દિલ્હી કોંગ્રેસના નેતા અરવિંદર સિંહનું સોમવારે હૃદયરોગના હુમલાથી નિધન થયું હતું. તેઓ 56 વર્ષના હતા. તેઓ પોતાની પાછળ પત્ની અને બે બાળકો છોડી ગયા છે. અરવિંદર સિંહ 2008માં કોંગ્રેસની ટિકિટ પર દિલ્હીની દેવલી વિધાનસભાથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમના સાળા પવન અરોરાએ કહ્યું કે તેમના અંતિમ સંસ્કાર મંગળવારે લોધી રોડ સ્મશાન ગૃહમાં કરવામાં આવશે.
કોંગ્રેસના આગેવાનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. પવન ખેરાએ ટ્વીટ કર્યું કે મારા સાથીદાર અને મિત્ર અરવિંદર સિંહના અકાળ અવસાન વિશે સાંભળીને આઘાત લાગ્યો. તેમણે તેમના મતવિસ્તાર માટે અથાક મહેનત કરી હતી. તેમની ખોટ હમેશા રહેશે
દિલ્હી કોંગ્રેસના ઉપાધ્યક્ષ અભિષેક દત્તે કહ્યું કે અરવિંદર શાળામાં મારો સિનિયર હતો અને ખૂબ જ સરળ અને સારા દિલનો વ્યક્તિ હતો. તેણે ક્રિકેટમાં દિલ્હીનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું.પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ દિલ્હીના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ કેન્દ્રીય ગૃહ મંત્રી બુટા સિંહના પુત્ર અરવિંદર સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.