અનિલ સ્ટાર્ચ મિલના અમોલ શેઠની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનના જેસલમેરની એક હોટલમાંથી અમોલ શેઠની ધરપકડ કરી છે. અત્રે નોંધનીય છે કે, અમોલ શેઠ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ તેમજ મહારાષ્ટ્રમાં કરોડો રૂપિયાનું કૌભાંડ આચરી ચૂક્યો છે. ઉલ્લેખનીય છે કે, અમોલ શેઠ પોતે અનિલ સ્ટાર્ચ મિલનો માલિક છે. 1500 કરોડનું ફેલેકુ કરનાર આખરે પકડાયો છે.
અનિલ સ્ટાર્ચના કંપનીના માલિક અમોલ શેઠ, અનીસ શેઠ, કમલ શેઠ અને પાયલ શેઠ સહિત અન્યો સામે રોકાણકારોએ ગાંધીનગર મુખ્યમંત્રી, CID ક્રાઈમ સહિત અન્ય જગ્યાએ ફરિયાદો કરી હતી. જો કે, અમુલ શેઠ રાજકીય પીઠબળ ધરાવતા હોવાથી તેઓની સામેની ફોજદારી કાર્યવાહી કરી અઢી વર્ષથી આ મામલો દબાવી રાખવામાં તેઓ સફળ રહ્યાં હતાં.
પોલીસે આરોપી અમોલ શેઠને કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડની માંગણી પણ કરી હતી. જો કે, કોર્ટે એક દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે. તદુપરાંત, આ જ કૌભાંડમાં સંડોવાયેલા શિવપ્રસાદ કાબરાને પણ ઝડપી લેવાયા છે. બીજી બાજુ અનિલ સ્ટાર્ચના માલિક અમોલ શેઠની ધરપકડ થયાની જાણ અન્ય રોકાણકારોને થતાં જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ભોગ બનેલાઓ ફરિયાદ કરવા દોડી ગયા છે. પરંતુ કંપનીના અન્ય માલિકો ભૂર્ગભમાં ચાલ્યા ગયા છે.
ક્રાઈમ બ્રાન્ચે અમોલ શેઠને અમદાવાદની કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જેમાં અન્ય આરોપીઓની તપાસ કરવાની છે તેમજ આ કૌભાંડમાં રોકાણકારોના નાણાં અંગે પણ તપાસ કરવાની છે. આરોપી અમુલ શેઠે કરોડોનું ફુલેકુ ફેરવ્યું હોવાથી તેમાં સામેલ આરોપીઓની તપાસ કરવાની છે.