મોટા રાજકીય પક્ષો ભાજપ-કોંગ્રેસની ભૂમિકા સાવ નાનકડા ભાઈ જેવી છે
જયલલિતા અને કરૂણાનિધિની ચિરવિદાય બાદ અન્નાડીએમકે અને ડીએમકે પ્રથમવાર મેદાનમાં ઉતર્યા છે જો કે લોકસભાની ચૂંટણીમાં ડીએમકેએ બાજી મારી હતી
@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર
તમિલનાડું દેશનું એવું રાજ્ય છે જ્યાં રાષ્ટ્રીય પક્ષો વચ્ચે નહિ પરંતુ બે પ્રાદેશિક પક્ષો વચ્ચે ચૂંટણી જંગ ખેલાય છે. ભારતના છેલ્લા ગવર્નર જનરલ જે રાજ્યના હતા તે ચક્રવર્તી રાજગોપાલાચારીના ગણાતા. તમિલનાડુમાં ૧૯૬૨ સુધી તો કોંગ્રેસનું શાસન હતું. કોંગ્રેસ પાસે કામરાજ નાદર જેવો મજબૂત ચહેરો હતો. ૧૯૬૨ બાદ તમિલનાડુમાં દ્રવિડોની અસ્મિતાના નારા સાથે અને ફિલ્મી દુનિયા સાથે સંકળાયેલ સીએન.અન્નાદુરાઈ નામના નવા ચહેરાએ તમિલનાડુના રાજકારણમાં પ્રવેશ કર્યો. અને દ્રવિડ મુન્નેત્ર કઝગમ એટલે કે ડીએમકેની સ્થાપના કરી એટલું જ નહિ પણ ૧૯૬૭ના સમયગાળામાં કેટલાક રાજ્યોમાં બીનકોંગ્રેસી પક્ષોને સત્તા મળવાનો સીલસીલો શરૂ થયો હતો. તેવા સમયે તમિલનાડુમાં પણ સી.એન.અન્નાદુરાઈની આગેવાની હેઠળ ડીએમકેની સરકાર રચાઈ તમિલનાડુમાં શરૂ થયેલા બીનકોંગ્રેસી યુગનો આ પ્રારંભ હતો. જેનો અંત હજી સુધી આવ્યો નથી તે વાત પણ નોંધવી જ પડે તેમ છે.
સીએન અન્નાદુરાઈની ચિરવિદાય બાદ અમુક સમયે જેમ અન્ય રાજકીય પક્ષોમાં બને છે તેમ ડીએમકેમાં પણ બન્યું એટલે કે પક્ષનું વિભાજન થયું કરૂણાનિધિની આગેવાની હેઠળનો પક્ષ ડીએમકે અને એમ.જી.રામચંદ્રનની આગેવાની હેઠળનો પક્ષ અન્નાડીએમકે (એડીએમકે) કહેવાયો ૧૯૭૭માં કેન્દ્રમાં પ્રથમ બીન કોંગ્રેસી સરકારની રચના થઈ ત્યારે એડીએમકેએ મોરારજીભાઈ દેસાઈની આગેવાની હેઠળની આ સરકારને ટેકો આપી તેની રચનામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
હવે તમિલનાડુમાં લોકપ્રિય ફિલ્મ અભિનેત્રી તરીકે છાપ ધરાવતા અને એમ.જી.આર.ના ટુંકા નામે ઓળખાતા એમ.જી.રામચંદ્રનની હાજરીમાં જ પક્ષના મહાસચિવની જવાબદારી સંભાળી રહેલા અને માત્ર તમિલ નહિ પરંતુ કેટલીક હિન્દી ફિલ્મોમાં ઝળકનારા જયલલિતાએ એમ.જી.આર.ની વિદાય બાદ પહેલા પક્ષનું અને પછી તમિલનાડુનું સુકાન સંભાળ્યું. સામે પક્ષે ડીએમકેમાં કરૂણાનિધિનું નેતૃત્વ અકબંધ હતું. આ બન્ને મહાનુભાવોનું રાજકીય વર્ચસ્વ પણ એવું જ હતું અને સત્તાપર આ બન્ને પક્ષોની તબક્કાવાર વાપસી પણ થતી હતી અને વિદાય પણ થતી. કેન્દ્રમાં ૧૯૯૮માં રચાયેલી ભાજપના અગ્રણી અટલબિહારી વાજપેયીની આગેવાની હેઠળની એન.ડી.એ. સરકારની રચનામાં અને માત્ર એક મત માટે થયેલી હારમાં પણ જયલલિતા અને અન્નાડીએમકેની ભૂમિકા હતી.
કરૂણાનિધિ અને જયલલિતા બન્ને તેમના પક્ષના વડા જ નહિ પણ રાજ્યના વડા પણ બન્યા છે. અને વારાફરતી વિપક્ષી ભૂમિકા પણ નીભાવી છે. અને અત્યારે દેશના બે મુખ્ય રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસ પોતાનું રાજકીય વર્ચસ્વ ટકાવવા માટે આ પક્ષ સાથે જ જોડાણ કરવું પડે છે. આ સીલસીલો ભૂતકાળમાં પણ હતો અને આજે પણ છે.
૨૦૧૬માં તમિલનાડુમાં ચૂંટણી યોજાઈ ત્યારે ૨૩૪ સભ્યોની તમિલનાડુ વિધાનસભામાં ૧૪૫ કરતા વધુ બેઠકો સાથે અન્ના ડીએમકેએ સત્તા પ્રાપ્ત કરી હતી. જે સંખ્યા પેટા ચૂંટણીઓમાં પરાજયની પરંપરા સાથે ઘટીને માત્ર ૧૨૩ થઈ ગઈ છે. હવે ૨૦૧૬ બાદ અન્નાડીએમકેના સુપ્રિમો જયલલિતા અને ડીએમકેના સુપ્રિમો કે.કરૂણાનિધિની ચીર વિદાય બાદ બન્ને પક્ષોમાં આ બન્ને મુખ્ય ચહેરાઓ નથી ડીએમકેનો હવાલો કરૂણાનિધિના મોટા પુત્ર સ્ટેલિન પાસે છે તો અન્ના ડીએમકેનો હવાલો પલાનિસ્વામી અને પન્નીરસેલ્વમ પાસે છે તમિલનાડુમાં હાલ પલાનિસ્વામિની આગેવાની હેઠળ અન્ના ડીએમકે સરકારનું શાસન છે અને હાલ તમિલનાડુમાં એક પણ ધારાસભ્ય ન ધરાવનાર ભાજપ તેનો ટેકેદાર છે.
જ્યારે ડીએમકેનો હવાલો ઉપર જણાવી ગયા તે પ્રમાણે સ્ટાલિન પાસે છે અને ડીએમકેના ૯૭ ધારાસભ્યો સાથે સાત ધારાસભ્યો સાથે કોંગ્રેસ તેની સાથે છે.
હાલ સરકાર ચલાવનાર અને વિપક્ષે બેસનાર બન્ને પક્ષો પ્રથમ વખત પોતાના બે સ્ટાર પ્રચારકો જયલલિતા અને કરૂણાનિધિની ગેરહાજરીમાં ચૂંટણી લડે છે. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ ત્યાં આ બન્ને પક્ષના નાના સાથીદાર તરીકે અવાર નવાર હાજરી પૂરાવતા રહ્યા છે. અન્ના ડીએમકે અને ડીએમકેએ પોતાના ચૂંટણી ઢંઢેરામાં લોકોને વચનો આપવાની એટલે કે વાયદા બજારની પરંપરા જાળવી રાખી છે જો કે ત્રણ પાના ભરાય તેટલા વચનો આપ્યા છે ડાબેરી પક્ષો અને અડધો ડઝનથી વધુ પ્રાદેશિક પક્ષો મેદાનમાં છે જેમાં એક દુઝે કે લિયેથી દેશમાં ખ્યાતનામ બનેલા કમલા હસનના પક્ષનો પણ સમાવેશ થાય છે. ભાજપે બીજા એક લોકપ્રિય અભિનેતા રજનીકાંત (અંધા કાનુન ફેઈમ)ને ચૂંટણી જંગમાં ખેંચવા પ્રયાસ કરેલો પણ ફાવ્યા નથી.
હવે બે મુખ્ય ચહેરા વગર ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી લડાઈ હતી તેમાં કોંગ્રેસ ડીએમકે જોડાણને ૩૮, અન્નાડીએમકેને એક બેઠક મળી હતી. તે બેઠકની ચૂંટણી રદ થતા યોજાયેલી પેટા ચૂંટણીમાં ડીએમકે જીત્યું છે વિધાનસભાની દોઢ વર્ષમાં યોજાયેલી આઠથી વધુ પેટાચૂંટણીમાં ડીએમકે જ જીત્યું છે. બે મુખ્ય ચહેરાઓ કરૂણાનિધિ અને રામચંદ્રનની હાજરી વગર લડાઈ રહેલી આ પ્રથમ ચૂંટણી છે જેમાં મતદારો કોને પસંદ કરે છે તેની તો બીજી મે એ જ ખબર પડશે.