ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં વધુ એક વખત ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે ફરીથી સત્તાના સોગઠા ગોઠવવાનો તખતો તૈયાર થઈ રહ્યો છે. અગાઉ વટવા જૂથ અને નરોડા જૂથ આમને સામને હતા પણ ગત વર્ષે આ બંને જૂથ એક થઈ જતા હવે આ વર્ષે ચૂંટણીમાં રસાકસીભર્યો જંગ દેખાઈ રહ્યો નથી. તેમ છતાં ચેમ્બરના કહેવાતા માંધાતાઓ પોતપોતાના પ્યાદા ગોઠવવા માટે સક્રિય થયા છે.
ગુજરાત ચેમ્બર ની ચૂંટણી ની જાહેરાત થતાં જ ચેમ્બરના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. 17 ઓગસ્ટથી ફોર્મ ભરવાની શરુઆત થવાની છે અને 18 સપ્ટેમ્બરના રોજ ચૂંટણી યોજાવાની છે. ચૂટણી કાર્યક્રમ જાહેર થતાં જ ચેમ્બરના પડદા પાછળના કસબીઓ પોતપોતાના પ્યાદા ગોઠવવા સક્રિય થઈ ગયા છે. બીજી બાજુ ચૂંટણી લડવા ઈચ્છુક મુરતિયાઓએ પણ કસબીઓ સુધી લોબિંગ શરુ કરી દીધુ છે. આ વખતે ચૂંટણી પહેલા ચેમ્બરનો આંતરિક માહોલ સમજવાનો પ્રયાસ કરીએ તો ચેમ્બરમાં વટવા અને નરોડા જૂથનુ પ્રભુત્વ છે. વટવા જૂથના આગેવાન એટલે વર્તમાન પ્રમુખ નટુભાઈ પટેલ અને નરોડા જૂથના આગેવાન એટલે પૂર્વ પ્રમુખ શૈલેષ પટવારી. બંને જૂથના આગેવાનો હવે ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત બાદ સક્રિયતા તરફ આગેકૂચ કરી રહ્યા છે. ચેમ્બરના સૂત્રોના જણાવ્યા મુજબ શૈલેષ પટવારી તેમના પુત્ર અને વર્તમાન સેક્રેટરી પથીક પટવારીને સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ અથવા વાઈસ પ્રેસિડેન્ટ પદ માટે મેદાનમાં ઉતારવા માગે છે. સાથે જ સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ પદ માટે શૈલેષ પટવારી તેમના માનીતા યોગેશ પરીખને પણ આગળ કરી રહ્યા છે. ડાયઝ એન્ડ કેમિકલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા યોગેશ પરીખ GDMAના પૂર્વ પ્રમુખ છે અને શ્રી વૈષ્ણવ વણિક સમાજમાં અમદાવાદ ખાતેના પ્રમુખ છે. આ જ સંસ્થામાં શૈલેષ પટવારી ટ્રસ્ટી છે.
નટુભાઈ પટેલના જૂથની વાત કરીએ તો તેઓ સનિયિર વાઈસ પ્રેસિડેન્ટ પદ માટે મિહીર પટેલને મેદાનમાં ઉતારવા માગે છે. મિહીર પટેલ પૂર્વ પ્રમુખ સ્વ.શંકરભાઈ પટેલની નજીક ગણાય છે. સ્વ.શંકરકાકાના પુત્ર અંકીત પટેલ પણ આ ચૂંટણીમાં પડદા પાછળ સક્રિય થયા છે. ચેમ્બરની ચૂંટણી નજીક આવતા જ પડદા પાછળના જૂના કસબીઓ પણ સક્રિય થઈ જાય છે. જેમાં ડો. મયુર દેસાઈ, ગિરીશ દાણી અને પૂર્વ પ્રમુખ દુર્ગેશ બુચનો પણ સમાવેશ થાય છે. આ તમામ કસબીઓ પાસે હાલ તો ચૂંટણી લડવા ઈચ્છુક મુરતીયાઓ લોબીંગ કરવા પહોંચી રહ્યા છે.
જાેકે આ વખતે ચૂંટણી રસપ્રદ કદાચ એટલા માટે નહી બને કારણકે વટવા અને નરોડા જૂથ એક રીતે જાેઈએ તો હવે આમનેસામને નહી પણ સાથે સાથે ચાલે છે. ગત વર્ષની ચૂંટણીમાં જયેન્દ્ર તન્નાએ તમામ હોદ્દેદારો સામે મોરચો માંડતા વટવા અને નરોડા જૂથ એક થઈ ગયા હતા અને તે એકતા આ ચૂંટણીમાં પણ બરકરાર રહી હોવાનું ચેમ્બરના સૂત્રો જણાવી રહ્યા છે. જયેન્દ્ર તન્ના હવે ગુજરાત ચેમ્બરથી અલગ થઈ ગયા છે. ચેમ્બર હવે વ્યાપારીઓની નહી પણ કોર્પોરેટ કંપનીઓ અને ઉદ્યોગપતિઓની જ થઈને રહી ગઈ છે તેવા આક્ષેપ સાથે તેમણે ચેમ્બરથી છેડો ફાડીને વ્યાપારીઓના પ્રશ્નો માટે અમદાવાદ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ વેલફેર ફાઉન્ડેશનની સ્થાપના કરી છે. આવા સંજાેગોમાં કોઈ પ્રતિસ્પર્ધી નહી હોવાના નાતે આ વખતની ચેમ્બરની ચૂંટણી રસાકસીભરી નહી રહે તેમ લાગી રહ્યુ છે. બંને જૂથ હવે પેનલ બનાવશે કે પછી ઈલેકશનના બદલે સિલેકશનથી જ કામ પતાવશે તે પણ જાેવાનુ રહે છે. જાે સિલેકશનથી કામ પતાવવાનો નિર્ણય લેવાય તો બંને આગેવાનો પૈકી કોણ મેદાન મારી જાય છે તે જાેવું વધુ રસપ્રદ થઈ પડશે.
સિનિયર વાઈસ અને વાઈસ પ્રેસિડેન્ટ પદ તેમજ સેક્રેટરીપદ માટેના ઉમેદવારો પર નજર કરીએ તો આ વખતે યોગેશ પરીખ, મિહીર પટેલ, મદનલાલ જયસ્વાલ, સંજીવ છાજડ, ભાર્ગવ ઠક્કર, ગૌરાંગ ભગત સહિતના ઉમેદવારો હોવાનુ હાલના તબક્કે સામે આવી રહ્યુ છે. જાેકે ઉમેદવારો ગમે તે જૂથના હોય પણ આખરે મત મેળવવા માટે તો ચેમ્બરના જૂના જાેગીઓ ડો. મયુર દેસાઈ અને ગિરીશ દાણીનો પણ સહારો લેવો પડતો હોય છે. ચેમ્બરમાં હાલ 3500 જેટલા સભ્યો જાેડાયેલા છે જે પૈકી વટવા જૂથના 1000 જેટલા અને નરોડા જૂથના 700 જેટલા સભ્યો હોવાનું જાણવા મળે છે. કોર્પોરેટ વોટ મેળવવા માટે જૂના જાેગીઓની મદદ લેવાનુ અનિવાર્ય બની જાય છે ત્યારે આ વખતની ચૂંટણીમાં કોનુ પલડુ ભારે રહે છે તેના પર સૌની નજર રહેશે.