અમદાવાદ
ભીમ અગીયારસનું પર્વ બધી જ એકાદશીમાં વિશેષ મહત્વ ધરાવે છે. લોકો આ તહેવારનું ધાર્મિક તેમજ સામાજીક દ્રષ્ટીએ પણ મહત્વ છે. પહેલાના સમયમાં ગ્રામ્ય વિસ્તારમાં બેન દીકરીઓ ભીમ અગીયારસ કરવા પીયરમાં તેડાવવામાં આવતી. રાસ ગરબા ભજન કીર્તનની રમઝટ બોલતી. ભીમ અગીયારસના દિવસે ખેડૂતો વાવણી કરે છે અને પોતાના ઓજારોની પુજા કરે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પુજા કરવાથી લાભ મળે છે અને ભગવાનને નૈવેધમાં કેરી ધરાવવામાં પણ આવે છે.
આ દિવસે નિર્જળા ઉપવાસનું મહત્વ હોવાથી તેને નિર્જળા એકાદશી પણ કહેવાય છે. ભીમ અગીયારસના દિવસે નિર્જલા એટલે કે પાણી પણ ન પીવું. નકોરડો ઉપવાસ કરવો. નિર્જળા એકાદશીનું વ્રત કરવાથી આખા વર્ષની એકાદશીનું ફળ મળે છે અને સાથે ધન, ધાન્ય અને રિધ્ધિ સિધ્ધિની પ્રાપ્તિ થાય છે.નિર્જળા એકદાશી કરનારને લાંબું આયુષ્ય,સંતાન સુખ, આરોગ્ય અને વિજય અને વિદ્યા ભાગ્યબળ મળે છે.
હિંદુશાસ્ત્ર પ્રમાણે વર્ષમાં આવતી 24 એકાદશીનું પુણ્ય માત્ર એક જ નિર્જળા એકાદશીથી મળે છે. મોક્ષદ્વાર ખોલનાર નિર્જળા એકાદશીમાં દાનનું પણ એટલું જ મહત્વ છે. સ્વામિનારાયણ સંપ્રદાય,પૃષ્ટિ સંપ્રદાયમાં એકાદશીનું વિશેષ મહત્વ છે. ત્યારે જ્યોતિષ શાસ્ત્રમાં પણ એકાદશીનું વિશેષ મહત્વ દર્શાવાયું છે. સ્કંદપુરાણ પ્રમાણે આજે તુલસી કે બીલીપત્રને તોડવું કે તેને ચઢાવવું વર્જ્ય ગણાય છે.
હિંદુ ધર્મમાં જપ-તપની સાથે ઉપવાસનું પણ એટલું જ મહત્વ છે. ખાસ કરીને તમામ મહિનામાં આવતી બંને એકાદશીએ ઉપવાસ કરવાનું મહાત્મ્ય અનેક પુરાણોમાં વર્ણવવામાં આવ્યું છે. જોકે તમામ એકાદશીમાં સૌથી મોટી એકાદશી તરીકે નિર્જળા એકાદશીનું મહત્વ છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે નિર્જળા એકાદશીએ ચંદ્ર- ગુરુનો ગજકેશરી યોગ થાય છે. કોઇપણ ઉપાસના આરાધના માટે શનિવાર ઉત્તમ ગણાય છે.જેથી આજે કરેલું જપ-તપ દાન અનેક ગણું ફળ આપે છે.
પૌરાણિક કથા આવી છે
નિર્જળા એકાદશીના મહાત્મ્ય અંગે પુરાણોમાં વર્ણવેલી કથા પ્રમાણે ભીમના ઉદરમાં વૃક નામનો અગ્નિ હતો. તેને કારણે તે એક દિવસ પણ ભૂખ્યો રહી શકતો ન હતો. તેના પરિવારમાં માતા કુંતા, પત્ની દ્રૌપદી સહિત તમામ સભ્યો 24 એકાદશીનું વ્રત કરતા હતા. તેઓ ભીમને પણ એકાદશી કરવા સૂચન કરતા હતા. આ બાબતે તેણે વેદવ્યાસ પાસે માર્ગદર્શન માંગ્યું કે, તે ભૂખ્યો રહી શકતો નથી, પણ જો દાનથી તેને એકાદશીનું પુણ્ય મળતું હોય તો તે કરવા તૈયાર છે.
ભીમસેન મહર્ષી વ્યાસને કહે છે કે હું એકપણ એકાદશીનું વ્રત કરી નથી શકતો. કારણ મારા જઠરમાં હંમેશા વૃક નામનો અગ્નિ સદા પ્રજવલિત રહે છે અને હું અધિક અન્ન ખાઉ છું ત્યારે શમે છે.
આથી એવો કોઇ ઉપાઇ બતાડો કે હું વર્ષમાં એક દિવસ ઉપવાસ રહું અને આખા વર્ષના તહેવારોનું ફળ મને મળે અને મારૂ કલ્યાણ થાય ત્યારે મહર્ષિ કહે છે તું જેઠ સુદ અગિયારસનું વ્રત કર અને તે પણ જળ પાન કર્યા વગર આમ તને આ જેઠ સુદ અગિયારસનું વ્રત કરવાથી આખા વર્ષની એકાદશીનું ફળ મળશે તથા બધા જ તહેવારોનું ફળ મળશે.
આમ ભીમસેને આ વ્રત કર્યુ હોવાથી આ એકાદશીનું નામ ભીમ અગીયારસ પડયું. ત્યારે વેદવ્યાસે તેને જેઠ માસની શુક્લપક્ષની એકાદશીએ માત્ર એક દિવસ પૂરતો પણ જો તે ઉપવાસ કરે તો પણ તેને 24 એકાદશીનું પુણ્ય મળશે. તેને કારણે ભીમે આજના દિવસે નિર્જળા એકાદશી કરી હતી. તેને કારણે તેને ભીમ એકાદશી, અપરા એકાદશી, નિર્જળા એકાદશી તરીકે પણ ઓળખાય છે.