રાજ્યમાં કોરોનાની વકરતી જતી પરિસ્થિતિની વચ્ચે રાજ્ય સરકાર દ્વારા ચાર મહાનગરોમાંરાત્રી કર્ફ્યુ લંબાવવામાં આવ્યો છે, જ્યારે ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા સાવચેતીના ભાગરૂપે ત્રીજા ટેસ્ટ મેચ થી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દર્શકો વિના રમાડવાનો નિર્ણય એકાએક કરવામાં આવતા ઘણા બધા દર્શકોને નિરાશ થયા હતા. કેટલા તો અન્ય રાજ્યોમાંથી મેચ જોવા આવનાર દર્શકોને ભારે નિરાશાનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ માટે બુક કરવામાં આવેલી ટિકિટનું આજથી રિફંડ કરવામાં આવશે.ગુજરાત ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખ ધનરાજ નથવાણીએ જણાવ્યું હતું કે, જીસીએ દ્વારા રીફંડની પ્રક્રિયા આજે તા.17થી શરૂ કરવામાં આવશે અને 22 માર્ચના રોજ પૂર્ણ કરવામાં આવશે. ઓનલાઇન અથવા ઓફલાઇન બૂક કરવામાં આવેલી તમામ ટિકિટનું રીફંડ આપવામાં આવશે.
આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે ગુજરાત ક્રિકેટ એસોસિએશન (જી.સી.એ.) દ્વારા બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બી.સી.સી.આઇ.) સાથે પરામર્શ કરીને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર માર્ચ 16, 18 અને 20 ના રોજ રમાનારી ટી -20 ઇન્ટરનેશનલ મેચ માટે બૂક કરવામાં આવેલી ટિકિટનું રીફંડ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોનાના વધતા કેસોને કારણે દર્શકો વગર આ મેચ રમાડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જેનું આજથી રિફંડ આપવામાં આવશે.
આ રીતે રીફંડ અપાશે
ઓનલાઇન બુક કરવામાં આવેલી ટિકિટની મૂળ કિંમત (ફેસવેલ્યુ) જે એકાઉન્ટ અને જે મોડથી ટિકિટ ખરીદવામાં આવી હશે તે પ્રમાણે રીફંડ કરવામાં આવશે. રીફંડ પ્રક્રિયા તા.17 ના રોજ બપોરે 3 વાગ્યાથી શરૂ થશે અને માર્ચ 22ના રોજ સાંજે 4 વાગ્યા સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.
ઓફલાઇન મોડથી બૂક કરવામાં આવેલી ટિકિટના રીફંડની પ્રક્રિયા તા.18 માર્ચથી 22 માર્ચ સુધી સવારે 10 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી કરવામાં આવશે. ઓફલાઇન બૂક કરવામાં આવેલી ટિકિટનું રિફંડ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગેટ નંબર 1 પર આવેલી બોક્સ ઓફિસમાંથી આપવામાં આવશે.
ઓફલાઇન મોડથી બૂક કરવામાં આવેલી ટિકિટનું રીફંડ તેની છાપેલી કિંમત (ફેસવેલ્યુ) મુજબ જેન્યુઈન – ઓરિજનલ ટિકિટ અને રીફંડ લેનાર વ્યક્તિનું ફોટો સાથેનું માન્ય ઓળખપત્ર રજૂ કરવાથી આપવામાં આવશે. ફિઝકલ ટિકિટની ચકાસણી ટિકિટ પર આવેલા સિક્યોરીટી ફિચર્સને આધારે કરવામાં આવશે.
કોમ્પ્લીમેન્ટરી ટિકિટ માટે રીફંડ લાગુ પડશે નહીં. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગેટ નંબર 1 પર આવેલી બોક્સ ઓફિસ પર કોવિડ -19 માર્ગદર્શિકાઓ જેવી કે સોશયલ ડિસ્ટન્સિંગ , માસ્ક અને સેનેટાઇઝેશનનું સખ્તાઇથી પાલન કરવામાં આવશે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…