રાજ્યસભાના અધ્યક્ષ એમ વેંકૈયા નાયડુએ સોમવારથી શરૂ થઈ રહેલા સંસદના ચોમાસુ સત્ર પહેલા આજે વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠક ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુના સત્તાવાર નિવાસસ્થાને થઈ હતી. આ બેઠકમાં વિવિધ પક્ષોના નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓએ હાજરી આપી હતી. બેઠકમાં વેંકૈયા નાયડુએ તમામ પક્ષોને સદનને સુચારૂ રીતે ચલાવવામાં મદદ કરવાની અપીલ કરી હતી.
સુત્રોના જણાવ્યા પ્રમાણે સત્રની શરૂઆત પહેલા આવી સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવે છે જેથી ગૃહની કામગીરી સુચારૂ રીતે ચાલે. કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ બેઠક બાદ જણાવ્યું હતું કે, સંસદની કામગીરી સુચારૂ રીતે ચલાવવા માટે તમામ પક્ષો તરફથી સહકારની વિનંતી કરવામાં આવી છે.સાથે જ રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, સરકાર સંસદમાં સારી ચર્ચા ઈચ્છે છે. તેથી તમામ પક્ષોએ સહયોગ કરવો જોઈએ.
કેન્દ્રીય સંસદીય બાબતોએ સત્ર વિશે આપી હતી માહિતી
ફ્લોર લીડર્સની આ બેઠકમાં કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ જણાવ્યું કે ચોમાસુ સત્ર 18 જુલાઈથી શરૂ થશે અને સરકારી કામકાજની આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીને સત્ર શુક્રવાર, 12 ઓગસ્ટ, 2022ના રોજ સમાપ્ત થઈ શકે છે. સત્ર 26 દિવસના સમયગાળામાં કુલ 18 બેઠકો આપશે. કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાને જણાવ્યું હતું કે કાર્યવાહીના નિયમો હેઠળ સંબંધિત પ્રિસાઈડિંગ અધિકારીઓ દ્વારા પરવાનગી આપવામાં આવેલ કોઈપણ મુદ્દા પર ગૃહના ટેબલ પર ચર્ચા કરવા સરકાર હંમેશા તૈયાર છે. તેમણે સંસદના બંને ગૃહોની સુચારૂ કામગીરી માટે પક્ષના તમામ નેતાઓને સક્રિય સહયોગ અને સમર્થન માટે પણ વિનંતી કરી હતી. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી અને રાજ્યસભામાં ગૃહના નેતા પીયૂષ ગોયલ પણ હાજર હતા.
રાજનાથ સિંહે આભાર માન્યો
તમામ પક્ષોના નેતાઓ દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ સાંભળ્યા પછી, કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે બેઠકમાં સક્રિય અને અસરકારક ભાગીદારી માટે નેતાઓનો આભાર માન્યો. તેમણે એમ પણ કહ્યું કે સામાન્ય કાયદાકીય કામકાજ સિવાય સંસદમાં તાત્કાલિક જાહેર મહત્વની બાબતો પર ચર્ચા કરવા સરકાર દ્વારા જરૂરી પ્રયાસો કરવામાં આવશે. આ બેઠકમાં શરદ પવાર, જયંત ચૌધરી, સંજય રાઉત, સંજય સિંહ, રામ ગોપાલ યાદવ સહિત 37થી વધુ સાંસદો હાજર રહ્યા હતા.
બેઠકમાં આ ટીમો હાજર રહી હતી
બેઠકમાં ભાજપ સિવાય 35 પક્ષો હાજર રહ્યા હતા, જેમાં કોંગ્રેસ, DMK, AITC, YSRCP, SS, JD(U), BJD, BSP, TRS, LJSP, NCP, SP, CPI(M), IUML, TDPનો સમાવેશ થાય છે. . જ્યારે અપના દળ, CPI, NPF, SAD, RLD, AAP, AJSU, AIADMK, KC(M), MNF, NDPP, RSP, VCK, RPI(A), RJD, NPP, MDMK, UPP(L), AGP અને RLP પણ બેઠકમાં હાજર રહ્યા હતા.