@ જગત કીનખાબવાલા (સ્પેરો મેન)
ગુલમોહર / Hindi: गुलमोहर / Delonix regia / Flame tree / Royal poinciana / Flamboyant / Flame of Forest
લાલ રંગના ફૂલોથી શોભતું, ઉજ્જવલ અને ઝાકઝમાળ સુંદર ફૂલોનું વૃક્ષ એવું બોલો એટલે સહુથી પહેલા વિના સંકોચ ગુલમોહરનું વૃક્ષ યાદ આવે! મૂળ તો મડાગાસ્કર દેશનું લગભગ ૧૯૭૦ના દાયકામાં ભારતમાં વનવિભાગવાળા લઇ આવ્યા. આને ભારતમાં લાવવાનું એક કારણ એવું હતું કે આ દેખાવડુ વૃક્ષ ઝડપથી વૃદ્ધિ પામે છે અને તેટલે ભારતમાં વધારે માત્રામાં વૃક્ષો વાવવાથી છે તેમાં આવા વૃક્ષ વાવવાથી હરિયાળી ઝડપથી લાવી શકાશે!
તેવું કહેવાય છે કે જયારે ભગવાન ઈશુને યાતના આપવામાં આવી રહી હતી ત્યારે તેઓના વધસ્તંભ પાસે એક ગુલમોહરનું નાનું વૃક્ષ હતું અને તે ગુલમોહરના વૃક્ષ ઉપર જયારે તેઓનું લોહી પડ્યું ત્યારે તેમાં જે લાલ રંગ ઉતર્યો ત્યારથી ગુલમોહરના ફૂલ લાલ આવવા માંડ્યા. તેવી રીતે વિયેતનામમાં આ વૃક્ષ ફોનિક્સ ટેઈલ તરીકે ઓળખાય છે. મેં મહિનાથી જુલાઈ મહિના સુધી તેમને ત્યાં ગુલમોહરની ફૂલોની ઋતુ હોય છે અને તે દિવસોમાં શાળામાં વાર્ષિક સત્ર સમાપ્ત થતું હોઈ ગુલમોહરના ફૂલને પ્યુપીલ્સ ફલાવર/ વિદ્યાર્થીઓના ફૂલ તરીકે લોકો ઓળખે છે. વિયેતનામમાં બહુ બધી શાળામાં આ વૃક્ષને શોખથી વિદ્યાર્થીઓના પ્રિય વૃક્ષ તરીકે વાવવામાં આવે છે. મલેશિયાના સેપાન્ગ શહેરના ફૂલ તરીકે તે સ્થાન પામેલું છે. સેન્ટ કિટ્સ દેશનું રાષ્ટ્રીય ફૂલ છે. જમૈકા, કેરેબિયન દેશોમાં તેમજ પોર્ટોરિકોમાં ગુલમોહરને લઈને લોકો ખુબ પેઈટીંગ બને છે.
ગરમ અને ઉષ્ણકટિબદ્ધ એવા વિશ્વના દરેક પ્રદેશમાં તે પહોંચી ગયું છે અને સારી રીતે ઉગે છે. જે જે પ્રદેશમાં પહોંચી ગયું તેવા પ્રદેશે તેને પોતાના વૃક્ષ તરીકે સારી રીતે અપનાવી લીધું છે. ઇજિપ્ત, ઇઝરાયેલ, જોર્ડન, લેબેનોન, ઉત્તર અમેરિકા, સ્પેન, યુરોપના મોટાભાગના પ્રદેશમાં, બરમુડા, હાઈતી, ઉત્તર આફ્રિકાના બધા દેશ, દક્ષિણ એશિયા, મધ્ય પૂર્વ જેવા ઘણા બધા દેશમાં સફળતાથી ઉગે છે અને ખુબજ પ્રસિદ્ધ વૃક્ષ છે. પરંતુ આ વૃક્ષ જંગલ વિસ્તારમાં સફળ નથી થતા અને ખાસ કરીને ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં વધારે જોવા મળે છે.
ગુલમોહરના ફૂલ તેના ડાળીના છેક છેડે ઉગે છે અને પોતાના વજનથી થોડા નીચે લચી પડે છે. ફૂલને ૪ પાંખડી હોય છે જે લગભગ ૮ સેન્ટિમીટર જેટલી લાંબી હોય છે જયારે તેની ૫ મી પાંખડી થોડી પહોળી હોય છે જેમાં સફેદ અને પીળા ટપકા હોય છે, બોલો આટલી બારીકાઈથી ગુલમોહરનું ફૂલ જોયું છે! ગુલમોહરમાં બીજી કેસરી રંગના ફૂલવાળી તેમજ પીળા રંગના ફૂલવાળી જાત પણ હોય છે. આ સદાબહાર, ઘટાદાર અને ખુબ છાંયો આપતું વૃક્ષ દુકાળને પણ સારી રીતે સહન કરી લે છે. આંખોને તેના ફૂલ ઉનાળાની ભારે ગરમીમાં નયનરમ્ય ઠંડક આપે છે. છેવાડે ફૂલ ઉગે છે અને ઘટાદાર વૃક્ષ આખેઆખુ લાલ રંગનું દેખાય છે, જાણે લાલ રંગનું ધાબુ/ અગાસી હોય!
ખુબજ નાના અને વજનમાં ૦.૪ ગ્રામના બીજ હોય પણ તે બીજની સીંગ ખુબ લાંબી ૬૦ સેન્ટિમીટર એટલેકે લગભગ ૨ ફૂટ લાંબી હોય છે. આ સીંગ શરૂઆતમાં લીલા રંગની હોય અને ધીમે ધીમે પાકતા કથ્થઈ રંગની થઇ લાકડાના રંગની થઇ જાય છે. ઝીણાં ૩૦ થી ૪૦ પત્તીના ઝુમખાંથી એક લાંબી સેર બને છે અને તેવી સેર ભેગી થઇ એક લાબું પત્તુ બને છે જેની લંબાઈ ૨૦ થી ૪૦ સેન્ટિમીટર લાંબી હોય છે. રંગે આછા ચમકીલા લીલા રંગની એક નાની ડાળખી બને છે. વસંત ઋતુમાં તેને પાનખર આવે છે. એપ્રિલથી જુલાઈ મહિના સુધી ભારત દેશમાં સારા ફૂલો આવે છે. બીજથી આ વૃક્ષ ઝડપથી ઉગે છે અને ડાળી કલમ પણ થઇ શકે છે. વૃક્ષ ૩ વર્ષનું થાય ત્યારથી ફૂલ બેસવા માંડે છે. ગરમ પ્રદેશમાં થતા શ્રેષ્ઠ ફૂલોવાળા વૃક્ષોમાંનું એક વૃક્ષ છે.
આ વૃક્ષની એક મર્યાદા છે. તેના મૂળિયાં જમીનમાં ખુબ ઊંડે સુધી નથી જતા અને વધારે જમીનની ઉપલી સપાટી અને આડી સપાટીએ વધારે ફેલાય છે. આ કારણે જયારે પવનની આંધી અને વાવાઝોડું આવે ત્યારે જો વૃક્ષ પડી જાય તો સહુથી પહેલા ઉખડી જનારા વૃક્ષમાં ગુલમોહર હોવાની શક્યતા વધારે રહે છે અને તેવા પ્રસંગ બનતા વિયેતનામમાં ઘણી શાળામાં તેને રોપવાનું ઓછું કરી નાખ્યું અથવા જુના વૃક્ષોમાં છટણી કરી આછા કાપી નાખવામાં આવ્યા છે. જ્યાં પાણી ભરાઈ જાય છે ત્યાં આ વૃક્ષ સારા નથી થતા. તેને ગરમ ભેજવાળું વાતાવરણ વધારે માફક આવે છે.
ગુલમોહરના ફૂલ જેટલા દેખાવડા છે તેવીજ રીતે આ વૃક્ષમાં ઘણા બધા આયુર્વેદિક તત્વો અને ગુણ સમાયેલા છે જે વિવિધ રોગના ઉપચાર માટે ઉપયોગી છે. બાળપણમાં બહુ લોકોએ આ ફૂલને ખાધા હશે. તેના ફૂલમાં પોશાક તત્વો સમાયેલા હોય છે. તે ભૂખ ઉઘાડે છે, તેમાંથી અશક્તિ દૂર કરવાની દવા બને છે ,કમળાના રોગનો ઉપચાર થાય છે. તેમાંથી ડાયાબિટીસના રોગની દવા બને છે તેમજ એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ડાયેરિયા, તેમજ શરીરની અંદર આવતા ઇન્ફ્લેમેશન/ સોજા આવે તેને લગતી દવાઓ બને છે. તેમાં ફિનોલિક કમ્પાઉન્ડ હોય છે અને સ્ટીરોઈડ્સ હોય છે.
આ વૃક્ષ એટલું બધું દેખાવડુ છે કે લગભગ દરેક ભાષામાં તેના વિષે ગીત લખાયેલા છે અને વિવિધ જગ્યાએ ગુલમોહર નામ તરીકે મકાન, સોસાયટી વગેરે માટે વપરાતું જોવા મળે છે. લેખકો અને કવિઓમાં ગુલમોહર આગવું સ્થાન ધરાવે છે. તેના નામે કાવ્ય સંગ્રહ, વાર્તા સંગ્રહ અને ગીતમાલા પણ પ્રચલિત છે.
(ફોટોગ્રાફ્સ: જગત કીનખાબવાલા, કિરણ શાહ, મુકેશ શ્રીમાળી)
આવો કુદરતના ખોળે, નિરાંત અનુભવીએ. સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો