Gujarat News : ગોંડલના જ્યોતિરાદીપસિંહ ઉર્ફે ગણેશ ગોંડલ સહિત અન્ય 5 આરોપી સામે જૂનાગઢ A ડિવિઝન પોલીસે મથકે આઈપીસીની વિવિધ કલમો તેમજ એટ્રોસિટી એકટની કલમ 3(2)(5) મુજબ ફરિયાદ નોંધાઈ હતી. એ સંદર્ભે જ્યોતિરાદીપસિંહ સહિત 5 લોકોએ જૂનાગઢની કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી મૂકી હતી, જેને કોર્ટે ફગાવી દેતાં હવે જ્યોતિરાદીપસિંહ ઉર્ફે ગણેશ ગોંડલ હાઈકોર્ટ પહોંચ્યો હતો. ત્યારે હાઈકોર્ટ દ્વારા ગણેશ ગોંડલને 10 હજારના બોન્ડ પર શરતી જામીન આપવામાં આવ્યા છે તેમજ 6 મહિના સુધી જૂનાગઢમાં પ્રવેશ નહીં કરવાનો હુકમ ફરમાવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગણેશ જાડેજા છેલ્લા 4 મહિનાથી જૂનાગઢની જેલમાં બંધ હતો.
30 મેના રોજ જૂનાગઢ NSUIના પ્રમુખ સંજય સોલંકી સાથે જૂનાગઢમાં વાહન ચલાવવા જેવી મામૂલી બાબતે ગણેશ જાડેજા અને તેની સાથે રહેલા શખસોએ સંજય સાથે મારામારી કરી હતી અને તેનું અપહરણ કરી ગોંડલ લઈ ગયા હતા. સંજયને ઢોરમાર માર્યા બાદ વીડિયો બનાવવામાં આવ્યો હતો. આ મામલે ગણેશ જાડેજા સહિત 11 આરોપી સામે અપહરણ, મારામારી, હત્યાની કોશિશ, એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. એમાં પોલીસે તમામ 11 આરોપીને ઝડપી જેલહવાલે કરવામાં આવ્યા હતા.અપહરણ, મારામારી, હત્યાની કોશિશ, એટ્રોસિટી સહિતના ગુનામાં ઝડપાયેલા ગણેશ જાડેજા ઉપરાંત જયપાલસિંહ જાડેજા, ઈન્દ્રજિતસિંહ, દિગપાલસિંહ, પૃથ્વીરાજસિંહ દ્વારા જામીન પર મુક્ત થવા માટે જૂનાગઢ કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી. એના પર બંને પક્ષોની દલીલો બાદ કોર્ટ દ્વારા જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી.
ભોગ બનનાર સંજય રાજુભાઈ સોલંકીએ ફરિયાદ આપતાં જણાવ્યું હતું કે હું અને મારો છોકરો 30 મેના રોજ રાત્રે કાળવાચોકમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કાળુભાના પૂતળા પાસે પહોંચતાં પાછળથી એક ફોર-વ્હીલર કાર એકદમ સ્પીડમાં આવી અને મારી નજીક પહોંચી બ્રેક મારી હતી, જેથી મેં કારચાલકને વ્યવસ્થિત ચલાવવાનું કહેતાં તે લોકોએ ઝઘડો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મારો છોકરો મારી સાથે હોઈ મેં કહ્યું હતું કે હું મારા છોકરાને ઘરે મૂકીને આવું છું. ત્યાર બાદ હું મારી બાઈક લઈને ત્યાંથી રવાના થઈ ગયો હતો અને મારા ઘર પાસે પહોંચતાં આ ફોર-વ્હીલ કારનો ચાલક અને તેની સાથે બીજી એક ફોર-વ્હીલ કાર મારી પાછળ મારા ઘર પાસે આવી હતી. આ બંને કારમાંથી આશરે 10 જેટલા માણસો નીચે ઊતર્યા હતા અને મારી સાથે ઝઘડો કરવાની તૈયારીમાં હતા. એવામાં મારા પિતા આવી ગયા હતા. આ કારમાં એક માણસ બેઠો હતો, જેને જોતાં આ માણસ ગોંડલનો ગણેશ જયરાજસિંહ જાડેજા હતો.તેને હું ઓળખી ગયેલો અને તેની સાથે તેના બીજા માણસો હતા તેને હું ઓળખતો નથી, પરંતુ મને બતાવવામાં આવે તો જોઈને ઓળખી શકું છું.
ત્યારે ગણેશ જાડેજાને મારા પિતા ઓળખતા હોવાથી અમારા વચ્ચે મારા પિતાએ સમાધાન કરાવેલું અને આ લોકો જતા રહ્યા હતા. ત્યાર બાદ હું રાત્રિના સમયે મારા ઘર પાસેથી બાઈક પર જઈ રહ્યો હતો ત્યારે આ લોકો ફરી પોતાની ફોર-વ્હીલ કારમાં ધસી આવ્યા હતા અને મારી મોટરસાઇકલને ટક્કર મારી મને નીચે પછાડી દીધો હતો. કારમાંથી પાંચેક શખસે નીચે ઊતરી મને લોખંડની પાઈપ વડે મારવા લાગ્યા હતા. તેની પાછળ પણ બે કાર આવી હતી. એમાંથી પણ માણસો નીચે ઊતર્યા હતા અને મને ઉપાડીને કારમાં બેસાડી દીધો હતો અને કારને ગોંડલ બાજુ લઈ ગયા હતા.
સંજય સોલંકીએ ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે રાત્રિના સમયે ગોંડલમાં એક અવાવરૂ વાડી વિસ્તારમાં લઈ ગયા હતા અને ત્યાં નીચે ઉતાર્યો હતો. ત્યારે ગણેશ જાડેજા અને તેના માણસો હાજર હતા. આ લોકોએ મને માર મારતા હતા અને મારી જાતિ વિશે ખરાબ ટિપ્પણીઓ કરી હતી. ત્યાર બાદ ગણેશે મને પાછો તેની કારમાં બેસાડી દીધો હતો અને ગોંડલ તેના ઘરે ગણેશગઢમાં લઈ ગયા હતા. ત્યાં પણ પાંચ-છ માણસો હાજર હતા. ત્યારે ગણેશના માણસોના હાથમાં પિસ્તોલ જેવાં હથિયાર અને લોખંડની પાઈપ હતી. આ ગણેશ જાડેજાના માણસો મને તેની ઓફિસમાં લઈ ગયેલા અને તેના કહેવાથી તેના માણસોએ મારાં કપડાં કાઢી નાખ્યાં હતાં. મને આડેધડ ઢીકાપાટુનો માર માર્યો હતો અને તેનો વીડિયો તેના મોબાઈલમાં ઉતારી લીધો હતો અને મારી પાસે માફી મગાવેલી અને કહેલું કે જૂનાગઢ NSUI કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેજે અને આ બાબતે જો તું ફરિયાદ કરીશ તો તને જાનથી મારી નાખીશું એમ ધમકી આપી હતી. ત્યારે મેં આ લોકો પાસે માફી માગેલી, જેથી તેમણે મને પાછો એક ફોર-વ્હીલ કારમાં બેસાડી દીધો અને જૂનાગઢ-ભેંસાણ ચોકડી કિયાના શોરૂમ પાસે ઉતારીને જતા રહ્યા હતા.
આ પણ વાંચો:સગીરા પર દુષ્કર્મ નહીં ગેંગરેપ થયો છે કાર્યવાહી નહીં કરો તો આંદોલનની ચીમકી
આ પણ વાંચો:ગુજરાતમાં ચાલુ બસે મહિલા સાથે દુષ્કર્મ, પુત્રને મારી નાખવાની આપી હતી ધમકી
આ પણ વાંચો:વડોદરામાં દુષ્કર્મ આચરનારા ભાજપ કાર્યકરની ઓડિયો ક્લિપ વાઇરલ