મળી રહ્યું છે. ત્યારે કૃષિ અધિકારીઓનાં તીડ નિયંત્રણનાં દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યાં છે. મોટી સંખ્યામાં તીડ આવતા જોઇ ખેડૂતો માટે પાક બચાવવો મુશ્કિલ બની રહે તો નવાઈ નહી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.