કોરોના યુગમાં, પ્રોટીન અને વિટામિન ધરાવતા ખાદ્ય પદાર્થો ઉપર લોકો વધુ ભાર મૂકી રહ્યા છે. 2025 સુધીમાં, ભારતીય પરિવારો ખોરાક પર જે ખર્ચ કરે છે તેનો ત્રીજા ભાગ, તેઓ ચિકન, મટન જેવી ખાદ્ય ચીજો પર ખર્ચ કરશે.
તાજેતરમાં, ફિચ રેટિંગ્સના એકમ, ફિચ સોલ્યુશન્સ દ્વારા એક અહેવાલ ભારતીય ઘરોના ખોરાકના ખર્ચને લઈને બહાર આવ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે છેલ્લા 20 વર્ષમાં લોકોની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. જેના કારણે લોકોના ખોરાક ખાસ કરીને પ્રોટીનયુક્ત ખોરાકનું આકર્ષણ વધ્યું છે.
રિપોર્ટના વિશ્લેષણ મુજબ, ભારતીય ઘરોમાં અનાજ, ચોખા, બ્રેડ પરનો ખર્ચ 2005 ની તુલનામાં 2025 માં 28.8 ટકાથી ઘટીને 23.8 ટકા થઈ શકે છે. જ્યારે ફળો પર ખર્ચ 6.4 ટકાથી વધીને 18 ટકા થઈ શકે છે.
સર્વે અનુસાર, 2005 માં ભારતીય પરિવારોનું ઘરગથ્થુ બજેટ 33.2 ટકા હતું. આમાં, તેઓ ચિકન, મટન અને પ્રોટીન ઘટકો પર 17.5% ખર્ચ કરતા હતા. જ્યારે 2025 માં ભારતીય પરિવારોના ખાવા પીવા માટેનું ઘરગથ્થુ બજેટ 35.3 ટકા હોવાનો અંદાજ છે. આમાં, તેઓ મટન, ચિકન અને અન્ય પ્રોટીન સમૃદ્ધ ખોરાક પર 30.7% ખર્ચ કરશે.
2005 થી 2025 ની વચ્ચે, મટન પરના ખર્ચમાં વાર્ષિક 17 ટકાનો વધારો થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન, સંપૂર્ણ આહાર લેવાની કિંમતમાં 12 ટકાનો વધારો થઈ શકે છે. રીપોર્ટમાં ખુલાસો થયો છે કે 2012 થી 2021 ની વચ્ચે મટન અને માછલીના ભાવમાં વાર્ષિક 7.9 ટકાનો વધારો થયો છે, જ્યારે આ સમયગાળા દરમિયાન સરેરાશ ફુગાવાનો દર 8.0 ટકા રહ્યો છે.
અહેવાલમાં એક તથ્ય પણ બહાર આવ્યું છે કે 2025 સુધીમાં, માંસહારી આહારમાં 71 ટકા ચિકનનું સેવન કરવામાં આવશે. 2005 થી 2025 ની વચ્ચે, દેશમાં માથાદીઠ ચોખાનો વપરાશ 70.4 કિલોથી વધીને 77.1 કિલો થવાની સંભાવના છે. લોટ જેવી ખાદ્ય ચીજો પરના ખર્ચમાં વાર્ષિક સરેરાશ 11.9% નો વધારો થઈ શકે છે.