UK ના વડાપ્રધાન બોરિસ જોન્સન આજે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેઓએ આજે ગાંધીનગર સ્થિત દેશની સૌ પ્રથમ ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જીતુભાઇ વાઘાણી પણ જોડાયા હતા.
બોરિસ જોન્સન યુનિવર્સિટી ખાતે પધાર્યા ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમનું સ્વાગત કર્યુ હતું. ત્યારબાદ યુનિવર્સિટીની વિવિધ સુવિધાઓનું જોન્સને નિરીક્ષણ કર્યુ હતું અને મુખ્યમંત્રીએ તેમને વિસ્તૃત માહિતી આપી હતી.
બોરિસ જોન્સનની મુલાકાત બાદ મીડિયાને વિગતો આપતા સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલી આ યુનિવર્સિટી સંશોધનો અને ટેક્નોલોજી ક્ષેત્રે ભારતનું હબ બનશે અને વૈશ્વિક નામના મેળવશે એ ભારત અને ગુજરાતનું ગૌરવ છે.
વાઘાણીએ કહ્યું કે ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ સાથે કોલોબોરેશન કરવામાં આવ્યું છે જે રાજ્યની રિસર્ચ પ્રોફાઈલને મજબૂત કરશે અને એક ઇન્ટરનેશનલ કક્ષાના સ્ટાન્ડર્ડ રાજ્યમાં ઉપલબ્ધ થશે જે રાજ્યના યુવા વૈજ્ઞાનિકોને પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કરશે.
બાયોટેકનોલોજીના ક્ષેત્રમાં મોંઘા સાધનો અને અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવા પુષ્કળ મૂડી રોકાણની જરૂરિયાત હોય છે ત્યારે ગુજરાત બાયો ટેકનોલોજી યુનિવર્સિટી પ્રોડક્ટ ડેવલપમેન્ટ માટે વિદ્યાર્થીઓને શરૂઆતથી જ વિશ્વકક્ષાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર પુરુ પાડશે.
જીતું વાઘાણીએ કહ્યું કે PM મોદી ની પ્રેરણાથી બાયોટેકનોલોજી ક્ષેત્રે રિસર્ચ એન્ડ સ્ટાન્ડર્ડ માટે જે વર્ષોથી ભારતમાં રાહ જોવાઈ રહી હતી એ આજે પૂર્ણ થઈ છે. આ યુનિવર્સિટીમાં વૈશ્વિકસ્તરનું વાતાવરણ ઉપલબ્ધ થશે. આ યુનિવર્સિટી ખાતે આગામી સમયમાં આધુનિક ટેકનોલોજીથી સજ્જ ટેકનિકલ ટેસ્ટિંગ ફેસિલિટિ, કન્ટેઇન્ટમેન્ટ ગ્રીનહાઉસ અને રિસર્ચ બિલ્ડીંગ માટેની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવશે. ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીની ઉચ્ચ શિક્ષણની યોજના માટે જીવંત પ્રયોગશાળા હશે. આ મોડેલ સમગ્ર ભારતમાં આદર્શ મોડેલ હશે. જીબીયુથી ઉચ્ચ શિક્ષણમાં યુકે અને ભારત વચ્ચે ઊંડા અને અર્થપૂર્ણ ભાગીદારી માટે અગ્રતા સ્થાપિત થશે.
યુકેના વડાપ્રધાનની જીબીયુની મુલાકાત સમગ્ર ભારત અને યુકેમાં શિક્ષણ, વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં આંતરરાષ્ટ્રીય સહયોગ માટેની નોંધપાત્ર તકને પ્રકાશિત કરશે. ગુજરાત બાયોટેક્નોલોજી યુનિવર્સિટી જીવનપર્યંત વિજ્ઞાન ક્ષેત્રે ગુજરાતના વિકાસને આગળ ધપાવતા એન્જિનનો એક ભાગ બનશે. જે ઉદ્યોગ માટે તૈયાર પ્રતિભા, એક નવીન ઇકોસિસ્ટમ અને રિસર્ચ ક્ષેત્રે મૈત્રીપૂર્ણ સંસ્થાકીય ભાગીદારી પ્રદાન કરશે.
જીબીયુ ખાતે બાયોટેકનોલોજીની એનીમલ, મેડિકલ એન્વાયરનમેન્ટ. ઇન્ડસ્ટ્રીયલ અને પ્લાન્ટ બાયોટેકનોલોજી જેવી વિવિધ શાખાઓ ઉપલબ્ધ છે. જીબીયુના વધુ વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા પૂરતા નાણા ફાળવીને આ યુનિવર્સિટી વધુને વધુ નામના પ્રાપ્ત કરી ભવિષ્યમાં સંશોધનો માટે વૈશ્વિક રીતે ગુજરાતનું નામ રોશન કરે તેવા પ્રયાસો રાજ્ય સરકાર હાથ ધરશે.
આ પ્રસંગે મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, મુખ્ય સચિવશ્રી પંકજકુમાર, સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના સચિવ શ્રી વિજય નેહરા, યુનિવર્સિટીના રજિસ્ટ્રારશ્રી સચિન ગુસીયા સહિત પ્રાધ્યાપકો, તજજ્ઞો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.