ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા તાજેતરમાં જ શુભારંભ કરવામાં આવેલ બિનચેપી રોગોનાં તપાસથી સારવાર સુધીના “નિરામય ગુજરાત અભિયાન” અંતર્ગત આવરી લેવામાં આવેલ હાયપરટેન્શન, ડાયાબિટીસ, મોઢા, સ્તન અને ગર્ભાશયના મુખનું કેન્સર, કિડનીની બીમારી, એનિમિયા તથા કેલ્શિયમની ઉણપ જેવી ગંભીર બિનચેપી બીમારીઓ માટે તપાસથી સારવાર અર્થે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ કર્મચારીઓ અને તેઓના પરિવારજનો માટે નિરામય ગુજરાત અભિયાન ની:શુલ્ક આરોગ્ય કેમ્પ યોજવામાં આવ્યો હતો.
આજની આધુનિક ઝડપી અને બદલાયેલી જીવનશૈલી, ખાણીપીણીની આદતો, નશીલા પદાર્થોનું સેવન, બેઠાડું જીવન, શારીરિક શ્રમની ઓછી પ્રવૃત્તિઓ, વધતી ઉંમર, વારસાગત કારણો તેમજ જાગૃતતાના અભાવ જેવા કારણોસર બિનચેપી રોગોનું પ્રમાણ ઉત્તરોત્તર વધતા લોકો આવી બીમારીઓથી પીડાતા હોય છે, જેનો લાંબા સમય સુધી ખ્યાલ આવતો નથી. આવા રોગો જીવલેણ અને ઘાતક હોવાથી તેને ઊગતા જ ડામી દેવા, પ્રાથમિક તબક્કે આવા રોગોની તપાસ કરી જરૂરી સારવાર અર્થે જ સરકાર દ્વારા નિરામય ગુજરાત અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જેના ભાગરૂપે જિલ્લા પોલીસ વિભાગ દ્વારા નિરામય ગુજરાત અભિયાન હેઠળ આરોગ્ય કેમ્પનું આયોજન કરાયું હતું.
આ આરોગ્ય કેમ્પમાં પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્રકુમાર બગડિયા, Dy.SPશ્રી પી.કે.પટેલ તેમજ પી.એચ.દોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પી.એસ.આઈ, પોલીસ કર્મચારીઓ, તેમના પરિવારજનો તેમજ તાલુકા કક્ષાના પોલીસ કર્મચારીઓ સહિત કુલ ૪૮૨ જેટલા લોકોની બી.એમ.આઈ. તપાસ, બ્લડ પ્રેશર તપાસ, બ્લડ સુગર તપાસ, હિમોગ્લોબીન તપાસ, યુરીન સુગર આલ્બ્યુમીન તપાસ, લિપિડ પ્રોફાઈલ, લીવર ફંક્શન ટેસ્ટ, સિરમ કેલ્શિયમ તપાસ, ઈ.સી.જી. વગેરે જેવી વિવિધ આરોગ્ય ચકાસણી કરવા સાથે ની:શુલ્ક દવાઓ પણ આપવામાં આવી હતી.
આ કેમ્પ દરમિયાન અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.બી.જી.ગોહિલ ઉપરાંત મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલ-સુરેન્દ્રનગરના તજજ્ઞ નિષ્ણાત ડૉ.જયદીપ ગોસાઈ, ડૉ. મનીષ મુદગલ, ડૉ.તેજલ જોશી, ડૉ. રોની મહેતા, ડૉ.વૈદિક ચૌહાણ, ડૉ. જનવી વ્યાસ, ડૉ.ઝલક પટેલ, ડૉ.સુમિત દુધાગરા, ડૉ.જી.એચ.ગોધાણી, ડૉ. અંકિત શાહ, ડૉ.પ્રિન્સીબા ચુડાસમા, ડૉ.દક્ષાબેન ડાભી સહિતના ડોક્ટર સ્ટાફ તેમજ એન.સી.ડી પ્રોગ્રામના તમામ સ્ટાફ ગણ દ્વારા આ કેમ્પમાં સેવાઓ આપવામાં આવી હતી. વધુમાં આ કેમ્પ સફળ બનાવવા પોલીસ સ્ટાફ ગણ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
સુરેન્દ્રનગર/ નિરામય ગુજરાત અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા ની:શુલ્ક આરોગ્ય કેમ્પનું આયોજન કરાયું
આજની આધુનિક ઝડપી અને બદલાયેલી જીવનશૈલી, ખાણીપીણીની આદતો, નશીલા પદાર્થોનું સેવન, બેઠાડું જીવન, શારીરિક શ્રમની ઓછી પ્રવૃત્તિઓ, વધતી ઉંમર જેવા લક્ષણો જોવા મળે છે