જી-૨૩ નેતાઓએ કોંગ્રેસ નબળી પડી રહી હોવાની કાશ્મીરની જમીન પરથી કહેલી વાતની અવગણના થશે તો પછી ભવિષ્યમાં એક હતી કોંગ્રેસની સ્થિતિ નિર્માણ થશે
@ હિંમત ઠક્કર, ભાવનગર
૧૩૪ વર્ષ જુની અને એક જમાનામાં દેશમાં ચક્રવર્તી શાસન જેવું શાસન કરનાર કોંગ્રેસ પક્ષ માટે અત્યારે સારા દિવસો નથી. જ્યાં હોય ત્યાં પતન, બળવાખોરી પક્ષ પલ્ટો અને અણઆવડતનો ભોગ બનવું પડે છે મોટા ભાગના રાજ્યો તો ઠીક પરંતુ આગેવાનો પણ અટકી ગયા છે. સોશ્યલ મીડિયામાં તો એવી વાતો પણ આવે છે કે કોંગ્રેસ પતી ગયેલી પાર્ટી છે. અને ભાજપ કમાઈ ગયેલી પાર્ટી છે. જોકે ઘણા એવો સુધારો પણ કરે છે સાવ પતન થયું નથી એટલે કોંગ્રેસનું પતન થઈ રહ્યું છે. જ્યારે ભાજપ ગ્રાઉન્ડ સ્તરેથી દિલ્હી સ્તર સુધી કમાઈ રહેલી પાર્ટી છે દેશના જે બે મુખ્ય પક્ષો હાલ કહેવાય છે તેમાંના એક પક્ષે સેવાના ફળ રૂપે મેવા ખૂબ ખાઈ લીધા છે તો બીજો પક્ષ અત્યારે સેવાના પક્ષરૂપી મેવા ખાઈ રહ્યો છે.
જાણીતા રાજકીય વિશ્લેષક પ્રો. હરિ દેસાઈ કોઈપણ ચર્ચા દરમ્યાન હંમેશા કહે છે કે ભાજપ અને કોંગ્રેસનું ગોત્ર એક જ છે. (જો કે તેમનો ઈશારો એક બીજા પર આક્ષેપબાજી કરતા કોંગ્રેસ અને ભાજપના પ્રવક્તાઓ તરફ હોય છે) તેઓ આધારભૂત વાતો સાથે કહેતા હોય છે કે આરએસએસના વડા હેડગેવર અને ભાજપનું જેમાંથી સર્જન થયું છે જનસંઘના સ્થાપક ડો.શ્યામા પ્રસાદ મુખરજી પણ મૂળ કોંગ્રેસી હતા. જો કે ગુજરાતના પ્રધાન મંડળમાં પૂર્વ કોંગ્રેસી સભ્યો કેટલા છે ? તેનો આંક અને અન્ય સ્થળોએ ભાજપ સરકારમાં મહત્વના હોદ્દાઓ ભોગવતા નેતાઓની યાદી વાંચીએ તો આપણને તરત જ ખ્યાલ આવી જાય કે ભાજપનું કોંગ્રેસીકરણ થઈ ગયું છે. ભાજપના નેતાઓ કોંગ્રેસ કે વિપક્ષ મુક્ત ભારતની લોકશાહી વિરોધી કહી શકાય અથવા તો રાજ્ય વિશ્લેષકો જેને બિનલોકશાહી વાત કહે છે તે વાતને ઉલટાવીને ઘણા કહે છે કે દેશ કે ગુજરાતમાં કોંગ્રેસમુખ્ય બને કે ન બને પણ ભાજપ કોંગ્રેસયુક્ત બની ગયું છે.
આથી ૬ માસ પહેલા કોંગ્રેસના ઈન્ચાર્જ રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીને પત્ર લખીને પક્ષમાં કાયમી પ્રમુખ કાયમી કારોબારીની અને ચૂંટણી દ્વારા જ પક્ષના સંગઠનની રચના કરવાની માગણી કરનારા જી-૨૩ જૂથના નામે ઓળખાતા કપીલ સીબ્બલ, ગુલામનબી આઝાદ, આનંદ શર્મા સહિતના ૨૩ નેતાઓ જમ્મુ કાશ્મીરમાં શાંતિ સંમેલનના ઓઠા નીચે એકઠા થયા અને આ નેતાઓએ પોતાની વાત વધુ મજબુત બનાવી, આ તમામ ૨૩ નેતાઓ કપીલ સીબ્બલ, ગુલામનબી આઝાદ, આનંદ શર્મા, હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હડ્ડા, રાજબબ્બર અને વિવેક તન્ખા વિગેરે છે.
આ બેઠકમાં ભાજપને કાનૂની જંગ હોય કે અન્ય કોઈ ક્ષેત્ર હોય તેમાં તેને ભીંસમાં લેવાની એક પણ તક જતી ન કરનાર કપીલ સીબ્બલ કહે છે કે પક્ષ નબળો પડી રહ્યો છે. તેથી અમે ભેગા થયા છે. કપીલ સીબ્બલે કહ્યું કે આઝાદના અનુભવનો લાભ લેવાયો નથી. આઝાદ હવાઈ જહાજ ચલાવનાર અનુભવી એન્જિનીયર છે તેઓ દરેક જિલ્લાની હાલત જાણે છે. જ્યારે હમણાં જ રાજ્યસભામાંથી નિવૃત્ત થયેલા ગુલામનબી આઝાદ કહે છે કે હું રાજકારણમાંથી નિવૃત્ત થયો નથી અમારા લોકો માટેની લડાઈ ચાલુ રહે છે કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રી મનીષ તીવારી પણ ભાજપ પર સીધુ નિશાન સાધી જમ્મુ કાશ્મીર વિભાજનનો વિરોધ કરે છે. રાજસભાના પૂર્વ સાંસદ અને યુપી કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાજબબ્બર કહે છે કે અમને જી-૨૩ કહેનારાઓને હું કહું છું કે અમે ગાંધી -૨૩ છીએ.
ગુલામનબી આઝાદ માટે બીજા પક્ષના નેતાઓ બેઠક છોડવા તૈયાર છે ત્યારે કોંગ્રેસનું હાલનું મોવડીમંડળ તેની ઉપેક્ષા શા માટે કરી રહ્યું છે ? રાહુલ ગાંધીએ તાજેતરમાં ઉત્તર ભારતની ટીકા કરી એ દક્ષિણ ભારતના વખાણ કરતાં જે વિધાનો કર્યા તે અંગે ભાજપના નેતાઓને તો જાણે કે એક મુદ્દો મળી ગયો હોય તેમ તેના પર કાયદેસર રીતે તૂટી પડ્યા છે. કાશ્મીરમાં એકઠા થયેલા આ સિનિયર નેતાઓ પણ એવું માને છે કે કોંગ્રેસનું વલણ સર્વધર્મ ભાવના અને સામાજિક અને પ્રાદેશિક એકતાનું છે ત્યારે આવા કોઈ વિધાનોની જરૂર ન હોતી આ નેતાઓ નહેરુ – ગાંધી પરિવારના વિરોધી નથી. તેમાંના કેટલાક તો પ્રબળ સમર્થકો છે અને કટોકટી વખતે પણ કોંગ્રેસની સાથે ઉભા રહ્યા હતા. તેઓ પૈકી કોઈએ ક્યારે પણ એમ કહ્યું નથી કે અમારે શ્રીમતી સોનિયા ગાંધી, રાહુલ ગાંધી પ્રમુખ તરીકે ન જોઈએ તેમણે તો પક્ષના કાયમી પ્રમુખની વાત કરી છે.
કોંગ્રેસના આગેવાનોની આ વાત હૈયા સોસરવી ઉતરી જાય તેવી છે. જો કે ગાંધી પરિવારને વફાદાર ગણાતા કોંગ્રેસી નેતા એડવોકેટ અભિષેક મનુ સિંઘવી એવું કહે છે કે જો આ કોંગ્રેસી નેતાઓ કોંગ્રેસને મજબૂત બનાવવા માંગતા હોય તો નિષ્ઠાપૂર્વક પક્ષને મજબૂત બનાવવાની કામગીરીમાં લાગી જવું જોઈએ. અને પાંચ રાજ્યોની ચૂંટણીમાં પક્ષની સ્થિતિ સુધારીને તેને મજબૂત બનાવી પક્ષ પ્રત્યેની વફાદારી બનાવવી જોઈએ. એક વાત નક્કી છે કે આ જી-૨૩ જૂથના ગણાતા વરિષ્ઠ નેતાઓએ પક્ષના મોવડી મંડળને આયનો બતાવ્યો છે અરીસો બતાવ્યો છે અને સાથો સાથ એમ કહેવાનો પણ પ્રયાસ કર્યો છે કે કોંગ્રેસ નબળી પડે તે પક્ષના હિતમાં તો નથી જ પરંતુ સાથો સાથ દેશના હિતમાં નથી. જેમની ગાંધી પરિવારના વફાદારો ટીકા કરે છે તે પૂર્વ કેન્દ્રીય મંત્રી કપીલ સીબ્બલે તો પક્ષના ભંડોળમાં કોઈપણ કોંગ્રેસી નેતા કરતાં વધુ એટલે કે રૂા.૩ કરોડનું દાન આપ્યું છે અને તેમને મહત્વ અપાય તો તે મરહુમ અહમદ પટેલની જેમ જ પક્ષના ફંડ રેઈઝર પણ બની શકે તેમ છે. વરિષ્ઠ નેતાઓની સલાહ નહિ માનનાર પક્ષનું પતન થાય છે તેવા ભૂતકાળમાં એક નહિ પરંતુ અનેક દાખલા બન્યા છે.
જો કે આ નેતાઓએ ગુજરાતની સ્થાનિક ચૂંટણીના પરિણામોમાં કે ગુજરાતમાં ૨૦૧૪ બાદ કોંગ્રેસી નેતાઓના પક્ષપલ્ટાનો ઉલ્લેખ કર્યો નથી પણ દેશમાં કોંગ્રેસ નબળી પડી રહી છે તે વાતમાં તેઓએ ઘણું બધુ કહી દીધું છે. ઘણા લોકો અને તેમાંય ગાંધી નહેરુ પરિવારને વફાદાર અને તેમના હજુરીયા કે ચમચાની વ્યાખ્યામાં આવતા કોંગ્રેસી નેતાઓ આ જી-૨૩ નેતાઓ સામે બળાપા કાઢતા થઈ ગયા છે. તેવા પરિબળો જ કોંગ્રેસને નબળી પાડવાનો અથવા તો કોંગ્રેસના અસ્તિત્વ પર ખતરો ઉભો કરી રહ્યા છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને જે ધોબી પછડાટ મળી ત્યારબાદ પક્ષને તત્કાલીન પ્રમુખ રાહુલ ગાંધીએ જવાબદારી સ્વીકારી રાજીનામું આપ્યું ત્યારથી એટલે કે લગભગ પોણા બે વર્ષથી શ્રીમતી સોનિયા ગાંધી કોંગ્રેસના ઈન્ચાર્જ રાષ્ટ્રીય પ્રમુખ તરીકેનો હવાલો સંભાળે છે.આ સૌથી જૂના રાજકીય પક્ષ માટે જરા પણ ગૌરવ લેવા જેવી ઘટના નથી. આના જેવી શરમજનક વાત બીજી કોઈ હોઈ શકે જ નહિ કોંગ્રેસની જૂથબંધી અને ટાંટિયા ખેંચ અને સારા મજબૂત અને જનાધાર ધરાવતી નેતાઓને પક્ષમાં સાચવી નહિ શકવાની અણઆવડતના કારણે તો ગુજરાતમાં અને દેશમાં ભાજપ મજબૂત બન્યો છે.
સ્વાતંત્ર્ય જંગમાં જે પક્ષની કોઈ ભૂમિકા નથી. આતંકવાદ સામેની લડાઈમાં જે પક્ષનો કોઈ નેતા શહિદ થયો નથી. આતંકવાદને ડામવાનું માત્ર માર્કેટીંગ વધુ કર્યું હોવાની વાતો જે પક્ષ (ભાજપ) સામે થાય છે તે પક્ષ હકીકતમાં તો કોંગ્રેસની નબળાઈનો લાભ ઉઠાવીને મજબુત બન્યો છે. કોંગ્રેસ વિપક્ષ તરીકે મજબુત લડત આપી શકી નથી. માટે ભાજપ મજબૂત બન્યો છે ઘણા સ્થળે તો કોંગ્રેસ વિપક્ષ તરીકે પણ યોગ્ય વિકલ્પ પૂરો પાડી ન શકનાર પક્ષ સાબિત થતાં ભાજપ મજબૂત બન્યો છે.