અમદાવાદના જમાલપુરમાં ગુરુવારે થયેલી હત્યાના મામલે ગાયકવાડ હવેલી પોલીસના સિનિયર પીઆઇ સાજીદ બ્લોચ અને તેમની ટીમના પીએસઆઇ શીંગરથિયા સહિતના સ્ટાફે ગણતરીના કલાકોમાં જ આરોપીને દબોચી લઈને તેની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પકડાયેલા આરોપીની સાથે પોલીસે હત્યાનું કારણ મેળવાની તજવીજ હાથ ધરી હતી કે હત્યા કરવા પાછળનું આરોપીનો ઉદ્દેશ શું હતો. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદના જમાલપુરમાં નજીવી તકરાર થતાં ચિરાગ કાપડીયા નામના ઈસમે એક વ્યકિતને છરીના ઘા ઝીંકીને તેમની હત્યા કરી દેતા સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ હતી.
પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, તોસિફ કાદરી નામના વ્યક્તિએ ગાયકવાડ હવેલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં તેમણે લખાવ્યું હતું કે રમેશભાઈ નામની વ્યકિતને ચિરાગ કાપડીયા નામના ઈસમે ઉપરાછાપરી છરીના અનેક ઘા મારી દેતા તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવ બન્યા બાદ આરોપી ઘટનાસ્થળેથી નાસી ગયો હતો. જે મામલે તોસીફ ભાઈએ ગાયકવાડ હવેલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાની ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.