રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને ભારત પર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે રશિયા પર પ્રતિબંધો લાદવાના મામલે ભારતનું વલણ નરમ રહ્યું છે, જ્યારે અમેરિકાના બાકીના મોટા સહયોગીઓએ રશિયા સામે હિંમતથી પ્રતિબંધ લાદ્યા.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું કે યુક્રેનમાં યુદ્ધ શરૂ થયા બાદ પશ્ચિમી દેશોએ રશિયા પર કડક પ્રતિબંધો લગાવ્યા. બિડેને વધુમાં જણાવ્યું હતું ભારત ભલે નરમ હોય,પરંતુ જાપાને કડક વલણ અપનાવ્યું. ઓસ્ટ્રેલિયાએ પણ પુતિનના હુમલા અંગે સમાન વલણ અપનાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે બંને દેશોએ રશિયા પર કડક પ્રતિબંધો લગાવ્યા છે.
બિડેન ભારતના રશિયા તરફના વલણથી નારાજ છે, પરંતુ ઓસ્ટ્રેલિયાએ ભારતને ટેકો આપ્યો છે. ઓસ્ટ્રેલિયાના રાજદૂત બેરી ઓ’ફેરે સોમવારે કહ્યું હતું કે ક્વાડ યુક્રેન પર ભારતના વલણને સમર્થન આપે છે.
બંને દેશો વચ્ચેના યુદ્ધને 26 દિવસ વીતી ગયા છે. ભારતે યુદ્ધના મુદ્દે તટસ્થ પોતાનું વલણ રાખ્યું છે. ભારત વતી સંયુક્ત રાષ્ટ્ર સહિત વિવિધ મંચો પર સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તેની પ્રાથમિકતા યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવાની હતી. ઉલ્લેખનીય છે કે લગભગ 20 હજાર ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકો યુક્રેનના વિવિધ વિસ્તારોમાં ફસાયેલા છે. તેમાંથી 18 હજારથી વધુ લોકોને સુરક્ષિત રીતે ભારત પરત લાવવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે ફસાયેલા લોકોને બચાવવા માટે ‘ઓપરેશન ગંગા’ શરૂ કર્યું હતું.
ભારતે પણ આ યુદ્ધનો અંત લાવવાનો પ્રયાસ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ માટે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી હતી. ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષાની સાથે, પીએમ મોદીએ એમ પણ કહ્યું હતું કે આ મુદ્દાને વાતચીત દ્વારા ઉકેલી શકાય છે.